સમયસાર ગાથા-૨૬૬ ] [ ૧૪૭
આ રીતે બંધના કારણપણે (-કારણ તરીકે) નક્કી કરવામાં આવેલું જે અધ્યવસાન તે પોતાની અર્થક્રિયા કરનારું નહિ હોવાથી મિથ્યા છે-એમ હવે દર્શાવે છેઃ-
‘હું પર જીવોને દુઃખી કરું છું, સુખી કરું છું ઈત્યાદિ તથા બંધાવું છું, મુકાવું છું ઈત્યાદિ જે આ અધ્યવસાન છે તે બધુંય, પરભાવનો પરમાં વ્યાપાર નહિ હોવાને લીધે પોતાની અર્થક્રિયા કરનારું નહિ હોવાથી, “હું આકાશના ફૂલને ચૂંટું છું” એવા અધ્યવસાનની માફક મિથ્યારૂપ છે, કેવળ પોતાના અનર્થ માટે જ છે.’
જુઓ, પરજીવોને મારું-જિવાડું, સુખી-દુઃખી કરું-એવો અભિપ્રાય મિથ્યા અધ્યવસાય છે એ વાત આવી ગઈ છે, હવે આમાં પરને ‘બંધાવું-મુકાવું છું’ એ અભિપ્રાય પણ મિથ્યા છે એમ વધારે નાખ્યું છે.
શું કહેવું છે? કે ‘હું પરને બંધાવું’ એવો તારો જે ભાવ છે તે પરને બંધાવી શકતો નથી, અને ‘હું બીજાને મુક્ત કરું’ એવો તારો જે ભાવ છે તે બીજાને મુક્ત કરી શકતો નથી. ‘હું બીજાને મોક્ષ કરી દઉં’ એવો તારો ભાવ શું બીજાનો મોક્ષ કરી દે છે? ના; તેમ ‘હું બીજાને બંધાવું’ એવો તારો ભાવ શું બીજાને બંધાવે છે? ના. અરે ભાઈ! બીજાને બંધાવા-મૂકાવાના પરિણામ તો બીજાના એના છે અને બંધાવા-મૂકાવાની ક્રિયા પણ બીજામાં-એનામાં થાય છે. અહા! પોતાને પરનું કરવાના ભાવ-પરિણામ થાય પણ એ પરની ક્રિયા કરી શકતો નથી. ઝીણી વાત ભાઈ!
ઐક દ્રષ્ટાંત આવે છે ને કે-એક શેઠ હતા હવે એનું મકાન બંધાતું હતું ત્યારે તેનો એક વેરી છુપી રીતે મંદિરની થોડી ઈંટો એમાં મૂકી આવ્યો. એને મન એમ કે આ દેવદ્રવ્ય-દેરાસરનો માલ મકાનમાં વપરાશે એટલે એનું નખ્ખોદ જશે, એને તીવ્ર બંધ થશે. પેલા મકાન બંધાતું હતું એ શેઠને તો આની ખબરેય નથી ત્યાં એને શું થાય? મૂર્ખ લોકો આવો ને આવો અભિપ્રાય રાખે કે હું બીજાને બંધાવું! અહીં કહે છે-એ અભિપ્રાય મિથ્યા જૂઠો છે.
શ્વેતાંબરમાં ‘દસ અચ્છેરાં’ માં એક વાત આવે છે. હરિવંશક્ષેત્રમાં એક જુગલીયાં હતાં. હવે તે જુગલિયાં નિયમથી મરીને સ્વર્ગે જાય. તેનો વેરી એક દેવ હતો તેણે આ જુગલિયાનું શરીર નાનું કરીને ભરતક્ષેત્રમાં મૂક્યાં અને ત્યાં દારૂ, માંસ આદિ ખવડાવ્યાં ને સાત વ્યસનમાં તેને નાખી દીધાં. પછી તે જુગલિયાં મરીને નરકે ગયાં. હવે આવી ને આવી મેળ વગરની વાત; કેમકે હરિવંશક્ષેત્રમાંથી જુગલિયાંને