સમયસાર ગાથા-૨૬૬ ] [ ૧પ૩ કરે પણ એ પરિણામનો વિષય શું તારો છે? એ પરિણામ પોતાની અર્થક્રિયા કરી શકતો નથી માટે એ મિથ્યા છે, નિરર્થક છે. પરનો મોક્ષ તો એના વીતરાગી પરિણામથી થાય છે એમાં તું શું કરે? તેમ પર જીવ એનું આયુષ્ય હોય તો બચે છે, પણ તારા પરિણામથી એ ક્યાં બચે છે? આ પ્રમાણે પરની ક્રિયા કરવાના પરિણામ પોતાની અર્થક્રિયાથી રહિત હોવાથી નિરર્થક છે.
જુઓ, સમ્યગ્દર્શનના પરિણામનો વિષય નામ ધ્યેય ત્રિકાળી ધ્રુવ શુદ્ધ ચૈતન્યદ્રવ્ય છે. એ તો વિષય વસ્તુ યથાર્થ, સત્યાર્થ છે; તેથી એ પરિણામનો વિષય છે. પણ ‘હું મારી-જિવાડી શકું છું’ ઇત્યાદિ પરિણામનો વિષય જ નથી કેમકે પરને મારવા- જિવાડવાના પરિણામ પરને મારી-જિવાડી શકતા નથી. શું કીધું? કે ‘પરને હું જિવાડું’ એમ અભિપ્રાય રાખે પણ પરને તે જિવાડી શકતો નથી. માટે એ પરિણામનો વિષય ખોટો-અસત્યાર્થ છે અર્થાત્ એનો વિષય જ નથી એમ કહે છે. સમજાણું કાંઈ...?
અહો! દિગંબર સંતોએ વસ્તુસ્વરૂપ ખુલ્લું કરીને માર્ગને ટકાવી રાખ્યો છે. અહા! સંતોને-કેવળીના કેડાયતીઓને સમાજની શું પડી છે? સમાજ વસ્તુના સ્વરૂપને સ્વીકારશે કે નહિ એની એમને શું પડી છે? એ તો સર્વજ્ઞનું ફરમાન જેમ છે તેમ યથાસ્થિત નિઃસંકોચપણે ખુલ્લું કરે છે. ભાઈ! એને સમજવું હોય તો પોતાનો દુરાગ્રહ છોડી દેવો જોઈશે.
‘હું શરીરની ક્રિયા કરી શકું છું’-એવા જે પરિણામ તે શરીરની ક્રિયા કરી શકતા નથી, કેમકે શરીરની ક્રિયા તો ભિન્ન જડની ક્રિયા જડથી થાય છે. તો પછી એ પરિણામનું શું? તો કહે છે-એ પરિણામ મિથ્યા, નિરર્થક છે અને પોતાના અનર્થ માટે છે. જેનો વિષય નથી તે નિરર્થક છે. જેવા પરિણામ થયા તે પ્રમાણે પરમાં કરી શકે નહિ તેથી પરિણામનો વિષય અસત્યાર્થ છે અર્થાત્ નથી એમ કહેવાય છે. અહા! આવી વાત વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરના માર્ગ સિવાય બીજે ક્યાંય નથી. આ પરમ સત્યનો પોકાર છે કે જીવના પરિણામનો જો વિષય નથી તો તે પરિણામ નિરર્થક છે, પોતાના અનર્થને માટે છે.
એ જ કહે છેઃ ‘જીવ પર જીવોને દુઃખી-સુખી આદિ કરવાની બુદ્ધિ કરે છે, પરંતુ પર જીવો તો પોતાના કર્યા દુઃખી-સુખી થતા નથી; તેથી તે બુદ્ધિ નિરર્થક છે અને નિરર્થક હોવાથી મિથ્યા છે-ખોટી છે.’
પ્રશ્નઃ– તો પછી શું કરવું?
ઉત્તરઃ– ભાઈ! જ્ઞાતા-દ્રષ્ટાપણે (-જાણવા-દેખવાપણે) રહેવું. અહાહા....! હું જ્ઞાનાનંદસ્વભાવી છું. -એમ દ્રષ્ટિ સ્વસ્વરૂપમાં એકાગ્ર કરવી.