૧૪૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ અધ્યવસાયને બાહ્યવસ્તુ નિમિત્ત છે. એને અહીં કારણ કહ્યું છે. એ કારણના પ્રતિષેધથી કાર્યનો પ્રતિષેધ થાય છે એમ કહે છે. બાહ્યવસ્તુ અધ્યવસાયનું કારણ છે તેથી તે વસ્તુના પ્રતિષેધથી અધ્યવસાયનો પ્રતિષેધ થાય છે. જુઓ, પહેલાં એમ કહ્યું હતું કે અધ્યવસાયના પ્રતિષેધ અર્થે બાહ્યવસ્તુનો પ્રતિષેધ કરવામાં આવે છે. પછી ફેરવીને આમ કહ્યું કે બાહ્યવસ્તુ અધ્યવસાયનું કારણ છે તેથી તેના પ્રતિષેધથી અધ્યવસાયનો પ્રતિષેધ થાય છે. બેમાં કાંઈ ફરક નથી કેમકે બાહ્ય વસ્તુના આશ્રયના અભાવમાં અધ્યવસાન નીપજતું નથી. અહીં તો બાહ્યવસ્તુ બંધનું કારણ નથી, પણ બંધના કારણનું કારણ છે-એમ વાત છે.
એ જ વાત દ્રષ્ટાંતથી કહે છે-
‘પરંતુ, જો કે બાહ્યવસ્તુ બંધના કારણનું (અર્થાત્ અધ્યવસાનનું) કારણ છે. તોપણ તે (બાહ્યવસ્તુ) બંધનું કારણ નથી; કેમકે ઇર્યાસમિતિમાં પરિણમેલા મુનીન્દ્રના પગ વડે હણાઈ જતા એવા કોઈ ઝડપથી આવી પડતા કાળપ્રેરિત ઉડતા જીવડાની માફક, બાહ્યવસ્તુ-કે જે બંધના કારણનું કારણ છે તે-બંધનું કારણ નહિ થતી હોવાથી, બાહ્યવસ્તુને બંધનું કારણ માનવામાં અનૈકાંતિક હેત્વાભાસપણું છે-વ્યભિચાર આવે છે.’
જુઓ, દ્રષ્ટાંત જે આપેલું છે તે સમજાવવાની વ્યવહારની રીત છે. ભાષા જુઓ તો ‘મુનીન્દ્રના પગ વડે’-એમ છે. વાસ્તવમાં પગ તો જડનો છે, મુનીન્દ્રનો નથી, મુનીન્દ્રનો તો શુદ્ધોપયોગ છે. અહાહા..! મુનીવર તો શુદ્ધોપયોગી હોય છે. ભાઈ! એમને ગમનમાં શરીર નિમિત્ત છે તેથી ‘મુનીન્દ્રના પગ વડે’-એમ ભાષા છે. ‘પગ વડે હણાઈ જતાં’-એમ કહ્યું ત્યાં પણ પર વડે પર હણાય નહિ એમ છે, પણ અહીં નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી વાત છે.
મુનિરાજ આમ સામું નીચે જોઈને ચાલે છે; ઈર્યાસમિતિપૂર્વક ત્યારે આમ પગ મૂકવા જાય ત્યાં કાળપ્રેરિત અર્થાત્ જેનું આયુષ્ય પૂરું થયું છે એવું જીવડું એકદમ ઝડપથી પગ નીચે ગરી જાય અને મરી જાય તોપણ મુનિરાજને હિંસા થતી નથી. તે ઉડતું જીવડું મરી ગયું એ મુનિરાજને બંધનું કારણ નથી, કેમકે મુનિરાજને ‘હું મારું-જિવાડું’-એવો અધ્યવસાય નથી. મુનિરાજને ઈર્યાસમિતિનો શુભભાવ છે, પણ બંધનું કારણ જે એકત્વબુદ્ધિનો અધ્યવસાય તે નથી. તેની માફક બાહ્યવસ્તુઓ જે બંધના કારણનું કારણ કહ્યું છે તે બંધનું કારણ નથી.
જો બાહ્યવસ્તુ બંધનું કારણ માનવામાં આવે તો મુનિરાજને પગ તળે જીવડું મરી જતાં હિંસા થાય અને તેથી બંધ પણ થાય; પણ એમ નથી. કેમકે મુનિરાજ અંતરમાં શુદ્ધ પરિણતિયુક્ત છે, ઈર્યાસમિતિએ પરિણમેલા છે, મારવા-જિવાડવાના