સમયસાર ગાથા-૨૬પ ] [ ૧૨પ
વળી ‘બાહ્ય વસ્તુ તે બીજું પણ બંધનું કારણ હશે’ એવી શંકા ન કરવી.
કોઈને એમ થાય કે-પરમાં એકપણાનો જે અધ્યવસાય તે બંધનું કારણ છે એમ કહ્યું, પણ સાથે બાહ્ય વસ્તુ જે એના સંબંધમાં છે તે પણ બંધનું કારણ છે કે નહિ? તો કહે છે-બાહ્યવસ્તુ તે બીજું પણ બંધનું કારણ હશે એવી શંકા ન કરવી. અર્થાત્ અધ્યવસાય તે બંધનું એક કારણ હશે અને બાહ્ય વસ્તુ તે બીજું પણ બંધનું કારણ હશે એમ શંકા કરવી યોગ્ય નથી. અધ્યવસાય જ એકમાત્ર બંધનું કારણ છે. શું કીધું? કે-મેં હિંસા કરી, મેં દયા પાળી, મેં ચોરી કરી, મેં ચોરી ના કરી, મેં બ્રહ્મચર્ય પાળ્યું, મેં બ્રહ્મચર્ય ના પાળ્યું-ઈત્યાદિ જે પર સાથેના એકપણાનો અધ્યવસાય છે તે એક જ બંધનું કારણ છે, પણ શરીરાદિ જે બાહ્યવસ્તુમાં ક્રિયા થાય તે બંધનું કારણ નથી. ઝીણી વાત છે ભાઈ! અનંતકાળમાં એને આ સાંભળવા મળ્યું નથી. અહીં કહે છે-
બંધનું કારણ જે (એકત્વબુદ્ધિનો) અધ્યવસાય તેને આશ્રય બાહ્યવસ્તુનો છે, પણ તે બાહ્યવસ્તુ બંધનું કારણ નથી. બાહ્યવસ્તુ અધ્યવસાયનું નિમિત્ત છે, પણ તે કાંઈ બંધનું કારણ નથી; બંધનું કારણ તો એક અધ્યવસાય જ છે.
આવા અર્થની હવે ગાથા કહે છેઃ-
‘અધ્યવસાન જ બંધનું કારણ છે; બાહ્યવસ્તુ બંધનું કારણ નથી, કેમકે બંધનું કારણ જે અધ્યવસાન તેના કારણપણાથી જ બાહ્યવસ્તુને ચરિતાર્થપણું છે.’
જુઓ, શું કહ્યું? બાહ્યવસ્તુ અધ્યવસાનનો આશ્રય છે, જે અધ્યવસાય વિભાવના પરિણામ થયા તેનું નિમિત્ત બાહ્યવસ્તુ છે, તથાપિ તે બાહ્યવસ્તુ બંધનું કારણ નથી. આ શરીર, ઈન્દ્રિય, વાણી, ધન, લક્ષ્મી, સ્ત્રી-પરિવાર આદિ પરવસ્તુ-બાહ્યવસ્તુ છે; તેના આશ્રયે નિમિત્તે આને જે મમતાનો ભાવ-અધ્યવસાન થાય તે જ બંધનું કારણ છે, પણ એ બાહ્યવસ્તુ બંધનું કારણ નથી, શરીરાદિની ક્રિયા બંધનું કારણ નથી. ગજબ વાત છે પ્રભુ!
શું કહે છે? કે આ શરીર, ધન, લક્ષ્મી ઈત્યાદિ ‘આ બધું મારું છે’ એવી જે મમતાબુદ્ધિનો ભાવ છે તે જ બંધનું કારણ છે, ધનાદિ બાહ્ય વસ્તુ નહિ. નહિતર તો જેને ઝાઝી લક્ષ્મી હોય તેને તે ઝાઝા-વધારે બંધનું કારણ થાય અને થોડી લક્ષ્મી હોય તેને તે થોડા બંધનું કારણ થાય. પણ એમ હોતું નથી. કોઈ દરિદ્રી હોય પણ