વડે જિનસ્વરૂપ ભગવાન આત્મામાં રમણતા કરવી, એને જાણવો -અનુભવવો એને ભગવાને જૈનશાસન કહ્યું છે. આ જૈનશાસન પર્યાયમાં છે, દ્રવ્યમાં નહીં. આ પૂર્ણ જિનસ્વરૂપ આત્માને ગ્રહણ કરનાર શુદ્ધોપયોગ એ જ જૈનશાસન છે, પરમેશ્વરનો માર્ગ છે. જેણે આવા આત્માને જાણ્યો નથી એણે કાંઈ પણ જાણ્યું નથી. પર્યાયદ્રષ્ટિમાં આત્માને બદ્ધસ્પૃષ્ટ, અન્ય અન્ય અવસ્થારૂપ, અનિયત, ભેદરૂપ અને રાગરૂપે દેખે છે એ જૈનશાસન નથી, એ તો અજૈનશાસન છે. આ શેઠિયાઓ કરોડોનાં દાન કરે, કોઈ ભક્તિ, પૂજા કરે, દયા, વ્રત પાળે એ કાંઈ જિનશાસન નથી, કે જૈનધર્મ નથી વીતરાગની વાણી સ્યાદ્વાદરૂપ છે એટલે કોઈ ઠેકાણે રાગને પણ ધર્મ કહ્યો છે એમ નથી. (વીતરાગતાથી ધર્મ અને રાગથી પણ ધર્મ એવો સ્યાદ્વાદ નથી.) ધર્મધુરંધર, ધર્મના સ્થંભ એવા કુંદકુંદાચાર્યદેવ જેમનું મંગલાચરણમાં ત્રીજું નામ આવે છે તે જે કહે છે તે એકવાર પૂર્વનો આગ્રહ છોડીને સાંભળ, કે અંતરમાં એકરૂપ પરમાત્મતત્ત્વ સામાન્યસ્વભાવ નિર્લેપ ભગવાન છે એને જાણવો, એની પ્રતીતિ અને રમણતા કરવી -એવો જે શુદ્ધોપયોગ છે તે જૈનશાસન છે. આ જૈનશાસન अपदेशसान्तमध्यं બાહ્ય દ્રવ્યશ્રુત તેમ જ અભ્યંતર જ્ઞાનરૂપ ભાવશ્રુતવાળું છે. જયસેનાચાર્યની ટીકામાં આવે છે કે બાહ્યદ્રવ્યશ્રુતમાં એમ જ કહ્યું છે કે અબદ્ધસ્પૃષ્ટ આત્માનો અનુભવ કરવો એ જ જૈનશાસન છે. બારઅંગરૂપ વીતરાગની વાણીનો આ જ સાર છે -કે શુદ્ધાત્માનો અનુભવ કર.’ દ્રવ્યશ્રુત વાચક છે, અંદર ભાવશ્રુતજ્ઞાન તેનું વાચ્ય છે. દ્રવ્યશ્રુત અબદ્ધસ્પૃષ્ટ આત્માના સ્વરૂપને નિરૂપે છે, ભાવશ્રુત અબદ્ધસ્પૃષ્ટ આત્માનો અનુભવ કરે છે. પંડિત રાજમલજીએ કળશ ૧૩ માં આનો ખુલાસો બહુ સારો કર્યો છે. શિષ્યે પૂછયું- ‘આ પ્રસંગે બીજો પણ સંશય થાય છે કે કોઈ જાણશે કે દ્વાદશાંગજ્ઞાન કોઈ અપૂર્વ લબ્ધિ છે.’ તેનું સમાધાનઃ- દ્વાદશાંગજ્ઞાન વિકલ્પ છે. તેમાંપણ એમ કહ્યું છે કે શુદ્ધાત્માનુભૂતિ મોક્ષમાર્ગ છે. વીતરાગી શુદ્ધાત્માને અનુસરીને જે અનુભવ થાય એ અનુભૂતિ મોક્ષમાર્ગ છે. એણે વસ્તુને જાણી લીધી પછી વિકલ્પ આવે તો શાસ્ત્રો વાંચે, પણ એવા જીવને શાસ્ત્ર ભણવાની કોઈ અટક નથી. આવો માર્ગ છે, ભાઈ! સંપ્રદાયમાં લોકોએ અરે! ભગવાનના માર્ગને પીંખી નાખ્યો છે. અરે! ભગવાનના વિરહ પડયા, અને લોકો બધા ઝઘડામાં પડી ગયા. કોઈ કહે કે શુભરાગથી ધર્મ થાય, તો વળી કોઈ કહે શુભરાગ કરતાં કરતાં ધર્મ થાય ભારે વિપરીતતા. પણ શું થાય! સર્વજ્ઞતા તો પ્રગટ થઈ નથી, અને સર્વજ્ઞસ્વભાવનો અનુભવ નથી. અહીં કહે છે કે સર્વજ્ઞસ્વભાવનો અનુભવ જે શુદ્ધોપયોગ એ જૈનશાસન છે, જૈનધર્મ છે. જૈનધર્મ કોઈ સંપ્રદાય નથી, એ તો વસ્તુનું સ્વરૂપ છે.