Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2660 of 4199

 

૧૮૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ જાણવા પ્રતિ જે વિકલ્પ ઉઠે છે તેમાં તેને એકત્વબુદ્ધિ થઈ જાય છે ને તે એકત્વબુદ્ધિના અધ્યવસાનથી પોતાને ધર્માસ્તિકાયરૂપ કરે છે. પોતે અખંડ એક જ્ઞાયકભાવરૂપ છે એનું ભાન નહિ હોવાથી મિથ્યાદ્રષ્ટિ જીવ જાણવામાં આવતા ધર્માસ્તિકાયના અધ્યવસાનથી પોતાને ધર્માસ્તિકાયરૂપ કરે છે. આવી વાત છે!

વળી, ‘જાણવામાં આવતા અધર્મના (અર્થાત્ અધર્માસ્તિકાયના) અધ્યવસાનથી પોતાને અધર્મરૂપ કરે છે... ...’

ચૌદ બ્રહ્માંડમાં ગતિપૂર્વક સ્વયં સ્થિર થતા જીવ-પુદ્ગલોને સ્થિતિ કરવામાં ઉદાસીન નિમિત્ત છે એવું બીજું અરૂપી તત્ત્વ-પદાર્થ અધર્માસ્તિકાય છે. તે ચૌદરાજુ લોકવ્યાપી છે. એ અધર્માસ્તિકાયનો વિચાર કરતાં જૈનનો શ્રાવક કે સાધુ (સંપ્રદાયના હોં) એના અધ્યવસાનથી પોતાને અધર્માસ્તિકાયરૂપ કરે છે. અહા! પોતે સ્વ-પરપ્રકાશી સહજ એક જ્ઞાયકભાવરૂપ છે એને ભૂલી ગયો અને અધર્માસ્તિકાયને જાણવા પ્રતિ જે વિકલ્પ ઉઠયો તે વિકલ્પમાં જ એ ગૂંચાઈ ગયો, એ વિકલ્પમાં જ એકત્વ કરીને માનવા લાગ્યો કે મને અધર્માસ્તિકાયનું જ્ઞાન છે. (પોતે જ્ઞાન છે એમ નહિ). લ્યો, આવા અધર્મના અધ્યવસાનથી તે પોતાને અધર્મરૂપ કરે છે. સમજાણું કાંઈ....? બહુ ઝીણી વાત ભાઈ! (મતલબ કે ઉપયોગને ઝીણો કરે તો સમજાય એવી વાત છે).

હવે કહે છે- ‘જાણવામાં આવતા અન્ય જીવના અધ્યવસાનથી પોતાને અન્યજીવરૂપ કરે છે,......’

જુઓ, આ બાયડી-છોકરાં, દીકરા-દીકરીઓ, ભાઈ-ભાંડુ, સગાં-સ્નેહીઓ ને નોકર-ચાકરો વગેરે સર્વ અન્ય જીવ છે. તે બધાં પર છે, સ્વ નથી. છતાં તે બધાં મારાં છે ને મને ઉપકારી છે એમ અધ્યવસાય કરે તે મિથ્યા છે. અજ્ઞાની આવા મિથ્યા અધ્યવસાય વડે પોતાને સર્વ અન્યજીવરૂપ કરે છે-એમ કહે છે. આ સ્ત્રીને-આ મારી અર્ધાંગના છે-એમ નથી કહેતા? ધૂળેય અર્ધાંગના નથી સાંભળને. આ અંગ શરીર તારી ચીજ નથી તો અર્ધાંગના તારી ક્યાંથી થઈ? દુનિયા એમ ને એમ (જૂઠે-જૂઠ) ચલાવે રાખે છે, પણ ભાઈ! એમ ને એમ તું ચારગતિમાં રખડી રખડીને મરી ગયો છે, કેમકે એ મિથ્યા અધ્યવસાન રાગ-દ્વેષ-મોહથી ભરેલું છે.

આ દેવ-ગુરુનો આત્મા છે તે પણ અન્ય જીવ છે, પર છે, સ્વ નથી. તેને જાણવામાં આવતાં તે મને હિતકારી છે, મારા તારણહાર છે એમ એકત્વબુદ્ધિનો જે અધ્યવસાય થાય છે તે મિથ્યાદર્શન છે. બહુ આકરી વાત બાપા! અહીં તો નિજ જ્ઞાયકભાવને ભૂલીને અન્યજીવમાં-પરજીવમાં પોતાપણાનો વિકલ્પ કરે તો તે વિકલ્પ વડે જીવ પોતાને અન્યજીવરૂપ કરે છે એમ કહેવું છે, અર્થાત્ તે મિથ્યાદ્રષ્ટિ છે એમ કહે છે. સમજાણું કાંઈ...?