૨૩૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
ઉત્તરઃ– અરે ભાઈ! ખોટો કાયોત્સર્ગ કરતાં કરતાં શું સાચો કાયોત્સર્ગ થાય? શું રાગ કરતાં કરતાં વીતરાગતા થાય? શું અંધારું ભરતાં ભરતાં પ્રકાશ થાય? કદીય ન થાય. બાપુ! એ તો તને ભ્રાન્તિ છે કે ખોટો કાયોત્સર્ગ કરતાં કરતાં સાચો થઈ જાય. જુઓ ને! અહીં સ્પષ્ટ તો કહે છે કે ભગવાન કેવળીએ કહેલો વ્યવહાર તો કરે છે, છતાં એને સમ્યગ્દર્શન થતું નથી, ધર્મ પ્રગટતો નથી.
આ તો અહીં અભવ્યનું દ્રષ્ટાંત દીધું છે, બાકી ભવિ જીવોએ પણ આવું બધું અનંતવાર કર્યું છે. શાસ્ત્રમાં લેખ છે કે પુદ્ગલપરાવર્તનકાળમાં અનંતવાર એ નવમી ગ્રૈવેયક ગયો. અહા! એક પુદ્ગલપરાવર્તનના અનંતમા ભાગમાં અનંતા ભવ થાય. આવા અનંતા પુદ્ગલપરાવર્તનમાં ભવ્ય જીવે પણ અનંતવાર દિગંબર નગ્ન મુનિ થઈ ને પંચમહાવ્રતાદિ પાળ્યાં. પણ રે! એણે અંદર ચૈતન્યમૂર્તિ આનંદનો નાથ સદા ભગવાનસ્વરૂપે વિરાજી રહ્યો છે તેની દ્રષ્ટિ કરી નહિ! એનો આશ્રય લીધો નહિ! અહા! શીલ ને તપથી પરિપૂર્ણ બધોય વ્યવહાર પાળ્યો, પણ પોતાના ભગવાનને અંદર ભાળવાની દરકાર કરી નહિ! પં. શ્રી દોલતરામજીએ છહઢાલામાં કહ્યું છે ને કે-
અહા! આત્મજ્ઞાન-સમ્યગ્જ્ઞાન વિના એણે અનંતવાર મુનિવ્રત ધારણ કર્યાં; પાંચ મહાવ્રત, સમિતિ ને ગુપ્તિ ઇત્યાદિ બાહ્ય વ્યવહાર અનંતવાર પાળ્યો, પણ એનો સરવાળો શું? શૂન્ય; લેશ પણ સુખ ન થયું, અર્થાત્ દુઃખ જ થયું. અહા! મહાવ્રતાદિના ફળમાં અનંતવાર નવમી ગ્રૈવેયક ગયો, પણ આત્મદર્શન વિના એને જરાય આનંદ ન મળ્યો, એણે મન-વચન-કાયાને અશુભમાંથી ખેંચી શુભમાં રોકી રાખી, પણ બાપુ! એ તો બધું દુઃખ જ છે ભાઈ! શુભથી અશુભ ને અશુભથી શુભ એમ શુભ-અશુભમાં ભમવું એ તો નર્યું દુઃખ જ છે. શુભ-અશુભ બેયથી ભિન્ન પડીને આનંદમૂર્તિ સચ્ચિદાનંદ પ્રભુ નિજ આત્માના આશ્રયે નિરાકુળ નિર્વિકાર પવિત્ર શાન્તિરૂપ નિર્મળ રત્નત્રય પ્રગટ કરવાં એ એક જ ધર્મ છે અને એક જ સુખ છે. સમજાય એટલું સમજો, પણ મારગ તો આ જ છે બાપુ! અહીં કહે છે-તેને (-મારગને) છોડીને તું અહિતના પંથે અનંતવાર ગયો છે! (તો હવે હિતના-સુખના પંથે લાગ).
પ્રશ્નઃ– તો ધર્મી પુરુષ પણ વ્રત, તપ, શીલ, આદિ વ્યવહાર તો પાળે છે? ઉત્તરઃ– ભાઈ! ધર્મી પુરુષે અંદર સ્વનો-શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ આત્માનો આશ્રય લીધો છે, તેથી એને અંદર નિર્મળ રત્નત્રયરૂપ ધર્મ પ્રગટ થયો છે. પણ એની પૂર્ણતા ન થઈ હોય ત્યાં સુધી અને વ્રત, તપ, શીલ આદિનો ભાવ આવે છે ખરો, પણ એનો એને આશ્રય નથી, એનું એને સ્વામિત્વ નથી; વળી એને તે બંધનું જ કારણ જાણી તેને હેય માને છે; તે એને પોતાનામાં ભેળવતો નથી.