Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2604 of 4199

 

૧૨૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ અધ્યવસાય ઊપજે છે કે ‘હું વીરજનનીના પુત્રને હણું છું’ તેમ આશ્રયભૂત એવા વંધ્યાપુત્રના અસદ્ભાવમાં પણ (કોઈને) એવો અધ્યવસાય ઊપજે (-ઊપજવો જોઈએ) કે ‘હું વંધ્યાપુત્રને (વાંઝણીના પુત્રને) હણું છું’. પરંતુ એવો અધ્યવસાય તો (કોઈને) ઊપજતો નથી. (જ્યાં વંધ્યાનો પુત્ર જ નથી ત્યાં મારવાનો અધ્યવસાય ક્યાંથી ઊપજે?) માટે એવો નિયમ છે કે (બાહ્યવસ્તુરૂપ) આશ્રય વિના અધ્યવસાન હોતું નથી. અને તેથી જ અધ્યવસાનને આશ્રયભૂત એવી જે બાહ્યવસ્તુ તેનો અત્યંત પ્રતિષેધ છે, કેમ કે કારણના પ્રતિષેધથી જ કાર્યનો પ્રતિષેધ થાય છે. (બાહ્યવસ્તુ અધ્યવસાનનું કારણ છે તેથી તેના પ્રતિષેધથી અધ્યવસાનનો પ્રતિષેધ થાય છે). પરંતુ, જોકે બાહ્યવસ્તુ બંધના કારણનું (અર્થાત્ અધ્યવસાનનું) કારણ છે તોપણ તે (બાહ્યવસ્તુ) બંધનું કારણ નથી; કેમ કે ઈર્યાસમિતિમાં પરિણમેલા મુનીંદ્રના પગ વડે હણાઈ જતા એવા કોઈ ઝડપથી આવી પડતા કાળપ્રેરિત ઊડતા જીવડાની માફક, બાહ્યવસ્તુ-કે જે બંધના કારણનું કારણ છે તે-બંધનું કારણ નહિ થતી હોવાથી, બાહ્યવસ્તુને બંધનું કારણપણું માનવામાં અનૈકાંતિક હેત્વાભાસપણું છે-વ્યભિચાર આવે છે. (આમ નિશ્ચયથી બાહ્યવસ્તુને બંધનું કારણપણું નિર્બાધ રીતે સિદ્ધ થતું નથી.) માટે બાહ્યવસ્તુ કે જે જીવને અતદ્ભાવરૂપ છે તે બંધનું કારણ નથી; અધ્યવસાન કે જે જીવને તદ્ભાવરૂપ છે તે જ બંધનું કારણ છે.

ભાવાર્થઃ– બંધનું કારણ નિશ્ચયથી અધ્યવસાન જ છે; અને જે બાહ્યવસ્તુઓ છે તે અધ્યવસાનનું આલંબન છે-તેમને આલંબીને અધ્યવસાન ઊપજે છે, તેથી તેમને અધ્યવસાનનું કારણ કહેવામાં આવે છે. બાહ્યવસ્તુ વિના નિરાશ્રયપણે અધ્યવસાન ઊપજતાં નથી તેથી બાહ્યવસ્તુઓનો ત્યાગ કરાવવામાં આવે છે. જો બંધનું કારણ બાહ્યવસ્તુ કહેવામાં આવે તો તેમાં વ્યભિચાર આવે છે. (કારણ હોવા છતાં કોઈ સ્થળે કાર્ય દેખાય અને કોઈ સ્થળે કાર્ય ન દેખાય તેને વ્યભિચાર કહે છે અને એવા કારણને વ્યભિચારી-અનૈકાંતિક-કારણાભાસ કહે છે.) કોઈ મુનિ ઈર્યાસમિતિપૂર્વક યત્નથી ગમન કરતા હોય તેમના પગ તળે કોઈ ઊડતું જીવડું વેગથી આવી પડીને મરી ગયું તો તેની હિંસા મુનિને લાગતી નથી. અહીં બાહ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો હિંસા થઈ, પરંતુ મુનિને હિંસાનો અધ્યવસાય નહિ હોવાથી તેમને બંધ થતો નથી. જેમ તે પગ નીચે મરી જતું જીવડું મુનિને બંધનું કારણ નથી તેમ અન્ય બાહ્યવસ્તુઓ વિષે પણ સમજવું. આ રીતે બાહ્યવસ્તુને બંધનું કારણ માનવામાં વ્યભિચાર આવતો હોવાથી બાહ્યવસ્તુ બંધનું કારણ નથી એમ સિદ્ધ થયું. વળી બાહ્યવસ્તુ વિના નિરાશ્રયે અધ્યવસાન થતાં નથી તેથી બાહ્યવસ્તુનો નિષેધ પણ છે જ.

*