अनेकांतमयी मूर्तिर्नित्यमेव प्रकाशताम्।। २।।
જુઓ, દેવ, શાસ્ત્ર, અને ગુરુ એમ ત્રણ છે ને? એમાં પ્રથમ કળશમાં ઈષ્ટદેવની સ્તુતિ કરીને માંગળિક કર્યું. અહીં બીજા કળશમાં સરસ્વતીને નમસ્કાર કરે છે. આમાં અર્થકાર શ્રુતજ્ઞાન, કેવળજ્ઞાન અને વાણી ત્રણેયને નમસ્કાર કરે છે, જ્યારે કળશ ટીકાકારે (રાજમલ્લજીએ) આ કળશમાં એકલી વાણીને સરસ્વતીની મૂર્તિ કહીને નમસ્કાર કર્યો છે. આવી વાત છે, ભાઈ! આ તો વીતરાગનો અનેકાંત માર્ગ છે. જે અપેક્ષાએ કહેવું હોય એ પ્રમાણે લાગુ પડી જાય.
શ્લોકાર્થઃ– ‘અનેકાંતમયી મૂર્તિ કહેતાં જેમાં અનેક અંત (ધર્મ) છે એવું જે જ્ઞાન તથા વચન-તેમય મૂર્તિ સદાય પ્રકાશરૂપ હો. અહીં સમયસારમાં ‘અનેકાંતમયી મૂર્તિ’ માં જ્ઞાન અને વચન બે લઈને જ્ઞાનના બે ભેદ-શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાન એમ લીધા છે; જ્યારે કળશટીકાકારે ‘અનેકાંતમયી મૂર્તિ’ એટલે અનેકાંતધર્મને બતાવનારી વીતરાગની વાણી અર્થાત્ અનેકાંત કહેતાં અનેક જેમાં ધર્મ છે એવો ભગવાન આત્મા-ચૈતન્યતત્ત્વ-તેને બતાવનારી વાણીને -અનેકાંતધર્મવાળી ગણી એકલી વાણીને લીધી છે.
આચાર્ય કહે છે કે જેણે આત્માને પ્રત્યક્ષપણે પૂર્ણ જોયો એવું કેવળજ્ઞાન જગતમાં નિત્ય પ્રકાશરૂપ હો, તથા આત્માને પરોક્ષપણે પૂર્ણ જોયો એવું શ્રુતજ્ઞાન નિત્ય પ્રકાશરૂપ હો. કેવળજ્ઞાન અને શ્રુતજ્ઞાન એમાં પ્રત્યક્ષ અને પરોક્ષનો જ ફેર છે. વળી આત્માના સ્વરૂપને દેખાડનાર એવી સર્વજ્ઞ વીતરાગની દિવ્યધ્વનિ-વાણી તે પણ સદા પ્રકાશરૂપ હો; કેમકે જગતને સત્ આત્મા-તેનું સ્વરૂપ સમજવામાં (વાણી) નિમિત્ત છે. નિયમસારમાં આવે છે કે ઈષ્ટફળની સિદ્ધિનો ઉપાય સુબોધ છે, (એટલે મુક્તિની પ્રાપ્તિનો ઉપાય સમ્યગ્જ્ઞાન છે), સુબોધ સુશાસ્ત્રથી થાય છે અને સુશાસ્ત્રની ઉત્પત્તિ ભગવાનની દિવ્યધ્વનિથી થાય છે. માટે તેમના પ્રસાદને લીધે ‘આપ્ત પુરુષ’ બુધજનો વડે પૂજવા યોગ્ય છે. અર્થાત્ મુક્તિ