Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2700 of 4199

 

૨૨૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ કહીને તેની આગળ પર્યાયને ગૌણ કરીને, તેને વ્યવહાર કહીને નથી એમ કહી દીધી છે. ઝીણી વાત પ્રભુ!

પ્રશ્નઃ– હવે આમાં કેટકેટલું યાદ રાખવું? ઉત્તરઃ– ભાઈ! આ એક જ યાદ રાખવું છે કે ત્રિકાળી અભેદ એક જ્ઞાયકભાવમાત્ર વસ્તુ આત્મા તે જ ખરેખર હું છું અને જે ભેદ ને પર્યાય છે તે બધોય વ્યવહાર છે. ભાઈ! એ સર્વ વ્યવહારને અભૂતાર્થ કહીને ભૂતાર્થ એક સ્વ-સ્વરૂપનો આશ્રય કરાવ્યો છે. અહાહા...! એક સ્વ-સ્વરૂપ જ સત્ય છે, બાકી આખું જગત (પર્યાયભેદ ને ગુણભેદ સુદ્ધાં) અસત્ય છે. જગતની સઘળી ચીજો એની પોતપોતાની અપેક્ષાએ સત્ય છે, પણ પોતાનું સ્વ જે એક જ્ઞાયકભાવ તેની અપેક્ષાએ એ બધી અસત્ય છે. અહાહા...! ત્રિકાળી સત્ની અપેક્ષા એના ગુણભેદ ને પર્યાય પણ અસત્ છે.

અહીં ‘આત્માશ્રિત’ -પહેલા શબ્દનો અર્થ ચાલે છે. આત્માશ્રિત એટલે સ્વ- આશ્રિત એટલે કે ત્રિકાળી એક જ્ઞાયકભાવને આશ્રિત નિશ્ચયનય છે. એ ધ્રુવ નિત્યાનંદ પ્રભુનો આશ્રય કરનારી તો પર્યાય છે, પણ એ પર્યાયને પર્યાયનો આશ્રય નથી પણ નિત્યાનંદ પ્રભુ ધ્રુવનો આશ્રય છે. ઝીણી વાત છે પ્રભુ! આ તો જન્મ-મરણના બીજની સત્તાનો નાશ કરવાની વાત છે. અહાહા...! પોતાની શુદ્ધ સત્તાને પ્રગટ કરીને પુણ્ય-પાપ આદિ ભાવનો નાશ કરવાની આ વાત છે. પ્રભુ! તારી સત્તાને દ્રષ્ટિમાં ઉત્પાદ કરવાની પ્રગટ કરવાની આ વાત છે. (એમ કે સાવધાન થઈને ધીરજથી સાંભળ).

૧૧ મી ગાથામાં આવ્યું ને કે-જ્ઞાયકસ્વભાવ વસ્તુ તિરોભૂત અર્થાત્ દ્રષ્ટિમાંથી દૂર છે તે જાણવામાં આવતાં, દ્રષ્ટિમાં આવતાં આવિર્ભૂત થાય છે. પ્રગટ થાય છે. જ્ઞાયકભાવ તો છે તે છે, પણ એને જ્યારે દ્રષ્ટિમાં લીધો ત્યારે જ્ઞાયકભાવ પ્રગટયો, આવિર્ભૂત થયો એમ કહેવાય છે. જેના પૂર્ણ અસ્તિત્વની ખબર નહોતી, જેની પ્રતીતિ નહોતી એના પૂર્ણ અસ્તિત્વની જ્યાં પ્રતીતિ આવી તો પૂર્ણ અસ્તિત્વ પ્રગટયું એમ કહેવામાં આવે છે.

અહીં ટીકામાં આત્મા એટલે સ્વને આશ્રિત કેમ લીધું? કેમકે વ્યવહાર છે તે પરાશ્રિત છે, તેથી આત્મા એટલે સ્વ-એમ લીધું. સ્વ એટલે કોણ? તો કહે છે-એક પોતાનો સહજ સ્વાભાવિક ભાવ, એક જ્ઞાયકભાવ, નિત્યાનંદસ્વભાવ, ધ્રુવભાવ, એકરૂપ સામાન્યભાવ તે સ્વ છે અને તે નિશ્ચયનયનો વિષય છે, અર્થાત્ સમ્યગ્દર્શનનો વિષય છે, તેથી જેને સમ્યગ્દર્શન પ્રગટ કરવું હોય તેણે ત્રિકાળી એક જ્ઞાયકભાવનો આશ્રય લેવો જોઈએ.

આત્માશ્રિત એટલે આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાય એમ ત્રણ થઈને આત્મા અને એનો આશ્રય લેવો એમ કોઈ કહે તો એ અહીં વાત નથી. અહીં તો આત્માશ્રિત એટલે સ્વ-આશ્રિત ને સ્વ એટલે ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયકભાવ. ભાઈ! સમ્યગ્દર્શન-