સમયસાર ગાથા-૨૬૭ ] [ ૧૬પ
હવે વિશેષ વાતઃ કે જ્ઞાનની પર્યાયમાં વર્તમાન પરને પ્રકાશવાનું-પ્રત્યક્ષ કરવાનું સામર્થ્ય છે તો તે સ્વને પ્રત્યક્ષ કેમ ન કરે? કરે. જો એમ છે તો પછી તે જ્ઞાનની પર્યાય ભવિષ્યની પર્યાયને પણ અત્યારે (-વર્તમાનમાં) કેમ ન જાણે? વર્તમાન જ્ઞાનપર્યાય અનંતા દ્રવ્ય, ગુણ ને પર્યાયને જાણે છે તો પોતાની અનંત ભવિષ્યની પર્યાયને પણ કેમ ન જાણે? શું કીધું? કે જ્ઞાનમાં પરને જાણવાનું સામર્થ્ય પ્રત્યક્ષ નક્કી થાય છે તો એનામાં સ્વને જાણવાનું પણ સામર્થ્ય નક્કી થાય છે. અને તો પછી એ શ્રુતજ્ઞાનની પર્યાય ભવિષ્યને પણ વર્તમાનમાં જાણે છે એમ કેમ નક્કી ન થાય? ન્યાય સમજાય છે કાંઈ...? અહાહા...! કેવળજ્ઞાની પ્રત્યક્ષ જાણે છે અને શ્રુતજ્ઞાની પરોક્ષ જાણે છે. શ્રુતજ્ઞાની, ભવિષ્યની જે શ્રુતજ્ઞાનની થશે તે, ને કેવળજ્ઞાનની થશે તે-તે બધીય અનંતી પર્યાયને (પરોક્ષ) જાણે છે. અહા! ભગવાન! તારું કોઈ ગજબ અદ્ભુત સામર્થ્ય છે! પ્રભુ! તું મહાન છો પણ તને તારા મહિમાની ખબર નથી.
ભગવાન! તું પર ચીજની મોટપમાં મુંઝાઈ ગયો? આ શું થયું તને? આ રાગ ને આ શેઠાઈ, આ દેવતાઈ ને આ વૈભવ, આ પૈસા કે આ શરીરનું રૂપાળાપણું-ઇત્યાદિમાં એમાં તું કયાંય નથી ભાઈ! અને એ ચીજો તારામાં નથી. તારામાં તો એક સમયમાં લોકાલોકને પ્રકાશે એવું સામર્થ્ય છે પ્રભુ! અરેરે! એણે પરની મોટપ આડે અનંતકાળ દુઃખમાં-પામરતામાં જ વીતાવ્યો છે!
આ તો ન્યાયથી વાત છે ભાઈ! અહા! જે જ્ઞાનની પર્યાય પરને પ્રકાશે છે તે સ્વને કેમ ન પ્રકાશે! અને જો સ્વદ્રવ્યને પ્રકાશે છે તો પછી પોતાની વર્તમાન, ભૂત ને ભવિષ્યની પર્યાયને કેમ ન જાણે? જાણે; લ્યો, આ વસ્તુસ્થિતિ છે. શું? કે કરવાનું કાંઈ નહિ ને જાણવાનું બાકી કાંઈ નહિ. અહાહા...! પરમાં અકિંચિત્કર અને પરને જાણવામાં કાંઈ બાકી ન રહે એવો જ્ઞાનસ્વભાવી-સર્વજ્ઞસ્વભાવી પ્રભુ આત્મા છે. અહાહા...! એ તો રાગવાળોય નહિ, પુણ્યવાળોય નહિ ને એના ફળવાળોય નહિ પણ એ તો સ્વપરપ્રકાશી જ્ઞાનનો પિંડ પ્રભુ છે.
જુઓ, પરનું કરવું ને રાગાદિનું કરવું એ આત્માનો સ્વભાવ નથી. ભાઈ! આ વ્યવહારરત્નત્રયનો રાગ કરવો એ એનો સ્વભાવ નથી. પણ એ વ્યવહારરત્નત્રયના રાગને અને બીજાને જાણે એવો તેનો સ્વભાવ છે. હવે એ જાણે છે તો અનાદિથી પણ સ્વપ્રકાશને જાણ્યા વિના પરપ્રકાશનું પ્રમાણજ્ઞાન યથાર્થ થતું નથી. બાપુ! આવો વીતરાગનો માર્ગ સંતોએ જાહેર કર્યો છે.
અહાહા...! આત્મા પરનું કાંઈ ન કરે પણ પરને કાંઈપણ બાકી રાખ્યા વિના જાણે એવો એનો સ્વભાવ છે. પોતે જ્ઞ-સ્વભાવી છે ને? એટલે સ્વને પર-સર્વને જાણે એવું એનું સહજ સામર્થ્ય છે, પણ પરમાં કાંઈ કરે એવું એનું સામર્થ્ય જ નથી.