Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2609 of 4199

 

સમયસાર ગાથા-૨૬પ ] [ ૧૨૯

જોયું? જે કાંઈ વિભાવના પરિણામ થાય છે એ પરિણામને બાહ્યવસ્તુ નિમિત્ત છે. એ (વિભાવના) પરિણામ બાહ્યવસ્તુના (પરદ્રવ્યના) આશ્રયે ઉત્પન્ન થાય છે. અહાહા...! જેમ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિર્વિકાર નિર્મળ ધર્મના પરિણામ સ્વદ્રવ્યના આશ્રયે ઉત્પન્ન થાય છે છતાં એ સ્વદ્રવ્ય (ત્રિકાળી ચૈતન્ય મહાપ્રભુ) છે તે મોક્ષનું કારણ નથી, (કેમકે મોક્ષનું કારણ તો શુદ્ધ રત્નત્રયના પરિણામ છે, હા, શુદ્ધ રત્નત્રયના પરિણામને, સંવર-નિર્જરાના પરિણામને આશ્રય સ્વદ્રવ્યનો છે એ ખરું) તેમ હિંસા, જૂઠ, ચોરી, કુશીલ તથા પરિગ્રહના અશુભ પરિણામ વા અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય ને અપરિગ્રહના શુભ પરિણામ પરદ્રવ્યના આશ્રયે થાય છે છતાં એ પરદ્રવ્ય છે તે બંધનું કારણ નથી; પણ એમાં જે પોતાનો મિથ્યા અધ્યવસાય છે તે જ બંધનું કારણ છે. ભાઈ! એ શુભાશુભ પરિણામ સઘળા પરદ્રવ્યના આશ્રયે જ ઉત્પન્ન થાય છે, તોપણ એ પરદ્રવ્ય બંધનું કારણ નથી.

ત્યારે લલચાઈ જવાય એવા સ્થાનોમાં ન જવું, રૂપાળી ચીજ હોય તેનો પ્રસંગ ન કરવો જેથી ત્યાં ખેંચાઈ જવાય એમ ઉપદેશમાં આવે છે ને?

તો કહે છે-ત્યાં ખેંચાઈ જવાનો ભાવ તો જીવ પોતે કરે છે, એમાં એ પરચીજ તો નિમિત્તમાત્ર છે; એ ભાવ કાંઈ નિમિત્તે કરાવ્યો છે એમ નથી. તેથી એ પરચીજથી બંધ નથી. તોપણ પરચીજનું લક્ષ છોડાવવા પર ચીજ છોડો, પરચીજનો પ્રસંગ ન કરો એમ ઉપદેશમાં આવે છે.

પ્રવચનસારમાં (જ્ઞાન અધિકાર, ગાથા ૬૭માં) આવે છે કે-‘વિષયો અકિંચિત્કર છે.’ પાંચ ઈન્દ્રિયના વિષયો જીવને રાગરૂપ વિભાવના પરિણામ કરાવતા નથી, પણ જીવ પોતે જ વિષયો પ્રતિ રાગાદિરૂપ પરિણમે છે. જીવ પોતે જે રાગાદિ પરિણામ કરે એમાં એ પરચીજનું આશ્રયપણું ભલે હો, પણ તે પરિણામ પરચીજના કરાવ્યા થાય છે એમ નથી. અહા! તે રાગાદિ પરિણામ સ્વદ્રવ્યના આશ્રયે થતા નથી, પણ પરદ્રવ્યના આશ્રયે જ થાય છે. પરંતુ પરદ્રવ્ય બંધનું કારણ નથી છતાં પરદ્રવ્યનો આશ્રય-લક્ષ છોડાવવા પરદ્રવ્યથી પ્રસંગ ન કરો એમ ઉપદેશમાં આવે છે.

અહા! અધ્યવસાય છોડાવવા પરને છોડાવે છે, પણ પરને છોડાવવા અધ્યવસાય છોડાવે છે એમ નથી. પરચીજ તો છૂટી જ છે, એને ક્યાં છોડવાની છે? પરને છોડો એમ કહ્યું ત્યાં પરના આશ્રયે થતા અધ્યવસાયને છોડવાની વાત છે. સમજાણું કાંઈ...? ભાઈ! આમાં તો એનું લક્ષ જે પર ઉપર છે તે પલટીને લક્ષ સ્વ ઉપર જાય બસ આટલી વાત છે. ૧૧ મી ગાથામાં भूदत्थमस्सिदो खलु...’ એમ આવે છે ને? તેનો અર્થ પણ એ છે કે ભૂતાર્થ નામ સ્વદ્રવ્યના આશ્રયે-લક્ષે જીવ સમ્યગ્દ્રષ્ટિ થાય છે.