સમયસાર ગાથા-ર૭૧ ] [ ર૦૭ બુદ્ધિ છોડવાયોગ્ય જ છે તેમ વ્રત, તપ, શીલ, સંયમના બાહ્ય પરિણામ, ર૮ મૂલગુણના વિકલ્પ, અને પંચમહાવ્રતાદિના પરિણામ કે જે મુનિને હોય છે તે બધાય પરાશ્રિત હોવાથી છોડવાયોગ્ય જ છે. ગજબ વાત છે ભાઈ!
અત્યારે હવે આમાં લોકોને મોટી તકરાર ને વાંધા છે, એમ કે આ બધું-દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઈત્યાદિ શ્રાવકનાં આચરણ ને મુનિનાં બાહ્ય આચરણ અમે કરીએ છીએ તે શું બધાં ખોટાં છે. આ શ્રાવકનાં ને મુનિનાં આચરણરૂપ વ્યવહારને નહિ સ્થાપો તો જૈનધર્મ જ નહિ રહે.
સમાધાનઃ– બાપુ! જૈનધર્મ તો એક વીતરાગભાવસ્વરૂપ છે, શુદ્ધ ચૈતન્યના પરિણમનસ્વરૂપ છે. વ્રતાદિનો રાગ કાંઈ જૈનધર્મ નથી. જો કે ધર્મીને તેવો વ્રતાદિનો રાગ હોય છે પણ એ કાંઈ ધર્મ નથી. વળી ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. વિના સમ્યગ્દર્શન જે કાંઈ બાહ્ય આચરણ છે તે બધાંય ખોટાં છે, એને વ્યવહાર પણ કહેતા નથી. મિથ્યાદ્રષ્ટિને વ્યવહાર ક્યાં છે? અહીં તો સમ્યગ્દ્રષ્ટિને જે બાહ્ય વ્રતાદિ વ્યવહાર છે તે સઘળોય ત્યાગવાયોગ્ય છે એમ આચાર્યદેવ ફરમાવે છે. અહાહા...! સમ્યગ્દ્રષ્ટિને મિથ્યાત્વનો ત્યાગ કરાવ્યો છે તે કારણથી અમે એમ માનીએ છીએ કે પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળોય સમકિતીને છોડાવ્યો છે એમ આચાર્યદેવ કહે છે. મારગ બહુ ઝીણો છે ભાઈ! આ તો કળશ જ એવો આવ્યો છે.
ભગવાન! તું અનંતકાળથી દુઃખના પંથે દોરાઈ ગયો છે. સ્વરૂપ પ્રતિ આંધળો થઈને તેં દુઃખમાં જ ભુસકા માર્યા છે. અહીં તને આચાર્ય ભગવાન સુખનો પંથ બતાવે છે. કહે છે-નિર્મળાનંદનો નાથ અતીન્દ્રિય આનંદનો સાગર એવા સ્વસ્વરૂપને ભૂલીને, આ શરીરાદિ મારાં છે ને એનાથી મને સુખ છે તથા પરનાં સુખ-દુઃખને હું કરું છું ઈત્યાદિ અનેક પ્રકારે જે તને પરમાં એકત્વબુદ્ધિનાં અધ્યવસાન છે તે સર્વને છોડી દે; ભગવાને તે સર્વ અધ્યવસાનોને છોડવાયોગ્ય કહ્યાં છે.
હા, પણ દયા, દાન, વ્રત, ભક્તિ ઈત્યાદિ વ્યવહાર તો કરવો ને? શાસ્ત્રમાં પણ વ્રતાદિ બાહ્ય આચરણનું વિધાન છે.
સમાધાનઃ– બાપુ! દયા, દાન, વ્રતાદિનો જે વ્યવહાર છે તે રાગ છે, ને રાગને કરવાનો અભિપ્રાય મિથ્યા અધ્યવસાન છે, મિથ્યાત્વ છે. એ તો આગળ આવી ગયું કે ઉપયોગભૂમિ રાગાદિક સાથે એકત્વ પામે તે મિથ્યાત્વ છે, બંધનું કારણ છે. આ કળશમાં પણ કહે છે કે- ભગવાને પર સાથે એકતાબુદ્ધિના સર્વ અધ્યવસાન છોડાવ્યા છે તે પરથી અમે (-મુનિવરો) એમ માનીએ છીએ કે વ્રતાદિનો સઘળોય વ્યવહાર ભગવાને છોડાવ્યો છે. અહા! સમકિતીને અસ્થિરતાના જેટલા વિકલ્પ આવે તે સઘળાય ભગવાને છોડવાયોગ્ય કહ્યા છે. સમજાણું કાંઈ...?