સમયસાર ગાથા-ર૭૦ ] [ ૧૮૭
આ અધ્યવસાય જેમને નથી તે મુનિઓ કર્મથી લેપાતા નથી-એમ હવે ગાથામાં કહે છેઃ-
‘આ જે ત્રણ પ્રકારનાં અધ્યવસાનો છે તે બધાંય પોતે અજ્ઞાનાદિરૂપ (અર્થાત્ અજ્ઞાન, મિથ્યાદર્શન અને અચારિત્રરૂપ) હોવાથી શુભાશુભ કર્મબંધનાં નિમિત્ત છે.’
શું કહે છે? કે આ જે કાંઈ પરને મારું-જિવાડું ઈત્યાદિથી માંડીને હું દેવ, હું નારકી ઈત્યાદિ ને આ બીજા જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશાદિ મારાં-એમ પરને પોતાના માનવારૂપ અધ્યવસાનો છે તે બધાંય અજ્ઞાનાદિરૂપ હોવાથી શુભાશુભ કર્મબંધનાં નિમિત્ત છે. પરને જિવાડવાનો કે સુખી કરવાનો ભાવ શુભ છે અને મારવાનો કે દુઃખી કરવાનો ભાવ અશુભ છે. પણ એ બન્નેય એક સરખી રીતે બંધનાં જ કારણ છે. અહા! પોતે બધાયનો જાણવારૂપ છે એને બદલે બધાંય મારાં છે એમ માને તે માન્યતા બંધનું કારણ છે. આવી વાત છે. હવે કહે છેઃ-
તે વિશેષ સમજાવવામાં આવે છેઃ- ‘હું પર જીવોને હણું છું-ઈત્યાદિ જે આ અધ્યવસાન છે તે અધ્યવસાનવાળા જીવને, જ્ઞાનમયપણાને લીધે સત્રૂપ, અહેતુક જ્ઞપ્તિ જ જેની એક ક્રિયા છે એવા આત્માનો અને રાગદ્વેષના ઉદયમય એવી હનન આદિ ક્રિયાઓનો વિશેષ નહિ જાણવાને લીધે ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી, તે અધ્યવસાન પ્રથમ તો અજ્ઞાન છે, ભિન્ન આત્માનું અદર્શન (અશ્રદ્ધાન) હોવાથી (તે અધ્યવસાન) મિથ્યાદર્શન છે અને ભિન્ન આત્માનું અનાચરણ હોવાથી (તે અધ્યવસાન) અચારિત્ર છે.
જુઓ, ભગવાન આત્મા નિર્મળાનંદનો નાથ પ્રભુ સદા એક જ્ઞાનમય; જ્ઞાનવાળો એમેય નહિ, પણ એક જ્ઞાનમય અર્થાત્ જ્ઞાનરૂપ જ છે. એમાં પરનું કરવાપણું ક્યાં છે? નથી. અહીં કહે છે-જ્ઞાનમયપણાને લીધે સત્ અહેતુક જ્ઞપ્તિ જ એક એની ક્રિયા છે. શું કીધું? ભગવાન આત્માને જ્ઞપ્તિ જ એક ક્રિયા છે અને તે સત્ ને અહેતુક છે. ગજબ વાત છે ભાઈ! આ વર્તમાન જાણવારૂપ જે જ્ઞપ્તિક્રિયા છે તે ક્રિયા પોતે પોતાથી સત્ છે ને તેનું કોઈ બીજું કારણ નથી. અહાહા...! આ નિર્મળ નિરુપચાર રત્નત્રયની-સમ્યગ્દર્શન-જ્ઞાન- ચારિત્રની જે ક્રિયા પ્રગટ થઈ તે સ્વયં સત્ છે, અને તેનું બીજું કોઈ કારણ નથી; આ વ્યવહારરત્નત્રયના પરિણામ છે એનાથી એ પ્રગટ થઈ છે એમ નથી. વ્યવહારથી નિશ્ચય થાય એમ કોઈ લોકો કહે છે ને? એ અહીં આ ના પાડે છે, કહે છે કે-એ નિર્મળ રત્નત્રયની ક્રિયા અહેતુક છે, અર્થાત્ વ્યવહારરત્નત્રય એનો વાસ્તવિક હેતુ નથી. સમજાણું કાંઈ...?