૧૨૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
‘જેમ હિંસામાં અધ્યવસાય તે પાપબંધનું કારણ કહ્યું છે તેમ અસત્ય, અદત્ત, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ-તેમનામાં અધ્યવસાય તે પણ પાપબંધનું કારણ છે.’
જેમ ‘હું પરને મારી શકું છું’- એવો અધ્યવસાય પાપબંધનું કારણ છે તેમ ‘હું જૂઠું બોલી શકું છું,’ પારકી ચીજ છીનવી શકું છું, દીધા વિના હું મારી તાકાતથી બીજાને લૂંટી શકું છું, વિષયસેવનાદિ કરી શકું છું, સ્ત્રીના શરીરને ભોગવી શકું છું તથા ધનાદિ સામગ્રીનો યથેષ્ટ સંગ્રહ કરી શકું છું-ઈત્યાદિ અસત્ય, અદત્ત, અબ્રહ્મ ને પરિગ્રહ સંબંધી જે અધ્યવસાય છે તે સઘળોય પાપબંધનું કારણ છે એમ કહે છે.
લ્યો, આમાં કોઈ વળી કહે છે- ‘મેં કર્યું’ એવું અભિમાન હોય તો એમાં પાપબંધ થાય પણ ‘કરે’- એમાં એને બંધનું કારણ ન થાય, એમ કે ‘કરી શકું છું’ એમ માને એમાં પાપબંધ ન થાય. એમનું કહેવું છે કે ‘કરી તો શકે છે’ પણ કરે એનું અભિમાન ન કરવું.
અહા! આવડો મોટો ફેર! અહીં તો એમ કહે છે કે-‘હું પરનું કરી શકું છું’ એવો જે અભિપ્રાય છે તે જ મિથ્યાત્વનો અહંકાર છે, અથવા અહંકારરૂપ મિથ્યાત્વ છે. તારી માન્યતામાં બહુ ફેર ભાઈ! અરે! ભગવાનના વિરહ પડયા! કેવળી કોઈ રહ્યા નહિ, અવધિજ્ઞાન આદિ ઋદ્ધિનો અભાવ થઈ ગયો ને બાપના મૂઆ પછી ‘બાપ આમ કહેતા હતા ને તેમ કહેતા હતા’ એમ દીકરાઓ જેમ ખેંચતાણ કરી અંદર અંદર લડે તેમ આ દુષમ કાળમાં લોકો વાદ-વિવાદે ચઢયા છે, મન ફાવે તેમ ખેંચતાણ કરે છે.
હવે કહે છે-‘વળી જેમ અહિંસામાં અધ્યવસાય તે પુણ્યબંધનું કારણ છે તેમ સત્ય, દત્ત, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ-તેમનામાં અધ્યવસાય તે પણ પુણ્યબંધનું કારણ છે’
જેમ હું જીવદયા પાળું છું, પર જીવોની રક્ષા કરી શકું છું-એવો અધ્યવસાય પુણ્યબંધનું કારણ છે તેમ હું સત્ય બોલી શકું છું, સત્યની વ્યાખ્યા કરી શકું છું, બીજાને ઉપદેશ દઈ શકું છું એવો અધ્યવસાય પણ પુણ્યબંધનું કારણ છે, તેમ દત્તમાં એટલે દીધેલું લેવું તેમાં- આ હું દીધેલું લઉં છું, દીધા વિના ન લઉ એવો જે અહંકારયુક્ત અધ્યવસાય છે તે પુણ્યબંધનું કારણ છે, ભગવાન! તે દીધેલું લીધું એમ માને પણ પરદ્રવ્યને લેવું- દેવું- આત્મામાં છે ક્યાં? ભગવાન! તું એક જ્ઞાયકભાવ છે ને? એમાં ‘મેં દીધેલું લીધું’- એનો ક્યાં અવકાશ છે? જગતની પ્રત્યેક ચીજ આવે જાય તે સ્વતંત્ર છે.
તેમ બ્રહ્મચર્યમાં- આ શરીર મેં બ્રહ્મચર્યમાં રાખ્યું છે એવો અધ્યવસાય પુણ્ય-