સમયસાર ગાથા ૨૬૮-૨૬૯ ] [ ૧૭૩ વિષય (પરજ્ઞેય) છે. એને ઠેકાણે એ બધાં મારાં-એમ કયાંથી લાવ્યો? હું ઘરનો માલિક, હું સ્ત્રીનો માલિક, હું પૈસાનો માલિક એમ માને પણ કોણ માલિક પ્રભુ! તું તો એકલા જ્ઞાનસ્વરૂપનો માલિક છે, પરવસ્તુનો માલિક માને છે એ તારો મિથ્યા ભ્રમ છે, અજ્ઞાન છે.
‘જેવી રીતે આ આત્મા પૂર્વોક્ત પ્રકારે ક્રિયા જેનો ગર્ભ છે એવા હિંસાના અધ્યવસાનથી પોતાને હિંસક કરે છે,.....’
અહાહા....! આત્મા પૂર્વોક્ત પ્રકારે એટલે કે હું બીજાને મારું-જિવાડું, દુઃખી-સુખી કરું, બંધાવું-મૂકાવું ઇત્યાદિ પ્રકારે ક્રિયા જેનો ગર્ભ છે એવા હિંસાના અધ્યવસાનથી પોતાને હિંસક કરે છે. આ પર સાથે એકત્વબુદ્ધિસહિત જે અધ્યવસાન છે તે રાગ-દ્વેષની ક્રિયાથી ભરેલા છે. શું કીધું? કે સ્વ ને પર સદા ભિન્ન વસ્તુ છે. તેથી હું પરનું કરું-પરને મારું-જિવાડું ઇત્યાદિ અભિપ્રાય એ સ્વ-પરની એકત્વબુદ્ધિ છે. અહીં કહે છે-આવી સ્વ- પરની એકત્વબુદ્ધિસહિત જે અધ્યવસાન છે તે રાગ-દ્વેષની ક્રિયાથી ભરેલા છે અને રાગ- દ્વેષરૂપ હિંસાના અધ્યવસાનથી તે પોતાને હિંસક કરે છે.
આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ એકલા જ્ઞાનભાવથી-વીતરાગભાવથી ભરેલો ભગવાન છે; જ્યારે પરને બંધાવું-મૂકાવું ઇત્યાદિ પ્રકારે આ પરની એકત્વબુદ્ધિરૂપ જે અધ્યવસાન છે તે એકલા રાગ-દ્વેષની ક્રિયાથી ભરેલા છે, અહા! અધ્યવસાનના ગર્ભમાં એકલા રાગ-દ્વેષ ભરેલા છે. હવે એક જ્ઞાયકભાવસ્વરૂપ-વીતરાગભાવસ્વરૂપ ભગવાન આત્માની દ્રષ્ટિ કરવાને બદલે હું આને બંધાવી દઉં, મૂકાવી દઉં ઇત્યાદિ પ્રકારે જે આ અધ્યવસાન કરે છે તે એકલા મલિન રાગ-દ્વેષના પરિણામથી ભરેલો હોવાથી પોતાને રાગરૂપ-મલિન-હિંસક કરે છે.
શું કીધું? કે ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ અખંડ એક જ્ઞાયકભાવમાત્ર વસ્તુ છે. તેમાં દ્રષ્ટિ પ્રસરતાં પર્યાયમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ વીતરાગભાવ પ્રસરે છે. પણ એને ઠેકાણે એનાથી વિરુદ્ધ આ, હું પરનું કરું-પરના પ્રાણોને (પાંચ ઇન્દ્રિય, મન-વચન- કાયબળ, શ્વાસોચ્છ્વાસ ને આયુષ્ય) હણું કે એની રક્ષા કરું-ઇત્યાદિ પ્રકારે રાગ-દ્વેષની ક્રિયાથી જે ભરેલાં છે એવાં અધ્યવસાન કરે છે તે અનાદિથી પોતાને રાગ-દ્વેષરૂપ કરે છે, હિંસક કરે છે. અહા! પોતે ત્રિકાળ વીતરાગસ્વભાવે છે, પણ એને ભૂલીને તે પોતાને હિંસક કરે છે! (મહા ખેદની વાત).
તેવી રીતે ક્રિયા જેનો ગર્ભ છે એવા અહિંસાના અધ્યવસાનથી પોતાને અહિંસક કરે છે.