जा एसा मूढमदी णिरत्थया सा हु दे मिच्छा।। २६६।।
या एषा मूढमतिः निरर्थिका सा खलु ते मिथ्या।। २६६।।
આ રીતે બંધના કારણપણે (-કારણ તરીકે) નક્કી કરવામાં આવેલું જે અધ્યવસાન તે પોતાની અર્થક્રિયા કરનારું નહિ હોવાથી મિથ્યા છે-એમ હવે દર્શાવે છેઃ-
આ મૂઢ મતિ તુજ છે નિરર્થક, તેથી છે મિથ્યા ખરે. ૨૬૬.
ગાથાર્થઃ– હે ભાઈ! ‘[जीवान्] હું જીવોને [दुःखितसुखितान्] દુઃખી-સુખી [करोमि] કરું છું, [बन्धयामि] બંધાવું છું [तथा विमोचयामि] તથા મુકાવું છું, [या एषा ते मूढमतिः] એવી જે આ તારી મૂઢ મતિ (-મોહિત બુદ્ધિ) છે [सा] તે [निरर्थिका] નિરર્થક હોવાથી [खलु] ખરેખર [मिथ्या] મિથ્યા (-ખોટી) છે.
ટીકાઃ– હું પર જીવોને દુઃખી કરું છું, સુખી કરું છું ઇત્યાદિ તથા બંધાવું છું, મુકાવું છું ઇત્યાદિ જે આ અધ્યવસાન છે તે બધુંય, પરભાવનો પરમાં વ્યાપાર નહિ હોવાને લીધે પોતાની અર્થક્રિયા કરનારું નહિ હોવાથી, ‘હું આકાશના ફૂલને ચૂંટું છું’ એવા અધ્યવસાનની માફક મિથ્યારૂપ છે, કેવળ પોતાના અનર્થને માટે જ છે (અર્થાત્ માત્ર પોતાને જ નુકસાનનું કારણ થાય છે, પરને તો કાંઈ કરી શકતું નથી).
ભાવાર્થઃ– જે પોતાની અર્થક્રિયા (-પ્રયોજનભૂત ક્રિયા) કરી શકતું નથી તે નિરર્થક છે, અથવા જેનો વિષય નથી તે નિરર્થક છે. જીવ પર જીવોને દુઃખી-સુખી આદિ કરવાની બુદ્ધિ કરે છે, પરંતુ પર જીવો તો પોતાના કર્યા દુઃખી-સુખી થતા નથી; તેથી તે બુદ્ધિ નિરર્થક છે અને નિરર્થક હોવાથી મિથ્યા છે-ખોટી છે.