Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2674 of 4199

 

૧૯૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ સ્વાશ્રયમાં સ્વનો અર્થ એકલું શુદ્ધ દ્રવ્ય લેવું, પણ દ્રવ્ય-ગુણ-પર્યાય એમ ત્રણ નહિ. ‘સ્વ’ એટલે અનંતગુણમય અભેદ એક ત્રિકાળી આત્મદ્રવ્ય; એનો આશ્રય કરવો તે ‘સ્વાશ્રિતો નિશ્ચયઃ’ છે. અહાહા...! એક સ્વના આશ્રયે જ ધર્મ પ્રગટ થાય છે. અને રાગ, નિમિત્ત ને ભેદનો આશ્રય કરવો તે ‘પરાશ્રિતો વ્યવહારઃ’ છે. સદ્ભૂત વ્યવહાર પણ વ્યવહાર છે. ગુણ, પર્યાય સદ્ભૂત હોવા છતાં તેને વ્યવહાર ગણીને તેના આલંબનનો નિષેધ કર્યો છે. ભાઈ! જેને ધર્મ કરવો છે તેને એક સ્વનો આશ્રય લીધા વિના બીજો કોઈ આરો નથી; સ્વાશ્રય વિના ત્રણકાળમાં ક્યાંય ધર્મ થાય એમ નથી. સમજાણું કાંઈ...?

અહીં કહે છે-જ્ઞાન જ જેનું એક રૂપ છે એવો આત્મા અને આ જ્ઞેયપણે છે જે ધર્માદિ પરદ્રવ્યો તે અત્યંત ભિન્ન છે. શું કીધું? કે આ પરજ્ઞેયપણે જણાતા-અનંતા પરજીવ, અનંતા નિગોદના જીવ, અનંતા સિદ્ધો, દેવ-ગુરુનો આત્મા ઈત્યાદિ અને શાસ્ત્ર આદિ અનંતા રજકણો, ધર્મ, અધર્મ આદિ દ્રવ્યો, અને જ્ઞાન જ જેનું એક રૂપ છે એવું નિજ જ્ઞાનસ્વરૂપ તદ્દન ભિન્ન છે. અહા! ભગવાન જ્ઞાયકનો જ્ઞાનગુણ સ્વજ્ઞેય છે અને વિશ્વનાં અનંતાં બીજાં દ્રવ્યો પરજ્ઞેયસ્વરૂપ એનાથી ભિન્ન છે. અહા! આવી સ્વજ્ઞેય- પરજ્ઞેયની ભિન્નતા નહિ જાણવાને લીધે અજ્ઞાની જે અધ્યવસાય કરે છે કે હું ધર્માદિને જાણું છું તે અધ્યવસાય પ્રથમ તો ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી અજ્ઞાન છે, ભિન્ન આત્માનું અદર્શન હોવાથી મિથ્યાદર્શન છે, ને ભિન્ન આત્માનું અનાચરણ હોવાથી અચારિત્ર છે. આવું ઝીણું બહુ પડે એટલે રાડો પાડે કે આ તો એકલી નિશ્ચયની વાત છે, પણ ભાઈ! નિશ્ચયએ જ સત્ય છે. સમજાણું કાંઈ...?

કોઈ લોકો રાડો પાડે છે કે આ તો એકાંત છે, એકાંત છે પણ ભાઈ! અહીં એમ કહેવું છે કે સમ્યક્ એકાંત એવા નિજ જ્ઞાનસ્વરૂપમાં જ ઠર ને. ભાઈ! તારે દુઃખથી મુક્ત થઈને સુખી થવું હોય તો એ વ્યવહારના આશ્રયની દ્રષ્ટિ છોડીને એક શુદ્ધ નિશ્ચયમાં દ્રષ્ટિ જોડી દે. અહા! અંદર નિર્મળાનંદનો નાથ જ્ઞાનાનંદનો દરિયો સદાય ભગવાન જ્ઞાનસ્વરૂપે રહેલો છે તેને ભાળ્‌યા વિના આ બધા મોટા મોટા રાજાઓ, રાજકુંવરો, શેઠિયાઓ અને દેવતાઓ દુઃખી છે ભાઈ! અંદર જે રીતે ભગવાન જ્ઞાયક (દ્રવ્ય), જ્ઞાનગુણ ને જ્ઞપ્તિક્રિયાવાળો ભગવાન આત્મા છે તેને તે રીતે માન્યા વિના સર્વ સંસારી જીવો દુઃખી છે. માટે ભગવાન! તારી દ્રષ્ટિને ભગવાન જ્ઞાયકમાં જોડી દે.

અહાહા...! ભગવાન જ્ઞાયકભાવ દ્રવ્ય, જ્ઞાનગુણ અને અનંતગુણની નિર્મળ પર્યાય જ્ઞપ્તિક્રિયા-એ પોતાનું સ્વ ને પોતે એનો સ્વામી છે. આ જ્ઞાનની પ્રધાનતાથી સ્વજ્ઞેયની વાત છે. દ્રષ્ટિની પ્રધાનતામાં તો જે એકનો આશ્રય કરવા યોગ્ય છે, તથા જે એકમાત્ર ધ્યેય છે એવો ત્રિકાળી ધ્રુવ અભેદ એક શુદ્ધ નિશ્ચયસ્વરૂપ ભગવાન જ્ઞાયક જ મુખ્ય છે. અહા! જેમાં ગુણભેદ કે પર્યાયનો પ્રવેશ નથી એવો ભગવાન જ્ઞાયક જ આનું