૧૭૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
વળી કોઈ ગર્વથી કહે છે કે-અમે ગર્ભશ્રીમંત છીએ, એમ કે માતાના પેટમાં આવ્યા ત્યારથી શ્રીમંત છીએ, અમે કાંઈ નવા નથી થયા; ત્યારે કોઈ વળી રાંકાઈથી કહે- અમે જન્મથી દીન-દરિદ્રી છીએ. તેને કહીએ છીએ-તું આ શું કહે છે પ્રભુ? શ્રી નામ જ્ઞાનાનંદની લક્ષ્મીથી ભરેલો સહજચતુષ્યરૂપ લક્ષ્મીનો ભગવાન! તું સ્વામી છો. અહાહા...! જેમાંથી અનંત ચતુષ્ટય-અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અનંત વીર્ય નીકળે એવો ભંડાર છો ને તું પ્રભુ! અહા! આ હું શ્રીમંતને ઘરે જન્મ્યો એમ તું શું માને છે? બહારના સંયોગથી તું પોતાને શ્રીમંત ને દરિદ્રી કરે છે તે તારો મિથ્યા અધ્યવસાય છે; એના ગર્ભમાં અનંતા રાગદ્વેષ ભરેલા છે જે અનંત સંસારનું કારણ છે.
હવે કહે છે- ઉદયમાં આવતા દેવના અધ્યવસાનથી પોતાને દેવ કરે છે,... ...’
આ ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકના દેવ હોય છે ને? તે એમ માને કે અમે આવા રિદ્ધિવાળા દેવ છીએ, અસંખ્ય દેવોના સ્વામી છીએ, અમારે આટલી દેવીઓ-અપ્સરાઓ છે. ભાઈ! આ તું ક્યાંથી લાવ્યો? એ અધ્યવસાન મિથ્યાત્વના એકલા મલિન પરિણામથી ભરેલા છે. દેવ કિંકર હોય તો એમ માને કે અમારે હાથી વગેરેનાં રૂપ ધારણ કરવાં પડે. આ ઇન્દ્રો ભગવાનનો જન્મ-કલ્યાણક ઉજવે છે ને? ત્યારે ઐરાવત હાથી ઉપર બેસાડીને ભગવાનને મેરુ પર્વત ઉપર લઈ જાય. ત્યાં હાથી-બાથી કાંઈ હોય નહિ, પણ કિંકર દેવ હોય તે ઐરાવત હાથીનું રૂપ ધારણ કરે અને એના ઉપર દેવીઓ નાચે. પણ ભાઈ! તું ક્યાં દેવ છો? તું ક્યાં હાથી છો? તું ક્યાં દેવી છો? અરે ભાઈ! હું દેવ છું, દેવી છું, હાથી છું ઈત્યાદિ અધ્યવસાયથી, હું ભગવાન જ્ઞાયક છું એમ દ્રવ્યદ્રષ્ટિ છોડી દઈને, પર્યાયમાં સલવાઈ ગયો? એ અધ્યવસાય બાપુ! તને અનંત સંસારનું કારણ છે.
હવે કહે છે-’ ઉદયમાં આવતા સુખ આદિ પુણ્યના અધ્યવસાનથી પોતાને પુણ્યરૂપ કરે છે,... ...’
જુઓ, બહારમાં સામગ્રી ભરપૂર મળી હોય, કરોડો-અબજોની સંપત્તિની સાહ્યબી હોય, બંગલામાં રાચ-રચીલામાં કરોડો રૂપિયા નાખ્યા હોય, મોટા લીલાછમ બગીચા મખમલના ગાલીચા જેવા દેખાતા હોય, ઘરે હાથી, ઘોડા, નોકર-ચાકર વગેરેની ભરમાર હોય, -આવા ઉદયમાં આવતા સુખના સાધનોમાં મારાપણાની એકત્વબુદ્ધિથી અર્થાત્ સુખના અધ્યવસાનથી (અજ્ઞાની) જીવ પોતાને પુણ્યરૂપ કરે છે. અહા! અમને અઢળક સંપત્તિ! કુટુંબ-પરિવાર, નોકર-ચાકર ઈત્યાદિ ચારેકોરથી અમને સગવડતા! અહો! અમે સુખી મહા ભાગ્યશાળી-પુણ્યશાળી છીએ. આ પ્રમાણે સુખ આદિ પુણ્યના અધ્યવસાનથી તે પોતાને પુણ્યરૂપ કરે છે.