૧૮૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
અહીં કહે છે-સત્ અહેતુક જ્ઞપ્તિ જ એક જેની ક્રિયા છે તેવા આત્માનો અને રાગદ્વેષના ઉદયમય હનન આદિ (મારવું-જિવાડવું, સુખી-દુઃખી કરવું વગેરે) ક્રિયાઓનો ભેદ નહિ જાણવાને લીધે એને ભિન્ન આત્માનું અજ્ઞાન છે. શું કીધું? ભગવાન આત્મા જ્ઞપ્તિ જ જેની એક ક્રિયા છે એવો પ્રભુ જ્ઞાયક છે; પણ તેને નહિ જાણતાં જે રાગદ્વેષના ઉદયમય હનનાદિ ક્રિયાઓ થાય તે મારી પોતાની છે એમ માની પરમાં એકપણારૂપ જે અધ્યવસાન કરે છે તેને શુદ્ધ જ્ઞાયક પ્રભુ આત્માનું અજ્ઞાન છે. તેથી તે અધ્યવસાન ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી, પ્રથમ તો અજ્ઞાન છે; ભિન્ન આત્માનું અદર્શન હોવાથી તે અધ્યવસાન મિથ્યાદર્શન છે અને ભિન્ન આત્માનું અનાચરણ હોવાથી તે અચારિત્ર છે. લ્યો, આવી વાત છે!
ભગવાનની સ્તુતિમાં આવે છે ને કે-
ને હૈયું આ ફરી ફરી પ્રભુ! ધ્યાન તારું ધરે છે;
આત્મા મારો પ્રભુ! તુજ કને આવવા ઉલ્લસે છે,
આપો એવું બળ હૃદયમાં માહરી આશ એ છે.
જુઓ, આ સમકિતી સ્તુતિ કરે છે. કહે છે-હે પ્રભો! હું આપની પાસે આવવા માગું છું, અર્થાત્ અહીં અલ્પજ્ઞદશામાં હું રહેવા માગતો નથી. અહાહા...! રાગમાં કે પરમાં તો હું ન રહું, પણ આ અધુરી અલ્પજ્ઞદશામાં, જો કે તે પોતાની-જ્ઞપ્તિ જ્ઞાનક્રિયા છે તોપણ તેમાં, કેમ રહું? ભગવાન! હું તો કેવળજ્ઞાનની પરિપૂર્ણ દશામાં જ રહેવા માગું છું. જુઓ, આ સમકિતીને કંઈક અધૂરી દશા છે ને તેમાં કાંઈક રાગ છે તે તેને પોસાતો નથી; તે તો પૂરણ દશાને જ ઝંખે છે. આવી વાત છે.
અહાહા...! ભગવાન તું કોણ છો? તો કહે છે જ્ઞપ્તિ જ એક જેની ક્રિયા છે તેવો પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પ્રભુ તુ આત્મા છો. તેમાં વર્તમાન રાગરહિત જે જ્ઞાનની ક્રિયા, ધર્મની- મોક્ષમાર્ગની ક્રિયા થાય તેને, કોઈ બીજો હેતુ નથી. આ વ્યવહારરત્નત્રય કારણ ને નિશ્ચયરત્નત્રય કાર્ય એમ છે નહિ.
પણ શાસ્ત્રમાં વ્યવહારને નિશ્ચયનું સાધન કહ્યું છે ને? હા; પણ બાપુ! એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે વાત છે. ભાઈ! ભગવાનની વાતુ ભગવાનની શૈલીથી (સ્યાદ્વાદ શૈલીથી) યથાર્થ સમજવી જોઈએ. કોઈ એકાંતે એમ માને કે આ વ્રત પાળીયે ને તપસ્યાઓ કરીએ એટલે ધર્મ થઈ જશે વા ધર્મનું કારણ થશે તો એની એ માન્યતા વસ્તુસ્વરૂપથી વિરુદ્ધ હોવાથી તદ્દન જૂઠી-મિથ્યા છે. ભાઈ! આ પંચમ આરાના મુનિવરો-દિગંબર સંતો કે જેઓ ભગવાન પાસે જવા ઝંખી રહ્યા છે (- કેવળજ્ઞાનને બોલાવી રહ્યા છે) તેઓ પોકાર કરી કહે છે કે-