પ્રવચનસારમાં ૪૭ નયોમાં અશુદ્ધનય અને શુદ્ધનયની વાત આવે છે. તેમાં માટીને વાસણ-ઘટાદિથી જુએ તે અશુદ્ધનય છે અને માટીને એકલી માટી-માટી- માટીસામાન્ય જુએ તે શુદ્ધનય છે. તેમ ભગવાન આત્માને જ્ઞાન, દર્શન, ચારિત્રની પર્યાયથી જોવો તે અશુદ્ધનય છે અને ત્રિકાળ એકરૂપ ચૈતન્યસામાન્યપણે જોવો તે શુદ્ધનય છે. આવા શુદ્ધનયના વિષયભૂત ચૈતન્યસામાન્ય ત્રિકાળી દ્રવ્યનો અનુભવ કરવો તેને અહીં જૈનશાસન કહે છે. * ગાથા –૧પઃ ટીકા ઉપરનું પ્રવચન * જે આ અબદ્ધસ્પૃષ્ટ આદિ પાંચભાવોસ્વરૂપ આત્માની અનુભૂતિ છે એટલે કે પાંચભાવસ્વરૂપ આત્માને શુદ્ધોપયોગવડે દેખે છે, જાણે છે, અનુભવે છે એ ખરેખર સમસ્ત જિનશાસનનો અનુભવ છે. આ જૈનમાર્ગ છે, મોક્ષમાર્ગ છે. આમાં કોઈ રાગ કે વ્યવહાર તો આવ્યો નહીં? ભાઈ, વ્યવહાર કે રાગ એ જૈનશાસન જ નથી. પૂર્ણ વીતરાગતા નથી ત્યાં સુધી સાધકને રાગ આવે છે ખરો, પણ એ જૈનધર્મ નથી. જૈનશાસન એતો શુદ્ધોપયોગમય વીતરાગી પરિણતિ છે. સમ્યગ્દર્શન આદિ રત્નત્રયપરિણતિ એ શુદ્ધોપયોગમય વીતરાગી પરિણતિ છે. એ જૈનધર્મ, જૈનશાસન છે. શ્રી જયસેનાચાર્યની ટીકામાં લીધું છે કે -આત્મપદાર્થનું વેદન-અનુભવ -પરિણતિ એ જૈનશાસન-જૈનમત છે. હવે કહે છે કે આ જૈનશાસન અર્થાત્ અનુભૂતિ તે શું છે? શ્રુતજ્ઞાન પોતે આત્મા જ છે. ભાવશ્રુતજ્ઞાન-શુદ્ધોપયોગથી જે આત્માનો અનુભવ થયો એ આત્મા જ છે. સ્વરૂપની વીતરાગ સ્વસંવેદનદશા-પ્રત્યક્ષ જ્ઞાનની અનુભૂતિ જે પ્રગટ થઈ એ આત્મા જ છે. રાગાદિ જે છે તે આત્મા નથી, અનાત્મા છે. ધર્મીને પણ અનુભૂતિ પછી જે રાગ આવે છે તે અનાત્મા છે. દ્રવ્યશ્રુતમાં આ કહ્યું છે અને એ જ અનુભવમાં આવ્યું. માટે જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે; કેમકે ભાવશ્રુતમાં જે ત્રિકાળી વસ્તુ જણાઈ તે વીતરાગસ્વરૂપ છે અને એની અનુભૂતિ પ્રગટ થઈ એ પણ વીતરાગ પરિણતિ છે. ભગવાન આત્મા ત્રિકાળ મુક્તસ્વરૂપ જ છે. એનો પર્યાયમાં અનુભવ થયો એ ભાવશ્રુતજ્ઞાન છે, શુદ્ધોપયોગ છે. એ આત્માની જ જાત હોવાથી આત્મા જ છે. અનુભૂતિમાં પૂરા આત્માનો નમૂનો આવ્યો માટે તે આત્મા જ છે. તેથી દ્રવ્યની અનુભૂતિ કહો કે જ્ઞાનની અનુભૂતિ કહો-એક જ ચીજ છે. ‘જ’ શબ્દ લીધો છે ને? એકાંત લીધું. સમ્યક્ એકાંત છે. કથંચિત્ રાગની અનુભૂતિ એ આત્મા એમ છે નહીં. સર્વજ્ઞ-સ્વભાવી ‘જ્ઞ’ સ્વભાવી આત્મા એકલો જ્ઞાનસ્વભાવી છે અને એની અનુભૂતિ જ્ઞાનસ્વરૂપ જ છે. અહાહા! શું ભગવાનની વાણી! ચૈતન્યચમત્કાર જાગે એવી ચમત્કારિક વાણી છે.