સમયસાર ગાથા-૨૬૬ ] [ ૧પ૧
લ્યો, હવે આવું કદી સાંભળવા મળે નહિ અને બીજે દયા કરો ને દાન કરો ને ભક્તિ કરો ને તપ કરો એમ પરની ક્રિયા કરો, કરો-એવો ઉપદેશ બધે સાંભળવા મળે. પણ અહીં કહે છે-ભગવાન! એ પરનું કરવાના પરિણામ સર્વ નિરર્થક છે અને પોતાના અનર્થને માટે જ છે. અહા! ભાષા તો જુઓ! એ પરિણામ પોતાનું અનર્થ કરનારા એટલે સંસારમાં દીર્ઘકાળ રખડાવનારા-રઝળાવનારા છે. કેમ? કેમકે તે મિથ્યા અભિપ્રાય સહિત છે. અરે! લોકોને મિથ્યાદર્શન શું છે એની ખબર નથી!
ઝીણી વાત છે ભાઈ! શું તારી સત્તામાં થતા પરિણામ પરની સત્તામાં પ્રવેશ કરી શકે છે કે તે પરનું કાર્ય કરી દે? ના, કદીય નહિ. તેમ શું પરસત્તા તારામાં પ્રવેશી શકે છે કે પર તારું કાર્ય કરી દે? એમ પણ નહિ. અહા! કોઈ સત્તા પોતાની સત્તાને છોડીને પરની સત્તામાં પ્રવેશ પામતી જ નથી તો પછી તે પરનું શું કરી શકે? કાંઈ જ નહિ.
આ શરીર છે તેને આમ તેમ હું હલાવું છું એમ અજ્ઞાની માને છે. પણ ભાઈ! શું આત્માની સત્તા જડ શરીરમાં જાય છે? ના; તો પછી આત્મા શરીરનું શું કરે? તે શરીરને કેવી રીતે હલાવે? અહા! પાણીમાં માખી પડી ગઈ હોય તો આંગળી વડે કાઢીને હું તેને બચાવી શકું છું- એવો અભિપ્રાય મિથ્યા છે. શું આંગળીની કે પર માખીની સત્તામાં તું જઈ શકે છે? ના; તો પછી આંગળીનું તું શું કરે? ને માખીને તું કેવી રીતે બચાવે? આંગળીની ક્રિયા તો સ્વયં એના પરમાણુઓથી થાય છે અને માખી બચે છે તે એના આયુકર્મના ઉદયથી બચે છે. માટે માખીને હું બચાઉં છું એવો તારો અભિપ્રાય મિથ્યા છે અને તે પોતાના અનર્થ માટે જ છે, અર્થાત્ પોતાને સંસારની વૃદ્ધિનું જ કારણ છે.
અહાહા...! પ્રત્યેક જીવનની અને પરમાણુ-પરમાણુની જે ક્ષણે જે અવસ્થા પોતાની થાય છે એને કોઈ બીજો કરી દે એ ત્રણકાળમાં બની શકે નહિં. પ્રત્યેક જીવ અને પ્રત્યેક પરમાણુની પોતપોતાની પર્યાયની જન્મક્ષણ છે. અહા! પ્રતિસમય તેમાં જે જે અવસ્થા થાય છે તે તેની ઉત્પત્તિનો કાળ છે. હવે એમાં કોઈ બીજો કહે છે કે-હું એને ઉપજાવી દઉં કે બદલાવી દઉં તો તે અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે, કેમકે બીજાનો બીજામાં પ્રવેશ જ નથી. આ અમે લોકોની સેવા કરીએ છીએ, દીન-દુખિયાંનાં દુઃખ દૂર કરીએ છીએ ઇત્યાદિ પરનાં કાર્ય કરવાના સર્વ અધ્યવસાય જૂઠા-નિરર્થક છે, કેમકે પોતાના અધ્યવસાય પ્રમાણે પરમાં બનતું નથી. હા, એવા જૂઠા અધ્યવસાય વડે પોતાનો આત્મા હણાય છે, તેથી તે અધ્યવસાય પોતાને સંસારમાં રખડાવવામાં સાર્થક છે, પણ પરનું કાર્ય કરવામાં તે તદ્દન નિરર્થક છે.
પ્રશ્નઃ– નિશ્ચયથી તો કોઈ પરનું કાંઈ ન કરી શકે એ તો બરાબર, પણ વ્યવહારથી શું છે? (એમ કે વ્યવહારથી તો કરી શકે ને?)