સમયસાર ગાથા-૨૬પ ] [ ૧૪પ નથી. અહીં બાહ્યદ્રષ્ટિથી જોવામાં આવે તો હિંસા થઈ, પરંતુ મુનિને હિંસાનો અધ્યવસાય નહિ હોવાથી તેમને બંધ થતો નથી.’ અહાહા...! પગ તળે જીવડું મરી ગયું એ દ્રષ્ટિએ બહારથી જોતાં હિંસા થઈ છે, પણ મુનિરાજને મારવાના પરિણામ નહિ હોવાથી તેમને બંધ થતો નથી. જુઓ અહીં પરિણામના અર્થમાં અધ્યવસાય શબ્દ વાપર્યો છે; કેમકે મુનિરાજને એકત્વબુદ્ધિ તો છે જ નહિ તેથી અધ્યવસાયનો અર્થ અહીં પરિણામ લેવો.
‘જેમ તે પગ નીચે મરી જતું જીવડું મુનિને બંધનું કારણ નથી તેમ અન્ય બાહ્યવસ્તુઓ વિષે પણ સમજવું.’
શરીર, મન, વાણી ઈત્યાદિ બધી જે પરની ક્રિયા થાય તે પરિણામનો આશ્રય હોય, પણ એ બાહ્યવસ્તુની ક્રિયા બંધનું કારણ નથી; વાણીથી બંધ નથી, દેહથી બંધ નથી; કેમકે એ બધી પરચીજ જીવને અતદ્ભાવરૂપ છે. જે પરિણામ છે તે જીવને તદ્ભાવરૂપ છે અને તે જ જીવને બંધનું કારણ છે.
‘આ રીતે બાહ્યવસ્તુને બંધનું કારણ માનવામાં વ્યભિચાર આવતો હોવાથી બાહ્યવસ્તુ બંધનું કારણ નથી એમ સિદ્ધ થયું. વળી બાહ્યવસ્તુ વિના નિરાશ્રયે અધ્યવસાન થતાં નથી તેથી બાહ્યવસ્તુનો નિષેધ પણ છે જ.’
જુઓ, આ પ્રમાણે બાહ્યવસ્તુના નિષેધ દ્વારા બાહ્યવસ્તુનો આશ્રય છોડાવે છે.