સમયસાર ગાથા-૨૬પ ] [ ૧૩પ તેથી, વિકારી પરિણામના (-શુભભાવના) આશ્રયે નિર્વિકારી (-શુદ્ધ) પરિણામ થાય એમ કદી બને નહિ; તેમજ નિર્વિકારી શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુના આશ્રયે જે પરિણામ થાય એમાં વિકારી પરિણામ થાય એમ બને નહિ.
ત્યારે કોઈ લોકો કહે છે-મોક્ષમાર્ગ છે એ બંધનું કારણ છે ને મોક્ષનું કારણ પણ છે અને બંધમાર્ગ છે તે બંધનું કારણ છે ને મોક્ષનું કારણ પણ છે-આવો અનેકાન્ત છે.
અરે ભાઈ! તું શું કહે છે આ? બાપુ! તને વસ્તુના સ્વરૂપની ખબર નથી. જેને સ્વસ્વરૂપ શુદ્ધ વિજ્ઞાનઘનવસ્તુમાં એકત્વ સહિત સ્વનો આશ્રય છે તેને મોક્ષમાર્ગ છે, પણ તેને પરમાં એકત્વના પરિણામ નથી તેથી બંધ નથી; તથા જેને પરના એકત્વપૂર્વક પરાશ્રયના પરિણામ છે તેને બંધમાર્ગ છે, પણ તેને સ્વના એકત્વના પરિણામ નથી તેથી મોક્ષનું કારણ બનતું નથી. આ પ્રમાણે મોક્ષમાર્ગ મોક્ષનું કારણ છે પણ કિંચિત્ બંધનું નહિ તથા બંધમાર્ગ બંધરૂપ જ છે પણ તેમાં કિંચિત્ મોક્ષનું કારણ નથી. આનું નામ જ સમ્યક્ અનેકાન્ત છે. બાપુ! તું કહે છે એ તો અનેકાન્ત નથી પણ ફુદડીવાદ છે, સંશયવાદ છે.
ભાઈ! વંધ્યાપુત્રના આશ્રયે જેમ ‘હું વંધ્યાપુત્રને હણું’ એવો અધ્યવસાય હોય નહિ તેમ પરવસ્તુના આશ્રય વિના વિકારના બંધરૂપ પરિણામ થતા નથી અને સ્વદ્રવ્યના આશ્રય વિના મોક્ષમાર્ગના પરિણામ બનતા નથી. લ્યો, આમ સ્વ અને પર એમ બેયથી આ સિદ્ધ થાય છે.
વેદાંતની જેમ બધું થઈને એક જ છે એમ માને તો સ્વ અને પર એમ સિદ્ધ થાય નહિ. મોક્ષમાર્ગનો ઉદ્યમ કરવો એવો ઉપદેશ તો ત્યારે જ બની શકે કે જો એને વર્તમાનમાં પરના આશ્રયભૂત બંધમાર્ગ હોય. એમાં સ્વ ને પર બન્ને સિદ્ધ થઈ ગયાં. તથા પરનો આશ્રય છોડીને સ્વનો આશ્રય કરવો એમ ઉપદેશ આવતાં સ્વઆત્મતત્ત્વ પરથી ભિન્ન પણ સિદ્ધ થઈ ગયું. અરે બાપુ! આ તો વીતરાગનો અલૌકિક માર્ગ છે! એને વેદાંતાદિ બીજા કોઈ સાથે મેળ ખાય એમ નથી. જુઓ, બંધમાર્ગમાં બીજી બાહ્યવસ્તુ છે ને એના પરિણામ બાહ્યવસ્તુના આશ્રયે સિદ્ધ કર્યા. અહા! જેમ પોતે છે તેમ પોતાથી ભિન્ન બીજી ચીજ છે, અને તેના આશ્રયે એને બંધમાર્ગ છે. પણ બીજી ચીજના આશ્રયના અભાવમાં એને બંધ થાય એમ છે નહિ. અને સ્વના આશ્રયના અભાવમાં એને મોક્ષમાર્ગ થાય એમ પણ છે નહિ. આવી જ વસ્તુસ્થિતિ છે. સમજાણું કાંઈ...?
ભાઈ! તારે ધર્મ કરવો છે ને? તો સ્વદ્રવ્ય-પરમાત્મદ્રવ્ય પોતે છે એના આશ્રયે ધર્મ થશે. અહા! સ્વદ્રવ્ય કેવું છે, કેટલું છે, કેવડું છે- એ બધું સમજવું