૧૮૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
‘આ અધ્યવસાન અજ્ઞાનરૂપ છે તેથી તેને પોતાનું પરમાર્થસ્વરૂપ ન જાણવું.’ શું કીધું? કે આ હું પર જીવને મારું-જિવાડું, બંધાવું-મૂકાવું ઈત્યાદિ જે પરમાં એકત્વબુદ્ધિનો અધ્યવસાય છે તે અજ્ઞાનરૂપ છે. અહા! જગતના અન્ય પદાર્થની વ્યવસ્થા હું કરી શકું એવી માન્યતા અજ્ઞાનરૂપ છે. તેવી રીતે પર મને મારે-જિવાડે ઈત્યાદિ જે અધ્યવસાય છે તે પણ અજ્ઞાનરૂપ છે. કેમકે પરદ્રવ્યમાં પરદ્રવ્યનો પ્રવેશ જ નથી, પરદ્રવ્યનું પરદ્રવ્ય કાંઈ કરી શકતું જ નથી આ મૂળ વાત છે.
તેથી, કહે છે, તે અધ્યવસાનને પોતાનું પરમાર્થસ્વરૂપ એટલે કે વાસ્તવિકસ્વરૂપ ન જાણવું. અહાહા...! હું તો જ્ઞાનસ્વરૂપ છું, ને પર વસ્તુ જ્ઞેય છે એ તો વાસ્તવિક વસ્તુસ્વરૂપ છે. પણ હું પરનું કરું કે પરથી મારામાં થાય એ કાંઈ પરમાર્થસ્વરૂપ નથી, વસ્તુનું યથાર્થ સ્વરૂપ નથી. તો શું છે? એ તો મિથ્યા અધ્યવસાન છે. હવે કહે છે. -
‘તે અધ્યવસાનથી જ આત્મા પોતાને અનેક અવસ્થારૂપ કરે છે અર્થાત્ તેમનામાં પોતાપણું માની પ્રવર્તે છે.’
પરદ્રવ્યની ક્રિયા તો સતત એનાથી-તે દ્રવ્યથી થઈ જ રહી છે; ત્યાં આ હું કરું છું એવા અધ્યવસાનથી આત્મા પોતાને અનેક અવસ્થારૂપ કરે છે અર્થાત્ પોતાને પરરૂપ માનીને પ્રવર્તે છે. તેનું ફળ ચતુર્ગતિરૂપ સંસાર છે.
હવે આ અર્થના કળશરૂપે તથા આગળના કથનની સૂચનિકારૂપે કાવ્ય કહે છેઃ-
‘विश्वात् विभक्तः अपि हि’ વિશ્વથી (સમસ્ત દ્રવ્યોથી) ભિન્ન હોવા છતાં ‘आत्मा’ આત્મા ‘यत्–प्रभावात् आत्मानम् विश्वम् विदधाति’ જેના પ્રભાવથી પોતાને વિશ્વરૂપ કરે છે ‘एषः अध्यवसायः’ એવો આ અધ્યવસાય-
શું કહે છે? કે આત્મા, જ્ઞપ્તિમાત્ર જેની એક સ્વાભાવિક ક્રિયા છે એવો જ્ઞાનાનંદકંદ પ્રભુ આખા વિશ્વથી ભિન્ન છે. અહાહા...! ભગવાન સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ આત્મા આ શરીર, મન, વાણી, ઈન્દ્રિય, કુટુંબ-પરિવાર ઈત્યાદિ જગતના સર્વ અન્યદ્રવ્યો અને એના ગુણ-પર્યાયોથી ભિન્ન છે. આ દયા, દાન આદિ ભાવ છે એ પણ વિશ્વમાં જાય છે હોં. ભગવાન આત્મા દયા, દાન આદિ ભાવથી ભિન્ન છે. લ્યો, આવી વાત છે!
જગતના અનંતા આત્મા ને અનંતાનંત પરમાણુઓથી પોતે વિભક્ત એટલે જુદો હોવા છતાં કોઈ ને બાકી રાખ્યા વિના એ મારાં છે ને હું એની ક્રિયા કરું એવા અધ્યવસાનથી જીવ પોતાને વિશ્વરૂપ-અનેકરૂપ કરે છે. છે તો પોતે સદા અખંડ એક જ્ઞાયકરૂપ, પણ મિથ્યા અધ્યવસાનથી પોતાને વિશ્વરૂપ કરે છે. અહા! પરને હું