ર૦૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
શાસ્ત્રમાં વ્રતાદિ બાહ્ય આચરણનું વિધાન છે એ તો વ્યવહારનય દર્શાવ્યો છે. ધર્મીને નિર્મળ રત્નત્રયરૂપ ધર્મની વીતરાગી પરિણતિ સાથે બહારમાં કેવો વ્યવહાર- શુભાચરણ હોય છે તેનું જ્ઞાન કરાવવાનું ત્યાં પ્રયોજન છે. એ તો બારમી ગાથામાં આવ્યું કે ધર્મીને પર્યાયમાં જે કિંચિત્ રાગ છે તે તે કાળે જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો નહિ. અહા! ધર્મી પુરુષ સર્વરાગને-રાગમાત્રને હેય જ માને છે; કરવા યોગ્ય નહિ, આવી વાત છે.
જુઓ, स्वाश्रितो निश्चयः, पराश्रितो व्यवहार; જેટલો સ્વનો આશ્રય છે તે નિશ્ચય અને જેટલો પરનો આશ્રય છે તે વ્યવહાર. આ દયા પાળવી, વ્રત પાળવાં, દાન કરવું, ભક્તિ-પૂજા કરવાં ઈત્યાદિ સર્વ ભાવમાં પરનો આશ્રય છે તેથી તે વ્યવહાર છે. આચાર્ય કહે છે-પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળોય ભગવાને છોડાવ્યો છે. (મતલબ કે એક સ્વાશ્રય જ પ્રશંસાયોગ્ય છે). ભાઈ! આ તો જૈનદર્શનની સાર-સાર વાત છે. બહુ સરસ કળશ આવ્યો છે. આમાં નિશ્ચય-વ્યવહારના બે ફડચા કરી નાખ્યા છે; એમ કે પરાશ્રિત વ્યવહારને હેય જાણી ત્યાંથી હઠી એક સ્વના આશ્રયે જ પરિણમન કરવું યોગ્ય છે, ઈષ્ટ છે.
ત્યારે કોઈ વળી કહે છે-અહીં પરમાં એકત્વબુદ્ધિના અધ્યવસાનને બંધનું કારણ કહ્યું છે, તેથી કાંઈ દયાના ને વ્રતાદિના પરિણામ બંધનું કારણ નથી.
ભાઈ! એ તો મિથ્યાત્વ સહિતના પરની એકત્વબુદ્ધિના પરિણામ જે મિથ્યાદ્રષ્ટિને હોય છે તેને મુખ્ય ગણીને તેને બંધનું કારણ કહ્યું છે. બાકી દયા, દાન, વ્રત આદિના એકત્વબુદ્ધિરહિત જે પરિણામ સમ્યગ્દ્રષ્ટિને હોય છે તે પણ બંધનું જ કારણ છે. તે અલ્પ બંધનું કારણ હોવાથી (દીર્ધ સંસારનું કારણ નહિ હોવાથી) તેને ગૌણ ગણીને બંધમાં ગણ્યા નથી એ બીજી વાત છે, પણ તેથી જો તું એમ માનતો હોય કે એકત્વબુદ્ધિ વગરના રાગના પરિણામ (વ્યવહારના પરિણામ) કરવા જેવા છે, કેમકે તે બંધનું કારણ નથી, પણ મોક્ષનું કારણ છે તો તારી તે માન્યતા મિથ્યા-ખોટી છે; અર્થાત્ તને પરની એકત્વબુદ્ધિ મટી જ નથી.
બાપુ! વીતરાગનો મારગ-મોક્ષનો મારગ- તો એકલા વીતરાગભાવસ્વરૂપ છે; તે સ્વ-આશ્રિત છે; તેમાં પરાશ્રિત રાગનો એક અંશ પણ સમાઈ શકે નહિ. શું કીધું? જેમ આંખમાં રજ-કણ સમાય નહિ તેમ ભગવાનના મારગમાં રાગનો કણ પણ સમાય નહિ. અહા! મારગ તો શુદ્ધ ચૈતન્યસ્વભાવમય એક વીતરાગતામય જ છે. જેમ ભગવાન આત્મા એક ચૈતન્યસ્વભાવનો-વીતરાગસ્વભાવનો અતીન્દ્રિય આનંદ તે શાંતિનો પિંડ છે, તેમ તેના આશ્રયે પ્રગટેલો માર્ગ પણ તેવો અતીન્દ્રિય આનંદમય ને વીતરાગી શાંતિમય છે. ભાઈ! સરાગતા એ કાંઈ વીતરાગનો મારગ નથી.