સમયસાર ગાથા ર૬૮-ર૬૯ ] [ ૧૮૧
ભગવાન! તેં આ શું માંડયું છે? પોતાના એક જ્ઞાયકભાવને ભૂલી ગયો ને બાયડી-છોકરાં મારાં ને દેવ-ગુરુ મારા ને મને હિતકારી એમ માનવા લાગ્યો? ભાઈ! તું આ ઊંધે રસ્તે ક્યાં દોરાઈ ગયો? ભાઈ! તારું હિત તારાથી થાય કે પરથી? પરથી થાય એમ તું માને તે તારો મિથ્યા અધ્યવસાય છે ને તેના ગર્ભમાં અનંત સંસાર છે. સમજાણું કાંઈ...?
‘જાણવામાં આવતા પુદ્ગલના અધ્યવસાનથી પોતાને પુદ્ગલરૂપ કરે છે’
અહા! પોતે જાણનાર સ્વરૂપે છે તેને જાણ્યા વિના, આ શરીર, મન, વાણી, ઈન્દ્રિય ધન સંપત્તિ, બાગ-બંગલા, હીરા-માણેક-મોતી ઈત્યાદિ અનેક પ્રકારના પુદ્ગલોને જાણતાં તેઓ મારા છે, મને લાભદાયી છે એમ અધ્યવસાનથી જીવ પોતાને પુદ્ગલરૂપ કરે છે. પુદ્ગલરૂપ થાય છે એમ નહિ, પણ પોતાને તે-રૂપ માને છે. હું જ્ઞાયકસ્વરૂપ છું એમ માનવાને બદલે હું શરીરરૂપ છું એમ પોતાને અજ્ઞાની માને છે.
જુઓ, એક ઝવેરીને ત્યાં એક ઠગ આવ્યો પંદર-વીસ હજાર લઈને આવ્યો ને કહે કે માલ લેવો છે. માલ જોતાં જોતાં એક પચાસ હજારનો હીરો હતો તે ઝવેરીની નજર ચૂકવીને દુકાનની પાટ હતી તેની પાછળ સંતાડી દીધો; એમ કે ફરીથી આવીને તે લઈ જઈશ. પછી ફરીથી આવીને વીસ હજારનો માલ લઈને પૈસા ગણી આપ્યા અને ધીમેથી- ચૂપકીથી પેલો પચાસ હજારનો હીરો પાટ પાછળથી કાઢીને લઈ ગયો. આવી ચાલાકીઓ કરે ને મા-બાપને ખબર પડે તોય પાછા ખુશ થાય; એમ કે દીકરો કમાઈ લાવ્યો છે. આમ પુદ્ગલને પોતાના માનીને અજ્ઞાની પોતાને પુદ્ગલ રૂપ કરે છે. અહા! આ અધ્યવસાનના ગર્ભમાં અનંતા રાગદ્વેષ ભર્યા છે ભાઈ!
‘જાણવામાં આવતા લોકાકાશના અધ્યવસાનથી પોતાને અલોકાકાશરૂપ કરે છે.’
શું કહે છે? કે અજ્ઞાની, લોકના આકારનો વિચાર કરતો જે વિકલ્પ ઊઠે તેમાં એકત્વબુદ્ધિ કરે છે. આ પ્રમાણે લોકાકાશના અધ્યવસાનથી તે પોતાને લોકરૂપ કરે છે ને અલોકાકાશના અધ્યવસાનથી પોતાને અલોકરૂપ કરે છે. આ પ્રમાણે આત્મા મિથ્યા અધ્યવસાનથી પોતાને સર્વરૂપ કરે છે.
અહા! અનંતકાળથી એણે ઊંધી ગુલાંટ ખાધી છે. પોતે છે તો સ્વરૂપથી સકલ જ્ઞેય-જ્ઞાયક, તથાપિ પોતાના સ્વરૂપને જાણ્યા વિના, તે જે જે અન્યને જાણે છે તે સર્વરૂપ પોતાને માને છે, અર્થાત્ તે સર્વ મારાં છે એમ માને છે. અરે! આવી મિથ્યા માન્યતા વડે તે અનંતકાળથી સંસારમાં રખડે છે, કેમકે તે મિથ્યા માન્યતા બંધનું જ કારણ છે.