સમયસાર ગાથા-ર૭૦ ] [ ૧૯૧ સ્વરૂપ છે તેવું જાણવું, માનવું ને આચરવું તેનું નામ અહિંસા નામ સ્વદયા છે અને એથી વિપરીત જાણવું, માનવું ને આચરવું એનું નામ હિંસા અર્થાત્ પોતાની અદયા છે. હવે આવો મારગ ઝીણો લાગે, કઠણ લાગે, એટલે આ તો નિશ્ચય છે. નિશ્ચય છે એમ કહીને ટાળે અને વિરોધ કરે પણ ભાઈ! એ તને ખૂબ નુકશાનકર્તા છે. ભગવાન! આ જાણવા- દેખવાની, શ્રદ્ધાનની ને નિરાકુળ આનંદ ને શાંતિની પર્યાય થાય તે તારી કર્તવ્યરૂપ ક્રિયા છે. એને બદલે રાગની ક્રિયાથી લાભ માને, રાગની ક્રિયાને કર્તવ્ય માને એ તો બાપુ! રાગ સાથેના એકપણાનું અજ્ઞાન છે, મિથ્યાદર્શન છે અને આત્માનું અનાચરણ છે.
અહા! પર જીવોને (છકાયના જીવોને) જિવાડવાની ક્રિયા વગેરેથી પોતાને મોક્ષમાર્ગ માનવો એ તો રાગ સાથે એકત્વની ક્રિયારૂપ અધ્યવસાન છે અને તે આત્માનું અનાચરણ છે. તેને આત્માનું આચરણ માનવું તે મોહ નામ મિથ્યાદર્શન છે. અહો! આચાર્ય ભગવંતોએ કાંઈ ગજબ કામ કર્યાં છે! રાગભાવને આત્માનો હણનાર જાહેર કરીને તેમણે વીતરાગ મારગને ખુલ્લો મૂકી દીધો છે. અહીં કહે છે-આત્માનું અનાચરણ હોવાથી રાગ સાથે એકત્વનું અધ્યવસાન અચારિત્ર છે. સમજાણું કાંઈ...?
અહીં પહેલાં જ્ઞપ્તિક્રિયા-જ્ઞાનની ક્રિયા એમ પર્યાયથી વાત લીધી છે. પછી જ્ઞાયક- દ્રવ્ય ને જ્ઞાનગુણની વાત લેશે. એમ દ્રવ્ય, ગુણ, પર્યાયથી-ત્રણેથી વાતમાં લેશે. સંપ્રદાયમાં તો પચીસ-પચીસ વર્ષથી મુંડાવ્યું હોય તોય દ્રવ્ય-ગુણ-પર્યાય કોને કહેવાય એની ખબર ન મળે. માત્ર સામાયિક, પડિકમણ આદિ બહારની ક્રિયા કરીને અમે ધર્મી છીએ માનતા. કોઈ તો વળી એમ કહેતો હતો કે ઉત્પાદ-વ્યય તો વેદાન્તમાં હોય, જૈનમાં નહિ. આવું ને આવું! અરે ભાઈ! જૈન સિવાય બીજે ક્યાંય ઉત્પાદ-વ્યયની વાત નથી. વસ્તુ દ્રવ્ય ત્રિકાળી ધ્રુવ છે, ને એમાં પર્યાયનું ઉત્પાદ-વ્યયરૂપ પરિણમન થાય છે; ત્યાં પૂર્વની પર્યાયનો વ્યય, ઉત્તર નવી પર્યાયનો ઉત્પાદ એ દ્રવ્યનું ત્રિકાળી ટકી રહેવું-એમ ઉત્પાદ- વ્યય-ધ્રૌવ્ય ત્રણે થઈને સત્ નામ દ્રવ્ય છે. ભાઈ! આ વાત જૈન પરમેશ્વરના માર્ગ સિવાય બીજે ક્યાંય નથી.
જ્ઞાનમયપણાને લીધે સત્રૂપ અહેતુક જ્ઞાયક જ જેનો એક ભાવ છે એવા આત્માનો અને કર્મોદયજનિત નારક આદિ ભાવોનો વિશેષ નહિ જાણવાને લીધે ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી, તે અધ્યવસાન પ્રથમ તો અજ્ઞાન છે, ભિન્ન આત્માનું અદર્શન હોવાથી (તે અધ્યવસાન) મિથ્યાદર્શન છે અને ભિન્ન આત્માનું અનાચરણ હોવાથી (તે અધ્યવસાન) અચારિત્ર છે.’