૧૩૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
પણ સ્વદ્રવ્યનું લક્ષ ન કરે તો?
સ્વદ્રવ્યનું લક્ષ ન કરે તો ખલાસ; એને પરદ્રવ્યના લક્ષે વિભાવરૂપ મિથ્યા અધ્યવસાય જ થાય; અને એથી બંધન જ થાય. આવી સીધી વાત છે.
અહાહા...! ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અતીન્દ્રિય આનંદનો કંદ એકલા આનંદનું દળ છે. પોતે એના પર લક્ષ કરે તો મોક્ષના પરિણામ થાય. છતાં એ ત્રિકાળી દ્રવ્ય મોક્ષના પરિણામ કરાવતું નથી. નિશ્ચયથી મોક્ષના પરિણામનું (ત્રિકાળી ધ્રુવ) દ્રવ્ય દાતા નથી. અહાહા....! શુદ્ધરત્નત્રયરૂપ જે મોક્ષનો માર્ગ તે મોક્ષમાર્ગની પર્યાયનું લક્ષ (ત્રિકાળી) દ્રવ્ય ઉપર છે, પણ દ્રવ્ય એ પર્યાયનો દાતા નથી. મોક્ષમાર્ગ અને મોક્ષની પર્યાયનો કર્તા દ્રવ્ય નથી. તો કોણ છે? એ પર્યાય પોતે જ પોતાનો કર્તા છે.
પ્રશ્નઃ– પર્યાય આવે છે તો દ્રવ્યમાંથી ને?
ઉત્તરઃ– દ્રવ્યમાંથી આવે છે એમ કહેવું એ વ્યવહાર છે; બાકી પર્યાય થાય છે તે પોતે પોતાના કારણથી (પોતાના ષટ્કારકપણે) થાય છે. જો દ્રવ્યથી થાય તો એકસરખી પર્યાય થવી જોઈએ, પણ એમ તો થતું નથી માટે ખરેખર પર્યાય પર્યાયથી પોતાથી થાય છે. પર્યાયમાં થોડી શુદ્ધિ, વધારે શુદ્ધિ, એથીય વધારે શુદ્ધિ એવી તારતમ્યતા આવે છે તે પર્યાયના પોતાના કારણે આવે છે. હા એટલું છે કે એ (-શુદ્ધ) પર્યાયનો આશ્રય સ્વદ્રવ્ય છે.
તેવી રીતે હિંસા, જૂઠ, ચોરી આદિ તથા ભક્તિ, દયા, દાન, વ્રત, પૂજા આદિ અશુભ કે શુભભાવમાં પણ જે મંદતા-તીવ્રતારૂપ તારતમ્યતા (વિષમતા) આવે છે એ પણ પર્યાયના પોતાના કારણે આવે છે, પરના કારણે નહિ; પણ એ ભાવ થવામાં સામી પરચીજનો આશ્રય અવશ્ય હોય છે. અધ્યવસાયને પરવસ્તુનો આશ્રય નિયમથી હોય છે.
પ્રશ્નઃ– બાહ્યવસ્તુ વર્તમાન વિદ્યમાન ન હોય તોપણ પરિણામ (-અધ્યવસાય) તો થાય છે?
ઉત્તરઃ– ભાઈ! પરિણામ (-અધ્યવસાય) થાય એને બાહ્યવસ્તુનો આશ્રય તો અવશ્ય હોય છે, પણ તે બાહ્યવસ્તુ વર્તમાન વિદ્યમાન જ હોય કે સમીપ જ હોય એવો નિયમ નથી. શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકમાં (ચોથા અધિકારમાં) આવે છે કે- ‘પાપી જીવોને તીવ્ર મોહ હોવાથી બાહ્ય કારણો ન હોવા છતાં પણ તેમના સંકલ્પ વડે જ રાગદ્વેષ થાય છે.’ મતલબ કે ભલે બાહ્યવસ્તુ તત્કાલ હાજર ન હોય, સમીપ ન હોય, તોપણ મનમાં તેની કલ્પના કરીને વિભાવના પરિણામ અજ્ઞાની કરે છે. આ