૧૩૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ એકત્વ કરીને સ્વદ્રવ્યના આશ્રયે (નિર્મળ રત્નત્રયના) પરિણામ પ્રગટ કર્યા એને પરદ્રવ્યના આશ્રયે પરિણામ થતા જ નથી અર્થાત્ એ પરિણામ જ નથી એમ કહે છે. અને આમ જે ‘હું પરનું કરું છું’ એમ પરમાં એકત્વ કરીને પરિણમે છે તેને મોક્ષમાર્ગના પરિણામ નથી. એ તો દ્રષ્ટાંતથી સિદ્ધ કર્યું ને કે આશ્રયભૂત વસ્તુ વિના પરિણામ થાય એમ બનતું નથી. (જેને સ્વદ્રવ્યનો આશ્રય છે તેને પરદ્રવ્યનો આશ્રય નથી તેથી તેને વિભાવના પરિણામ થતા નથી, અને જેને પરદ્રવ્યનો આશ્રય છે તેને સ્વદ્રવ્યનો આશ્રય નથી તેથી તેને મોક્ષમાર્ગના પરિણામ થતા નથી). આશ્રય વિના પરિણામ હોઈ શકે નહિ; અહીં એકત્વબુદ્ધિના પરિણામની મુખ્યતાથી વાત છે.
અહા! આવો વીતરાગનો મારગ! બિચારાને અભ્યાસ ન મળે એટલે અંધારે અથડાય. જુઓને! દુનિયાના લૌકિક પાપના અભ્યાસમાં કેટકેટલો વખત ગાળે? પચ્ચીસ-પચ્ચીસ વર્ષ સુધી પાપના લૌકિક ભણતર ભણે અને એમાં મરી જાય તો થઈ રહ્યું. લ્યો, અમેરિકામાં જઈને ભણે, નેવું ટકા માર્કે પાસ થાય, એને હોંશે ને હરખનો પાર ન મળે. લોકો ત્યાં એને સન્માન આપે. સવારે દેશમાં જવું હોય ત્યાં રાત્રે સૂઈ જાય તે સૂઈ જ જાય, મરી જાય; બિચારો ક્યાંય કાગડે-કૂતરે જાય. જુઓ આ લૌકિક ભણ્યા-ગણ્યાનો સરવાળો! ભાઈ! એ લૌકિક ભણતર સંસારમાં રઝળવા સિવાય બીજા કાંઈ ખપમાં ન આવે.
જ્યારે આ (-તત્ત્વનું) ભણ્યા-ગણ્યાનો સરવાળો તો કેવળજ્ઞાન આવે. અહાહા.....! જેણે આ આત્માને ભણીને ગણતરીમાં લીધો છે, ‘હું નથી’ એમ જે હતું તે ‘હું છું’ એમ જેણે અસ્તિમાં લીધો છે તેને ગણતરીમાં સરવાળે કેવળજ્ઞાન આવે છે. બીજા છ દ્રવ્યોને જેમ ગણે છે તેમ ‘હું એ છયે દ્રવ્યોથી જુદો અનંત અનંત શાન્તિનો સાગર એક વિજ્ઞાનઘનસ્વભાવપણે અંદર વિરાજમાન છું’ એવી અંતર-પ્રતીતિ વડે પોતાને ગણે તે એને સરવાળે મોક્ષ લાવે છે. અહાહા....! સ્વસ્વરૂપમાં એકત્વના પરિણામ એને મોક્ષનું કારણ થાય છે. ધર્મીને નિશ્ચયથી તો એક સ્વની સાથે જ એકત્વબુદ્ધિના પરિણામ છે; પર સાથે તેને એકત્વ છે જ નહિ. તેથી અમથા સાધારણ (અસ્થિરતાના) પરિણામ હોય તેને અહીં ગૌણ કરી દીધા છે. અહો! દિગંબર સંતોએ અપાર કરુણા કરીને જગતના ભવ્ય જીવોને શું ન્યાલ કરી દીધા છે! અહો! શું કરુણા! ને શું શાસ્ત્ર!!
કહે છે-‘માટે એવો નિયમ છે કે બાહ્યવસ્તુના આશ્રય વિના અધ્યવસાય હોતું નથી.’ જેમ વંધ્યાને પુત્ર નથી તો એને હણવાનું અધ્યવસાય હોતું નથી તેમ પરના આશ્રય વિના કોઈપણ બંધના (-વિકારી) પરિણામ થતા નથી. વિકારી પરિણામનો આશ્રય પર છે અને નિર્વિકારી નિર્મળ પરિણામનો આશ્રય સ્વ છે.