Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2702 of 4199

 

૨૨૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ જ્ઞાયક-જ્ઞાયક-જ્ઞાયક એવો ત્રિકાળી એક સામાન્યભાવ જેને પરમ પારિણામિકભાવ કહે છે તેને જાણ્યો નહિ. અહા! અનંતવાર એણે દિગંબર મુનિ થઈને પંચમહાવ્રતાદિ પાળ્‌યાં પણ સ્વ-સ્વભાવના આશ્રયે આત્મજ્ઞાન કર્યું નહિ તેથી એને લેશ પણ સુખ ન થયું, સંસારપરિભ્રમણ ઊભું જ રહ્યું. છહઢાલામાં આવે છે ને કે-

‘મુનિવ્રત ધાર અનંત વાર ગ્રીવક ઉપજાયૌ,
પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયૌ.’

‘उत्पादव्ययध्रौव्ययुक्तम् सत्’ –તત્ત્વાર્થસૂત્રનું સૂત્ર છે. તેમાં ‘ઉત્પાદ-વ્યય’ એ પર્યાય છે, અવસ્થા છે અને ધ્રૌવ્ય એ ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકભાવ છે. ‘ઉત્પાદ’ એટલે મિથ્યાત્વના વ્યયપૂર્વક સમ્યગ્દર્શનની પર્યાય લઈએ તો એનું આશ્રયરૂપ કારણ ત્રિકાળી એક જ્ઞાયકભાવ છે. એક જ્ઞાયકભાવના આશ્રયે જ સમ્યગ્દર્શન થાય છે. પણ રે! એણે વ્રત, તપ, જાત્રા આદિ કરવા આડે પોતાના ધ્રુવસ્વભાવ એક જ્ઞાયકભાવનો આશ્રય કર્યો નહિ!

પરાશ્રિત રાગમાં ધર્મ માનીને તું સંતુષ્ટ થાય પણ ભાઈ! ધર્મનું એવું સ્વરૂપ નથી. ધર્મ તો એક વીતરાગભાવ જ છે અને તે સ્વ-આશ્રયે જ પ્રગટ થાય છે. સમજાણું કાંઈ...?

આ તો દિવ્યધ્વનિનો સાર એવી અધ્યાત્મ-વાણી છે. મૂળ ગાથાઓના કર્તા ભગવાન કુંદકુંદાચાર્ય બે હજાર વર્ષ પર સં. ૪૯માં થઈ ગયા; અને ત્યાર પછી હજાર વર્ષે આચાર્ય અમૃતચંદ્ર થયા. તેમની આ ટીકા છે. તેમાં તેઓ કહે છે-સ્વ-આશ્રિત નિશ્ચયનય છે. ત્યાં ‘સ્વ’ તે કોણ? તો કહે છે-ત્રિકાળી ધ્રુવ સ્વભાવભાવ સામાન્ય-સામાન્ય- સામાન્ય એવો એક જ્ઞાયકભાવ તે પોતાનું સ્વ છે અને એ સિવાય પર્યાયાદિ ભેદ સહિત આખું વિશ્વ પર છે; અને પર-આશ્રિત વ્યવહારનય છે. ગુણભેદ, પર્યાયભેદ આદિ સમસ્ત પરભાવો વ્યવહારનય છે. લ્યો, આવો ઝીણો મારગ!

હવે કહે છે- ‘ત્યાં પૂર્વોક્ત રીતે પરાશ્રિત સમસ્ત અધ્યવસાન (અર્થાત્ પોતાના ને પરના એકપણાની માન્યતાપૂર્વક પરિણમન) બંધનું કારણ હોવાને લીધે...’

શું કીધું? કે પરને હું જિવાડું, પર જીવોની રક્ષા કરું, પરને સુખી કરી દઉં, તેમને આહાર-ઔષધાદિ સગવડો દઉં ઇત્યાદિ પર સાથે એકપણાની માન્યતાપૂર્વક જે પરિણમન છે તે બંધનું કારણ છે, આવો મારગ બહુ ઝીણો બાપા! લોકો, આ તો નિશ્ચય છે, નિશ્ચય છે એમ કરીને એની ઉપેક્ષા કરે છે પણ આ જ સત્ય વાત છે ભાઈ! પરદ્રવ્યની ક્રિયા હું કરી શકું એ માન્યતા જ પરાશ્રિત મિથ્યાદર્શન છે, અને તે બંધનું કારણ છે.

પ્રશ્નઃ– તો પર જીવોની દયા પાળવી કે નહિ? દુઃખી દરિદ્રીઓને આહાર- ઔષધાદિનાં દાન દેવાં કે નહિ?