વિરાજે છે. ત્યાં જો. બહારના ભગવાન ઉપરનું લક્ષ એ તો શુભરાગ છે. અશુભની નિવૃત્તિ માટે તે આવે છે. પણ એ કાંઈ ધર્મ નથી. માર્ગ આવો છે, ભાઈ!
હવે શુદ્ધનયના વિષયભૂત આત્માની અનુભૂતિ તે જ જ્ઞાનની અનુભૂતિ છે એમ ૧પમી ગાથાની સૂચનાના અર્થરૂપ કાવ્ય કહે છેઃ-
‘इति’ એ રીતે ‘या शुद्धनयात्मिका आत्म–अनुभूतिः’ જે પૂર્વકથિત શુદ્ધનયસ્વરૂપ આત્માની અનુભૂતિ છે. ‘इयम् एव किल ज्ञान–अनुभूतिः’ તે જ ખરેખર જ્ઞાનની અનુભૂતિ છે. જુઓ, શુદ્ધનયસ્વરૂપ આત્મા એમ કહ્યું છે. નય અને નયના વિષયને અભેદ કરીને વાત કરી છે. શુદ્ધનયના વિષયરૂપ આત્મા એમ ભેદથી કહ્યું નથી. અહાહા...! ત્રિકાળ શુદ્ધચૈતન્યઘન અતીન્દ્રિય આનંદનો કંદ પ્રભુ આત્મા એ જ શુદ્ધનય છે. એવા શુદ્ધનયસ્વરૂપ આત્માનો અનુભવ એ જ જ્ઞાનનો અનુભવ છે. આત્માનો અનુભવ કે જ્ઞાનનો અનુભવ એ બે જુદી ચીજ નથી. સર્વજ્ઞ સ્વભાવી આત્માના જ્ઞાનનો અનુભવ એ જ આત્મ-દ્રવ્યનો અનુભવ છે અને આત્મદ્રવ્યનો અનુભવ એ જ જ્ઞાનનો અનુભવ છે. ગાથા ૧૪ માં સમ્યગ્દર્શનની પ્રધાનતાથી કથન કર્યું છે. ગાથા ૧પ માં સમ્યગ્જ્ઞાનની પ્રધાનતાથી કથન છે. આત્માનો-ગુણીનો અનુભવ, જ્ઞાનનો અનુભવ, સમ્યગ્દર્શન અને જૈનશાસન બધું એક જ છે. ‘इति बुद्ध्वा’ એમ જાણીને, आत्मनि आत्मानम् सुनिष्प्रकंपम् निवेश्य’ આત્માને આત્મામાં- પોતાના સ્વરૂપમાં નિશ્ચલ સ્થાપીને ‘नित्यम् समन्तात् एकः अवबोधघनः अस्ति’ સદા સર્વ તરફ એક જ્ઞાનઘન આત્મા છે એમ દેખવું, અનુભવવું એનું નામ જૈનધર્મ અને મોક્ષમાર્ગ છે.
ભાવાર્થઃ– ૧૪ મી ગાથામાં સમ્યગ્દર્શનને પ્રધાન કરીને કહ્યું હતું. હવે જ્ઞાનને મુખ્ય કરીને કહે છે કે શુદ્ધનયના વિષયસ્વરૂપ આત્માની અનુભૂતિ છે એ જ સમ્યગ્જ્ઞાન છે.
હવે, આ અર્થરૂપ ગાથા કહે છે.