૧પ૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ રીતે હું એવો ઉપદેશ દઉં કે બીજા તરી જાય, તો કહે છે-એ પરિણામ પણ તારા મિથ્યા છે, કેમકે પરનું તું શું કરે? કાંઈ નહિ. તારા પરને તારી દેવાના પરિણામ બીજાને તારી શકતા નથી, કારણ કે પરનો પરમાં વ્યાપાર જ નથી. સમકિતીને જરી અસ્થિરતાનો વિકલ્પ આવે એ બીજી વાત છે, બાકી મિથ્યાદ્રષ્ટિને જે વિપરીત અભિપ્રાયના પરિણામ છે એ તેને દીર્ઘ સંસારનું કારણ છે.
મા-બાપ હોય ને? એમને એમ થાય કે-આ છોકરાંને બરાબર ભણાવી-ગણાવીને હોશિયાર કરી દઉં, એમને ધંધો શીખવાડી દઉં, તેઓ પૈસા કમાતા થઈ જાય એટલે આપણે નિવૃત્ત થઈ જઈએ; -અહીં કહે છે-ભાઈ! તારો એ અભિપ્રાય મિથ્યા છે, કેમકે પરભાવનો પરમાં વ્યાપાર જ શક્ય નથી.
પ્રશ્નઃ– પણ આવકનું સાધન તો કરી આપવું જોઈએ ને? ઉત્તરઃ– કોણ સાધન કરી આપી શકે? એના પુણ્યનો ઉદય હોય તો સાધન આપોઆપ આવી મળે, અને પાપનો ઉદય હોય તો સાધન ન મળે. એમાં તું શું કરે? સાધન કરી આપવાનો ભાવ આવે, પણ આને (છોકરાને) પાપનો ઉદય હોય તો સાધન મળે નહિ. અરે ભાઈ! પરની ક્રિયા આત્મા ત્રણ કાળમાં કરી શકે જ નહિ. તું ભાવ કરે પણ તે ભાવ પરમાં કાંઈ કરી શકે નહિ. તેથી તારા પરિણામ નિરર્થક મિથ્યા છે અને તારા તેવો અભિપ્રાય મિથ્યાત્વ છે.
એ તો અહીં કહ્યું ને કે-‘હું આકાશનાં ફૂલો ચૂંટું છું’- એવા અધ્યવસાનની માફક ‘હું પરને મારું-જિવાડું છું, પરને દુઃખી-સુખી કરું છું, પરને બંધાવું-મૂકાવું છું’ ઇત્યાદિ સર્વ અધ્યવસાન નિરર્થક છે. અહા! જેમ આકાશને ફૂલ હોય નહિ તેમ પરવસ્તુ આત્માની છે નહિ; તેથી પરની ક્રિયા હું કરું છું એ અધ્યવસાય જૂઠો છે. આ છોકરાઓ બધા ભણી- ગણીને મોટા થાય એટલે બધાને સરખાં મકાન બનાવી દઉં અને બધાની સરખી વ્યવસ્થા કરી દઉં એવું અધ્યવસાન જૂઠું છે, કેમકે પરમાં કાંઈપણ કરવા માટે આત્મા પાંગળો છે. આત્મા પરની વ્યવસ્થા ત્રણકાળ ત્રણલોકમાં કરી શકે નહિ. તે પોતાના પોતામાં બંધના પરિણામ કે મોક્ષના પરિણામ કરી શકે પણ પરમાં કાંઈ પણ કરી શકે નહિ.
હું ખૂબ ધન કમાઉં છું તો એની એવી વ્યવસ્થા કરું કે જેથી કુટુંબનાં સર્વ સુખી થાય, સેવકો સુખી થાય ને સમાજને લાભ થાય-એમ પરને સુખી કરવાનો અભિપ્રાય અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિનો છે. અજ્ઞાનીના આવા સર્વ પરિણામ મિથ્યા છે અને પોતાના અનર્થને માટે જ છે. પરનું તો તે કાંઈ કરી શકે નહિ, પણ પોતાને અવશ્ય નુકશાનનું કારણ થાય છે. અહા! આવા સર્વ પરિણામ પરની ક્રિયા કરવામાં નિષ્ફળ છે અને પોતાના આત્માનું નુકશાન કરવામાં, ચતુર્ગતિ-પરિભ્રમણ અર્થે સફળ છે.