૧૨૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ છે કે-બાહ્યવસ્તુ અધ્યવસાનને નિમિત્ત છે, પણ એ પરવસ્તુ બંધનું કારણ નથી. કોઈએ માઠા પરિણામ કર્યા કે શુભ પરિણામ કર્યા, ત્યાં એ પરિણામ એને બંધનું કારણ છે, પણ એ પરિણામ જેના આશ્રયે-નિમિત્તે થયા તે બાહ્ય ચીજ બંધનું કારણ નથી. તે બાહ્ય ચીજનું કાર્યક્ષેત્ર એ અધ્યવસાયને-પરિણામને નિમિત્ત હોવામાં જ પુરું થઈ જાય છે. આવી વાત છે!
હવે કહે છે-‘અહીં પ્રશ્ન થાય છે કે-જો બાહ્યવસ્તુ બંધનું કારણ નથી તો (બાહ્યવસ્તુનો પ્રસંગ ન કરો; ત્યાગ કરો-એમ) બાહ્યવસ્તુનો પ્રતિષેધ (નિષેધ) શા માટે કરવામાં આવે છે?
અહાહા....! શિષ્ય પૂછે છે કે-જો અધ્યવસાય એક જ બંધનું કારણ છે અને બાહ્યવસ્તુ બંધનું કારણ નથી, આ શરીરની ક્રિયા, સ્ત્રી-કુટુંબ પરિવાર, ધનાદિ સામગ્રી બંધનું કારણ નથી તો સ્ત્રી-પુત્ર પરિવાર છોડો, ઘર છોડો, ધનાદિ છોડો એમ ઉપદેશ કરવામાં આવે છે તેનું શું કારણ છે?
સ્ત્રીનો સંગ ન કરો, વ્યભિચારી પુરુષોનો પ્રસંગ ન કરો, કંદમૂળનું સેવન ન કરો, રાત્રિભોજન ન કરો ઈત્યાદિ પરવસ્તુનો આપ નિષેધ કરો છો અને વળી પરવસ્તુ બંધનું કારણ નથી એમ પણ કહો છો તો એ પરવસ્તુનો નિષેધ ભગવાન! આપ શા કારણથી કરો છો?
‘તેનું સમાધાનઃ અધ્યવસાનના પ્રતિષેધ અર્થે બાહ્યવસ્તુનો પ્રતિષેધ કરવામાં આવે છે.’
શું કીધું? કે પર જીવોને મારું-જિવાડું, પરની સાથે વ્યભિચાર કરું ઈત્યાદિ એવો જે અધ્યવસાય-એકત્વપણાનો મોહ છે તેનો નિષેધ કરવા માટે બાહ્યવસ્તુનો પ્રતિષેધ કરવામાં આવે છે. અહા! અંદર અભિપ્રાયમાં જે વિપરીત ભાવ છે એના નિષેધ અર્થે બાહ્યવસ્તુનો નિષેધ કરાવ્યો છે. અહાહા....! કોઈને બહારમાં પરિગ્રહના ઢગલા હોય, હીરા, માણેક, મોતી, જવાહરાત, સ્ત્રી-પુત્ર, રાજસંપત્તિ ઈત્યાદિ ઢગલાબંધ હોય; ત્યાં એ બાહ્ય ચીજો બંધનું કારણ નથી એ તો સત્ય જ છે, પણ એમના તરફના આશ્રયવાળો મમતાનો જે વિપરીત અભિપ્રાય છે તે બંધનું જ કારણ છે તેથી તે મોહયુક્ત વિપરીતભાવના નિષેધ અર્થે બાહ્યવસ્તુનો નિષેધ કહેવામાં આવ્યો છે. અહા! અહીં કહે છે-અમે જે બાહ્યવસ્તુનો પ્રતિષેધ કરીએ છીએ એ તો એના આશ્રયભૂત જે મિથ્યાભાવ છે, મિથ્યા અધ્યવસાન છે તેનો નિષેધ કરવા કરીએ છીએ. સમજાણું કાંઈ...?
‘અધ્યવસાનને બાહ્યવસ્તુ આશ્રયભૂત છે; બાહ્યવસ્તુનો આશ્રય કર્યા વિના અધ્યવસાન પોતાના સ્વરૂપને પામતું નથી અર્થાત્ ઉપજતું નથી.’