સમયસાર ગાથા-૨૬પ ] [ ૧૪૩ અધ્યવસાયથી રહિત છે. માટે તેમને જીવડું મરી ગયું એ બંધનું કારણ નથી. તેવી રીતે બાહ્યવસ્તુ જે બંધના કારણનું કારણ છે તે બંધનું કારણ નથી.
બાહ્યવસ્તુને બંધનું કારણ માનવામાં આવે તે અનૈકાંતિક હેત્વાભાસ છે-એમાં વ્યભિચાર આવે છે. એટલે શું? કે બાહ્યવસ્તુને નિર્બાધપણે બંધનું કારણપણું સિદ્ધ થતું નથી. તે (-બાહ્યવસ્તુ) નિયમરૂપ બંધનું કારણ બની શકતી નથી.
‘માટે બાહ્યવસ્તુ કે જે જીવને અતદ્ભાવરૂપ છે તે બંધનું કારણ નથી; અધ્યવસાન કે જે જીવને તદ્ભાવરૂપ છે તે જ બંધનું કારણ છે.’
બાહ્યવસ્તુ જીવને અતદ્ભાવરૂપ છે, તે જીવના પોતાના ભાવરૂપ નથી. આ સ્ત્રી, કુટુંબપરિવાર ઈત્યાદિ પર જીવ, પૈસા, ધન-સંપત્તિ, શરીર, વાણી, ઈન્દ્રિય ઈત્યાદિ સઘળી પરવસ્તુ આત્માને અતદ્ભાવરૂપ છે, તે આત્માના ભાવરૂપ નથી, પરભાવરૂપ છે. તે જીવને બંધનું કારણ નથી.
પરંતુ હું બીજાને જિવાડું-મારું, સુખી-દુઃખી કરું, કુટુંબને પાળુ-પોષું ને નભાવું, ધનાદિ સામગ્રી આપું-લઉં અને શરીરની ક્રિયા યથેષ્ટ કરું-એવો જે અહંકારરૂપ અધ્યવસાય છે તે જીવને તદ્ભાવરૂપ છે અને તે જ જીવને બંધનું કારણ છે.
‘બંધનું કારણ નિશ્ચયથી અધ્યવસાન જ છે;....?
જોયું? આ એકાન્ત કર્યું કે બંધનું કારણ અધ્યવસાન જ છે. આ સમ્યક્ એકાન્ત છે ભાઈ! મતલબ કે બંધનું કારણ અધ્યવસાન જ છે, પરવસ્તુ નહિ એમ (સમ્યક્) અનેકાન્ત છે; પણ બંધનું કારણ અધ્યવસાન પણ છે ને પરવસ્તુ પણ છે એ તો મિથ્યાવાદ છે બાપુ!
‘અને જે બાહ્યવસ્તુઓ છે તે અધ્યવસાનનું આલંબન છે-તેમને આલંબીને અધ્યવસાન ઉપજે છે, તેથી તેમને અધ્યવસાનનું કારણ કહેવામાં આવે છે.’
જુઓ, આ અધ્યવસાન નામ પરિણામ (-વિભાવ) જે ઉપજે છે તેને બાહ્યવસ્તુનું આલંબન અર્થાત્ આશ્રય હોય છે. તેને આશ્રય કહો, નિમિત્ત કહો, કારણ કહો કે આલંબન કહો-એ બધું એકાર્થવાચક છે. અહાહા..! બાહ્યવસ્તુના આલંબને ઉપજે છે તેથી બાહ્યવસ્તુને અધ્યવસાનનું કારણ કહેવામાં આવે છે. અહીં એમ નથી કે બાહ્યવસ્તુ અધ્યવસાનને (ઉત્પન્ન) કરાવે છે. અહાહા..! અધ્યવસાન આશ્રયભૂત નિમિત્તથી ઉત્પન્ન થાય છે એમ નથી. બાહ્યવસ્તુ આલંબનરૂપ-આશ્રયરૂપ નિમિત્ત