પરંતુ હવે ત્યાં, સામાન્ય જ્ઞાનના આવિર્ભાવ અને વિશેષ જ્ઞાનના તિરોભાવથી જ્યારે જ્ઞાનમાત્રનો અનુભવ કરવામાં આવે ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવવામાં આવે છે. જુઓ રાગમિશ્રિત જ્ઞેયાકાર જ્ઞાન જે (પૂર્વે) હતું એની રુચિ છોડી દઈને (પર્યાયબુદ્ધિ છોડીને) અને જ્ઞાયકની રુચિનું પરિણમન કરીને સામાન્ય જ્ઞાનનો પર્યાયમાં અનુભવ કરવો એને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને વિશેષ જ્ઞાનનો તિરોભાવ કહે છે. આ પર્યાયની વાત છે જ્ઞાનની પર્યાયમાં એકલા જ્ઞાન, જ્ઞાન, જ્ઞાનનું વેદન થવું અને શુભાશુભ જ્ઞેયાકાર જ્ઞાનનું ઢંકાઈ જવું તેને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ કહે છે. અને એ પ્રમાણે જ્ઞાનમાત્રનો અનુભવ કરવામાં આવતાં જ્ઞાન આનંદ સહિત પર્યાયમાં અનુભવમાં આવે છે. અહીં ‘સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ’ એટલે ત્રિકાળી ભાવનો આવિર્ભાવ એમ વાત નથી. સામાન્ય જ્ઞાન એટલે શુભાશુભ જ્ઞેયાકાર રહિત એકલા જ્ઞાનનું પર્યાયમાં પ્રગટપણું. એકલા જ્ઞાન, જ્ઞાન, જ્ઞાનનો અનુભવ એ સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ છે. જ્ઞેયાકાર સિવાયનું એકલું પ્રગટ જ્ઞાન તે સામાન્ય જ્ઞાન છે. એનો વિષય ત્રિકાળી છે.
ભાઈ! આ તો અધ્યાત્મ કથની છે. એક-એક શબ્દમાં ગંભીરતા ભરી છે. આ તો સમયસાર અને તેમાં પંદરમી ગાથા! કુંદકુંદાચાર્યની વાણી સમજવા માટે પણ ખૂબ પાત્રતા જોઈએ.
તોપણ જેઓ અજ્ઞાની છે, જ્ઞેયોમાં આસક્ત છે તેમને તે સ્વાદમાં આવતું નથી. ચૈતન્યસ્વરૂપ નિજ પરમાત્માની જેમને રુચિ નથી એવા અજ્ઞાની જીવો રાગ કે જે પરજ્ઞેય છે (રાગ તે જ્ઞાન નથી) તેમાં આસક્ત છે. વ્રત, તપ, દયા, દાન, પૂજા, ભક્તિ એવા જે વ્યવહાર રત્નત્રયના પરિણામ છે તેમાં જેઓ આસક્ત છે, શુભાશુભ વિકલ્પોને જાણવામાં જેઓ રોકાયેલા છે એવા જ્ઞેયલુબ્ધ જીવો્રને આત્માના અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો સ્વાદ આવતો નથી. શુભરાગની -પુણ્યભાવની જેમને રુચિ છે તેમને આત્માના આનંદનો સ્વાદ આવતો નથી.
આત્માનો વળી સ્વાદ કેવો હશે? દાળ, ભાત, લાડુ, મોસંબી વગેરેનો સ્વાદ તો હોય છે! એ તો બધી જડ વસ્તુ છે. જડનો સ્વાદ તો અજ્ઞાનીને પણ હોતો નથી. પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયની સત્તા છોડીને પદાર્થ શું બીજી સત્તામાં મળી જાય છે? જડ તો ભિન્ન ચીજ છે. અજ્ઞાનીને વસ્તુ પ્રત્યે જે રાગ છે તેનો સ્વાદ આવે છે, વસ્તુનો નહીં. સ્ત્રીના વિષયમાં સ્ત્રીના શરીરને ભોગવતો નથી, પણ તેના પ્રત્યેના રાગનું વેદન-અનુભવ કરે છે. પૈસા કે આબરૂમાં કાંઈ પૈસાનો કે આબરૂનો અનુભવ આવતો નથી. તીખું મરચું