સમયસાર ગાથા-૨૬પ ] [ ૧૩૧ પ્રમાણે રાગાદિ અધ્યવસાય જે થાય તેને બાહ્યવસ્તુનો આશ્રય હોય જ છે. જો કે બાહ્યવસ્તુ એ અધ્યવસાય ઉત્પન્ન કરી દે છે એમ નહિ, તોપણ અજ્ઞાનીને જે હિંસા- અહિંસાદિના અધ્યવસાય થાય છે તે બાહ્યવસ્તુના આશ્રયે જ થાય છે. (થાય છે પોતાથી સ્વતંત્ર).
અહાહા...! આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ અંદર ભગવાન પોતે છે. પણ અજ્ઞાનીને તેનું લક્ષ નથી. અજ્ઞાનીનું લક્ષ બાહ્યવસ્તુ પર છે. બાહ્યવસ્તુના લક્ષે-આશ્રયે પરિણમતા તેને હિંસા-અહિંસાદિના અધ્યવસાય ઉત્પન્ન થાય છે. અહીં કહે છે-તે અધ્યવસાય જ એને બંધનું કારણ છે પણ બાહ્યવસ્તુ બંધનું કારણ નથી. એ પરવસ્તુ બંધનું કારણ જે અધ્યવસાય તેનું કારણ નામ નિમિત્ત છે, પણ તે બંધનું કારણ નથી. શ્રી જયસેનાચાર્યની ટીકામાં એને પરંપરાકારણ લખ્યું છે; એનો અર્થ જ એ કે એ સાક્ષાત્-સીધું કારણ નથી, કારણનું કારણ-નિમિત્ત છે. આવી યથાર્થ વસ્તુસ્થિતિ જેમ છે તેમ અહીં સિદ્ધ કરી છે. એમાં ગરબડ ચાલે નહિ. પરિણામથી-અધ્યવસાયથીય બંધ થાય ને બાહ્યવસ્તુથીય બંધ થાય એમ માને તે વિપરીતદ્રષ્ટિ છે એમ કહે છે.
‘અધ્યવસાનને બાહ્યવસ્તુ આશ્રયભૂત છે; બાહ્યવસ્તુનો આશ્રય કર્યા વિના અધ્યવસાન પોતાના સ્વરૂપને પામતું નથી અર્થાત્ ઉપજતું નથી.’ લ્યો, આમાં ન્યાય મૂકયો છે. એમ કહે છે કે-જેમ સ્વના આશ્રય વિના નિર્મળ નિર્વિકારી પરિણામ કદીય ત્રણકાળમાં થાય નહિ તેમ પરના-બાહ્યવસ્તુના આશ્રય વિના બંધના પરિણામ થતા નથી. આ ન્યાય છે ભાઈ! આગળ બંધ અધિકારમાં (ગાથા ૨૩૭-૨૪૧ ની ટીકામાં) આવી ગયું ને કે-‘માટે ન્યાયબળથી જ આ ફલિત થયું કે જે ઉપયોગમાં રાગાદિકરણ તે બંધનું કારણ છે.’ અહાહા...! વસ્તુ શુદ્ધ ચૈતન્યઘન પવિત્રતાનો પિંડ પ્રભુ ત્રિકાળી ધ્રુવ ચૈતન્યના ઉપયોગમય છે. તેમાં ક્ષણિક વિકૃત દશાને-રાગાદિને જોડી બેને એક કરી નાખવા એ બંધનું કારણ છે. અહીં પણ આ જ સિદ્ધ કરવું છે.
હવે કહે છે-‘જો બાહ્યવસ્તુનો આશ્રય કર્યા વિના પણ અધ્યવસાન ઉપજતું હોય તો, જેમ આશ્રયભૂત એવા વીરજનનીના પુત્રના સદ્ભાવમાં (કોઈને) એવો અધ્યવસાય ઉપજે છે કે-“હું વીરજનનીના પુત્રને હણું છું” તેમ આશ્રયભૂત એવા વંધ્યાપુત્રના અસદ્ભાવમાં પણ (કોઈને) એવો અધ્યવસાય ઉપજે (-ઉપજવો જોઈએ) કે “હું વંધ્યાપુત્રને (વાંઝણીના પુત્રને) હણું છું. પરંતુ એવો અધ્યવસાય તો (કોઈને) ઉપજતો નથી.”
જુઓ, અહીં દ્રષ્ટાંત આપીને સિદ્ધાંત સિદ્ધ કરે છે. શું કહે છે? કે જો આશ્રય વિના પરિણામ થાય તો શૂરવીર માતાના શૂરવીર પુત્રના આશ્રયે જેમ અધ્યવસાય ઉપજે છે કે ‘હું એને હણું છું’ તેમ જેનું કદી હોવાપણું જ નથી એવા વંધ્યાપુત્રના આશ્રયે