સમયસાર ગાથા ૨૬૩-૨૬૪ ] [ ૧૧૯ અધ્યવસાય કરે તે મિથ્યાત્વભાવ છે. ભાઈ! પરદ્રવ્ય આવે તે એના કારણે ને ન આવે તે પણ એના કારણે; એમાં તારું કાંઈ કર્તવ્ય નથી, છતાં તે દીધેલું હું લઈ શકું છું આવો શુભ અધ્યવસાય પુણ્યબંધનું કારણ છે અને ભેગું મિથ્યાત્વ તો ઊભું જ છે.
તેમ બ્રહ્મચર્યમાં, ‘હું શરીરથી બ્રહ્મચર્ય પાળી શકું છું’ એવો અધ્યવસાય મિથ્યાત્વભાવ છે; એનાથી પુણ્યબંધન થાય છે. અહા! શરીર તો જડ ભિન્ન દ્રવ્ય છે. આને બ્રહ્મચર્ય પાળવાનો ભાવ થયો હોય ત્યાં શરીરની વિષયની ક્રિયા ન થઈ તો ‘મેં ન કરી તો ન થઈ’- એમ જડની ક્રિયાનું કર્તાપણું માને તે અધ્યવસાય મિથ્યાત્વ છે; કેમકે શરીરની ક્રિયા જે સમયે જે થાય તે તો તેના રજકણો સ્વતંત્રપણે કરે છે. ત્યાં હું વિષય ન સેવું એવો ભાવ શુભભાવ છે તેથી પુણ્યબંધ થાય છે પણ સાથે મિથ્યાત્વ તો ઊભું જ છે.
તેવી રીતે અપરિગ્રહમાં, હું પરિગ્રહરહિત છું, વસ્ત્ર છોડીને નગ્ન થયો છું અને ઘરબાર સર્વ છોડયાં છે-એવો જે અપરિગ્રહનો અભિમાનયુક્ત અધ્યવસાય છે તે મિથ્યાત્વભાવ છે કેમકે પર વસ્તુના ગ્રહણ-ત્યાગ આત્મામાં ક્યાં છે? અરે ભાઈ! નગ્નપણું એ તો શરીરની જડની અવસ્થા છે. તેનું તું (-ચેતન) કેમ કરે? અને વસ્ત્રાદિ તારામાં કે દિ ‘હતાં તે તેં છોડયાં? વાસ્તવમાં પરવસ્તુનાં ગ્રહણ-ત્યાગ પોતાને માને એ મિથ્યાત્વભાવ છે. પરવસ્તુને હું છોડું એવો અધ્યવસાય પુણ્યબંધનું કારણ થાય છે, પણ સાથે મિથ્યાત્વ તો ઊભું જ છે.
આ પ્રમાણે પાંચ અવ્રત છે તે પાપ છે અને પાંચ મહાવ્રત છે તે પુણ્ય છે; અને ‘તે હું કરું’ એવો જે અધ્યવસાય છે તે મિથ્યાત્વ છે અને તે પાપ ને પુણ્યબંધનું કારણ થાય છે. મહાવ્રતના પરિણામ પણ હું કરું એવી જે એકત્વબુદ્ધિ છે તે મિથ્યાત્વસહિત પુણ્યબંધનું કારણ છે, પણ જરીય ધર્મ નથી. સમજાણું કાંઈ....?
કોઈ લોકો વળી કહે છે- શુભભાવમાં અશુભભાવની જેટલી નિવૃત્તિ છે તેટલો ધર્મ છે અને શુભનો ભાવ જેટલો છે તે પુણ્ય-બંધનું કારણ છે. આ શું કહે છે સમજાણું? એમ કે ભલે મિથ્યાત્વ હોય, પણ શુભભાવમાં જેટલી અશુભથી નિવૃત્તિ છે તેટલી સંવર નિર્જરા છે અને જે રાગ બાકી છે તે આસ્રવ છે. એક શુભભાવથી બેય થાય છે- પુણ્યબંધેય થાય છે ને સંવર-નિર્જરા થાય છે.
અરે ભાઈ! આ તો મહા વિપરીત વાત છે. અહીં આ ચોકખું તો છે કે- અહિંસાદિ મહાવ્રતમાં પર તરફના એકત્વબુદ્ધિના પરિણામ જે છે તે મિથ્યાત્વ છે; તે બધોય અધ્યવસાય પુણ્યબંધનું એકમાત્ર કારણ છે, જરીયે ધર્મનું (-સંવર નિર્જરાનું) કારણ નથી. અર્થાત્ મિથ્યાત્વસહિતનો જે શુભભાવ છે તે એકલા પુણ્ય-બંધનું કારણ છે, અને જરીય ધર્મનું (-સંવર-નિર્જરાનું) કારણ નથી.