સમયસાર ગાથા ર૬૮-ર૬૯ ] [ ૧૭૭ શાસ્ત્ર ભણ્યો, પણ દિશા બદલી સ્વલક્ષ કર્યું નહિ, પરમાનંદસ્વરૂપ પોતાના ભગવાનને અંદર જાણ્યો નહિ તો શો લાભ? અહા! પરને પોતાનું માનવું, પૂર્ણસ્વરૂપને અપૂર્ણ માનવું ને પોતાને પર્યાય જેવડો માનવો એ મિથ્યાત્વ છે ભાઈ! એના ગર્ભમાં અનંતાં જન્મ- મરણ પડેલાં છે.
હવે કહે છે - ‘ઉદયમાં આવતા તિર્યંચના અધ્યવસાનથી પોતાને તિર્યંચ કરે છે,.....’
આમ કહીને એમ પણ સિદ્ધ કરે છે કે આ ભવસમુદ્રમાં એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના તિર્યંચમાં પ્રભુ! તું અનંત અનંતવાર ગયો છું અને ત્યારે ત્યાં ‘હું તિર્યંચપણે છું’ એમ તેં માન્યું હતું. જુઓને! આ ગાય, ભેંસ વગેરે તિર્યંચો કેવાં શરીરમાં એકાકાર થઈ રહ્યાં છે! અંદર પોતે ચિદાનંદસ્વરૂપ ભગવાન છે એનું કાંઈ ભાન ન મળે ને એકલા શરીરમાં તદ્રૂપ થઈ રહ્યાં છે. અહા! એને (શરીરને) રાખવા માટે ઘાસ ખાય, પાણી પીએ ને કદાચિત્ લીલું ઘાસ મળી જાય તો રાજીરાજી થઈ જાય ને માને કે હું (તિર્યંચપણે) સુખી છું. બહુ ગંભીર વાત! અહીં કહે છે-એ મિથ્યા અધ્યવસાયથી જીવ પોતાને તિર્યંચ કરે છે. તિર્યંચ થઈ જાય એમ નહિ, એ તો જ્ઞાયક જ રહે છે, પણ મિથ્યા અધ્યવસાયથી જીવ પોતાને તિર્યંચ માને છે. લ્યો, આવી વાત છે!
વળી કહે છે- ‘ઉદયમાં આવતા મનુષ્યના અધ્યવસાનથી પોતાને મનુષ્ય કરે છે,.....’
મનુષ્ય થયો તો માને કે હું મનુષ્ય છું. એમાંય વળી હું સ્ત્રી છું, પુરુષ છું, નપુંસક છું, બાળક છું, યુવાન છું, વૃદ્ધ છું, પંડિત છું, મૂર્ખ છું, રોગી છું, નીરોગી છું, રાજા છું, રંક છું, શેઠ છું, નોકર છું, નાનો છું, મોટો છું, કાળો છું, રૂપાળો છું ઈત્યાદિ અધ્યવસાનથી અનેક પ્રકારે પોતાને તે-રૂપે કરે છે.
કોઈ વળી સમાજસેવામાં ને દેશસેવામાં ભળેલા હોય તો માને કે અમે મોટા સમાજસેવક ને દેશસેવક છીએ. અમે દીન-દુઃખિયાંની સેવા કરનારા દરિદ્રનારાયણ લોકસેવક છીએ. ભાઈ! આવું તારું અધ્યવસાન એકલા રાગદ્વેષને મિથ્યાત્વથી ભરેલું છે. ભાઈ! તું એ રાગમય અધ્યવસાનમાં તદ્રૂપ થઈ રહ્યો છે પણ એમાં આત્માની ગંધેય નથી. ભજનમાં આવે છે ને કે-
ત્યાં જાણે એ તો જુદી વાત છે, ‘પણ પરની પીડા હું હરું ને પરનો ઉપકાર કરું’ -એવી પરના એકત્વરૂપ માન્યતા બાપુ! મિથ્યા અધ્યવસાન છે, ને તેના ગર્ભમાં એકલા રાગદ્વેષ ભરેલા છે.