સમયસાર ગાથા ર૬૮-ર૬૯ ] [ ૧૭૯
વળી, કોઈ ગરીબ માણસ હોય ને ઘેર દીકરો હોશિયાર હોય તો કન્યા બે-પાંચ કરોડ લઈ ને આવે એટલે માને કે અમારાં પુણ્ય ફળ્યાં ને સામાવાળો કન્યાનો બાપ પણ માને કે અમારું ભાગ્ય કે અમને આવો હોશિયાર જમાઈ મળ્યો ને છોકરી સારી પેઠે ઠેકાણે પડી. આ પ્રમાણે સુખ આદિ પુણ્યના અધ્યવસાનથી અજ્ઞાની પોતાને પુણ્યરૂપ કરે છે; એટલે કે અમે પુણ્યશાળી-એમ પોતાને માને છે. પણ ભાઈ! એ પુણ્ય આદિ સાધનો તારાં ક્યાં છે? નાહકનું અમે પુણ્યશાળી એમ સુખના અધ્યવસાનથી તું પોતાના માટે અનર્થ-નુકશાન કરે છે; કેમકે તે અધ્યવસાન રાગ-દ્વેષ ને મિથ્યાત્વથી ભરેલાં છે, અનંત સંસારનું બીજ છે. અહા! આવો વીતરાગનો મારગ! પણ જગતને ક્યાં પડી છે? (એ તો પુણ્યની ધૂનમાં છે).
’ અને ઉદયમાં આવતા દુઃખ આદિ પાપના અધ્યવસાનથી પોતાને પાપરૂપ કરે છે.......’
જુઓ, પ્રતિકૂળ સામગ્રી બહારમાં આવી પડે, શરીરમાં ક્ષય આદિ રોગ થાય, ઘરમાં બાયડી મરી જાય, કમાઉ દીકરો હોય તે મરી જાય, છોકરી રાંડે, ઘરમાં કોઈ આજ્ઞા માને નહિ, સગાં-વહાલાં વિપરીત ચાલે, વેપાર-ધંધામાં અવળું પડે ને નુકશાન જાય, ધંધો ભાંગી પડે ઈત્યાદિ બધી પ્રતિકૂળતા આને ઘેરો ઘાલે ત્યારે આ મુંઝાઈ જાય અને રાડો પાડે કે-અરે! અમે મરી ગયા, અમને ભારે પાપનો ઉદય છે, અમે નિરાધાર થઈ ગયા. આ પ્રમાણે દુઃખ આદિ પાપના અધ્યવસાનથી તે પોતાને પાપરૂપ કરે છે. અરે ભાઈ! એ સામગ્રીમાં તું ક્યાં છે? અને તારામાં એ સામગ્રી ક્યાં છે કે એના વિના તું નિરાધાર થઈ જાય? બાપુ! તું પરના આધાર વિનાનો સ્વરૂપથી જ સદા એક સ્વાધીન છો. છે તો આમ, તોપણ અજ્ઞાની ઉદયમાં આવતા દુઃખ આદિ પાપના અધ્યવસાનથી પોતાને પાપરૂપ કરે છે.
‘વળી તેવી જ રીતે જાણવામાં આવતો જે ધર્મ (અર્થાત્ ધર્માસ્તિકાય) તેના અધ્યવસાનથી પોતાને ધર્મરૂપ કરે છે,......’
જુઓ, આ જૈનદર્શનની વાત. બીજે (અન્યમતમાં) તો ધર્માસ્તિકાય આદિ કાંઈ છે નહિ, પણ જૈનમાં ધર્માસ્તિકાય નામનું એક લોકવ્યાપી અરૂપી દ્રવ્ય છે એમ સ્વીકારાયું છે. અહા! જીવ-પુદ્ગલોને સ્વયં ગતિ કરવામાં જે ઉદાસીન નિમિત્ત છે એવું ધર્માસ્તિકાય નામનું એક અરૂપી દ્રવ્ય છે એમ સર્વજ્ઞ ભગવાને જોયું છે, હવે એનો વિચાર કરતાં અજ્ઞાનીને એ તરફનો જે વિકલ્પ ઉઠે છે એ વિકલ્પને પોતાનો માનીને ધર્માસ્તિકાય પોતાનું છે એમ માને છે. શું કીધું? કે જૈનમાં (જૈન સંપ્રદાયમાં) હોય અને ધર્માસ્તિકાયનો વિચાર આવતાં એમાં એકત્વ કરીને તે ધર્માસ્તિકાયરૂપ પોતાને કરે છે અર્થાત્ ધર્માસ્તિકાય મારું છે એમ તે માને છે. અહા! અજ્ઞાનીને ધર્માસ્તિકાયને