૧૬૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ અહાહા...! એક રજકણની કે રાગના અંશની ક્રિયાને કરે એવી આત્માની શક્તિ જ નથી. તો પછી દેહની ને વાણીની ને વેપાર આદિની ક્રિયાને તે કરે એ વાત જ ક્યાં રહે છે?
અહાહા...! આ તો ચૈતન્યહીરો પ્રભુ! બધાયને જાણે પણ કરે કોઈને નહિ. અરે! પણ એની એને ખબર નથી! ‘પરીક્ષા મુખ’ ગ્રન્થ છે એમાં આવે છે કે-
પણ એક ન પરખ્યો આતમા,...............
અહા! આત્મા શું ચીજ છે એને જાણ્યો નહિ અને એણે જ્ઞાનની પર્યાયમાં પરને જિવાડવાના, પરને મારવાના, તથા શરીર, મન, વાણી, બાયડી, છોકરાં, કુટુંબ, સમાજ વગેરેની ક્રિયા કરવાના નિષ્ફળ અધ્યવસાય કર્યા. અહીં કહે છે-એ રીતે નિષ્ફળ અધ્યવસાનથી વિમોહિત-મૂચ્ર્છિત તે અનંતકાળથી પાગલ થઈ રહ્યો છે. હું પરનું કરું છું- એવી માન્યતા વડે તે પોતાના સ્વસ્વરૂપને-ચૈતન્યરૂપને ભૂલીને પોતાને સર્વરૂપ કરે છે. આ પ્રમાણે તે સર્વ પરભાવોનો કર્તા થાય છે તે મિથ્યાદ્રષ્ટિ છે.
ભાઈ! આ વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરની ઓમ્ધ્વનિમાં જાહેર થયું છે કે-ભગવાન! તું સર્વજ્ઞસ્વભાવી અંદરમાં પરમેશ્વર પરમાત્મા છો. અહાહા...! જગતના અનંત આત્મા બધાય (પ્રત્યેક) અંદરમાં સર્વજ્ઞસ્વભાવી ભગવાનસ્વરૂપ છે. તે સ્વ-પરને સર્વને જાણે એવો એનો સ્વભાવ છે. પણ એને ઠેકાણે હું પરનું કરું-પરને મારું-જિવાડું, પરને દુઃખી- સુખી કરું, પરને બંધાવું-મૂકાવું-ઇત્યાદિ મિથ્યા તું અધ્યવસાન કરે એ તો તું પોતાને સર્વરૂપ (પરરૂપ) કરતો મિથ્યાદ્રષ્ટિ છે. અહા! પોતાને પરનું કર્તાપણું માને તે પોતાને સર્વરૂપ (પરરૂપ) કરતો મિથ્યાદ્રષ્ટિ છે. અહા! પરને પોતારૂપ જાણે તો તેમાં સ્વનો લોપ થઈ ગયો તેથી તે બહિર્દ્રષ્ટિ મિથ્યાદ્રષ્ટિ છે. સમજાણું કાંઈ...! આ તો સર્વજ્ઞનો મારગ બાપા!
જુઓ, અહીં શબ્દ શું છે! કે- ‘तत कञ्चिन अपि न एव अस्ति यत् आत्मानं न करोति’ –અહાહા...! એવું કાંઈ પણ નથી કે જે-રૂપ પોતાને ન કરતો હોય અર્થાત્ એ સર્વરૂપ પોતાને કરે છે. ખરેખર તો એ સર્વરૂપને જાણનાર છે; પણ એને ઠેકાણે આ સર્વ મારું છે ને હું તેને કરું છું એમ જે અધ્યવસાય કરે છે તે પોતાને સર્વરૂપ કરે છે એવો મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. લ્યો, આવી વાત! હજી તો ભાનેય ન હોય કે હું સર્વજ્ઞસ્વભાવી આત્મા છું ને મંડી પડે સામાયિક, પડિક્કમણ ને પોસા વગેરે કરવા ને માને કે મને ધર્મ થઈ ગયો તો કહે છે-એનાથી ધૂળેય ધર્મ નહિ થાય સાંભળને. ભગવાન! તું કેવો છું ને કેવડો છું એ ત્રણલોકના નાથ દેવાધિદેવ અરિહંત પરમાત્માએ ઓમ્ધ્વનિમાં જાહેર કર્યું છે. તેને તું જાણે નહિ તો આ બધી ક્રિયાઓ તો ફોગટ છે, નિષ્ફળ છે અર્થાત્ સંસાર માટે સફળ છે.