સમયસાર ગાથા ૨૬૩-૨૬૪ ] [ ૧૨૧ બંધનું કારણ છે. બાપુ! શરીરની ક્રિયા તો એના કારણે વિષયસેવનરૂપ નહોતી થવાની તે ન થઈ, એમાં તું માને કે મેં એ ક્રિયા કરી, વિષય સેવ્યો નહિ તો તે પરના કર્તાપણાનું તારું મિથ્યા અભિમાન છે, સમજાણું કાંઈ?
પ્રશ્નઃ– તો પછી અમારે ક્યાં ઊભવું? દયા પાળવી કે નહિ? બ્રહ્મચર્ય પાળવું કે નહિ?
ઉત્તરઃ– ભાઈ! તું જેમાં છો ત્યાં ઊભો રહે ને? જ્યાં નથી ત્યાં ઊભવાની ચેષ્ટા ક્યાં કરે છે? અહાહા....! અનંત અનંત જ્ઞાન ને આનંદનો સાગર પ્રભુ તું; એવા સ્વ- સ્વરૂપને છોડીને ક્યાં ઊભવું છે પ્રભુ! તું જેમાં ઊભવાનું માને છે એ તો રાગ છે. શું સત્ નામ સચ્ચિદાનંદમય પોતાના ભગવાનને છોડીને દુર્જન, દુષ્ટ, ઘાતક એવા રાગમાં ઊભવું ઠીક છે? બાપુ! તું શું કરે છે આ? (પરમાંથી ને રાગમાંથી પાછો વળ, સ્વરૂપમાં ઊભો રહે).
તેમ અપરિગ્રહમાં-આ લક્ષ્મી આદિ હું દાનમાં દઉં ઈત્યાદિ જે અધ્યવસાય છે તે પણ પુણ્યબંધનું કારણ છે. કોઈ તો વળી દાન આપે ને નામની તકતી ચોડાવે. અરે ભાઈ! દાનમાં રાગ (લોભ) મંદ કર્યો હોય તો પુણ્યબંધ થાય પણ તેમાં નામની તકતી ચોડાવવાનો ભાવ પાપભાવ છે અને ‘હું દાન આપું છું’ - એવો અહંકારયુક્ત અધ્યવસાય મિથ્યાત્વ છે. પૈસા કયાં એના છે તે આપે? લક્ષ્મી તો જડ છે. ને શું જડનો સ્વામી ચેતન થાય? જેમ ભેંસનો સ્વામી પાડો (એની જાતનો) હોય તેમ લક્ષ્મી આદિ જડનો સ્વામી જડ પુદ્ગલ જ હોય
અહા! જેમ આત્મા જગતની ચીજ છે તેમ પરમાણુ-જડ પણ જગતની બીજી ચીજ છે. હવે આત્મા પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયનો-સ્વનો સ્વામી થાય કે જડ રજકણોનો- ધૂળનો સ્વામી થાય? અહાહા...! પોતાના દ્રવ્ય-ગુણ ને નિર્મળ પર્યાય તે આત્માનું સ્વ છે ને તેનો એ સ્વામી છે, પણ પરનો-બીજી ચીજનો કદીય સ્વામી નથી.
પણ આ બાયડી- છોકરાં તો મારાં ખરાં કે નહિ?
અરે! ત્રણકાળમાં એ તારાં નથી, જગતની બીજી ચીજ ત્રણકાળમાં તારી નથી, તારી ન થાય, બાપુ! તું એ બીજી જુદી ચીજનો સ્વામી છું એમ માને તે તારો મિથ્યા અભિપ્રાય છે અને તે તને અનંતાનંત સંસારનું કારણ છે. ભાઈ! બીજી ચીજને પોતાની કરવામાં (થાય નહિ હોં) તેં તારા અનંતા જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવનો અનાદર કર્યો છે. હું લક્ષ્મી દઈ શકું છું ને લઈ શકું છું એવી માન્યતામાં પ્રભુ! તેં તારા અનંત સ્વભાવનો ઘાત કર્યો છે.