સમયસાર ગાથા-૨૭૩ ] [ ૨૩૩ જીવ પરિપૂર્ણ પાળે છે એની વાત ચાલે છે. સર્વજ્ઞે કહેલાં દેવ-ગુરુ-શાસ્ત્રનાં ભક્તિવિનય અભવ્ય જીવ બહારથી બરાબર રીતે પાળે છે પણ એ બધું એકાંતે પરાશ્રિત રાગનું પરિણમન હોવાથી તેને એનાથી ધર્મ થતો નથી. વળી કોઈ ગ્લાન શ્રમિત નિર્ગ્રંથ મુનિવર હોય તેની વૈયાવૃત્તિ-સેવા કરે તોય તે પરાશ્રિત રાગ તેને કાંઈ ગુણ કર્તા નથી, માત્ર બંધન-કર્તા જ છે. આવી વાત છે!
તે શાસ્ત્રનો સ્વાધ્યાય કરે-૧૧ અંગ અને નવ પૂર્વ સુધીનું શ્રુત કંઠસ્થ હોય તે પાણીના પૂરની પેઠે બોલી જાય એમ સ્વાધ્યાય કરે પણ એ બધા વિકલ્પ રાગ છે, વ્યવહાર છે, બંધનું કારણ છે. અહા! સ્વસ્વરૂપના આશ્રય વિના, અંતર્દષ્ટિ કર્યા વિના શાસ્ત્ર પણ શું કરે? અહો! સમ્યગ્દર્શન શું ચીજ છે એની લોકોને ખબર નથી. આ બહારથી ત્યાગ કર્યો ને લુગડાં છોડયાં ને નગ્નપણું થયું ને પંચમહાવ્રત આદિ પાળ્યાં એટલે માને કે ધર્મ થઈ ગયો, પણ ધૂળેય ધર્મ નથી સાંભળને. ભાઈ! જ્યાંસુધી આનંદનો નાથ એક જ્ઞાયકસ્વભાવમય પ્રભુ આત્માનો આશ્રય કરે નહિ ત્યાંસુધી જેટલો કોઈ પરાશ્રિત વ્યવહાર-ક્રિયાકાંડ કરે તે સર્વ બંધનું-સંસારનું જ કારણ થાય છે.
વળી ભગવાને કહેલું વ્યવહાર ધ્યાન પણ તે અનંત વાર કરે છે. આત્માનું વિકલ્પરહિત નિર્વિકલ્પ ધ્યાન નહિ હોં, પણ શુભવિકલ્પવાળું ધ્યાન અભવ્ય જીવે અને ભવ્ય જીવે પણ અહા! અનંતવાર કર્યું છે. અંદરમાં વિચાર-વિકલ્પ જે આવે તેમાં ઊભા રહીને ‘આ હું આત્મા છું’ -એવા વિકલ્પવાળું ધ્યાન એણે અનંતવાર કર્યું છે પણ એથી શું? એનાથી કાંઈ લાભ નથી. ભાઈ! આ તો અંદર છે એની વ્યાખ્યા છે. કેટલાક કહે છે-આ ઘરનું નાખે (-ઉમેરે) છે, પણ બાપુ! આ તો શબ્દે શબ્દ અંદરમાં છે; છે કે નહિ? છે ને અંદર? કે ‘શીલ ને તપથી પરિપૂર્ણ’ એવું વ્યવહારચારિત્ર અભવ્ય જીવ પણ પાળે છે.
તે (-અભવ્ય) કાયોત્સર્ગમાં મહિના બબ્બે મહિના સુધી આમ સ્થિરબિંબ થઈને ઊભો રહે, પણ એ બધી પરાશ્રિત રાગની ક્રિયા હાેં. એ બધો ભગવાને કહેલો બાહ્ય ચારિત્રરૂપ વ્યવહાર એને હો, પણ નિશ્ચયચારિત્ર તો જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્માનાં શ્રદ્ધાન-જ્ઞાનપૂર્વક અંદરમાં રમણતા-લીનતા કરતાં થાય છે. અહા! આ બહારની કાયા તો શું? અંદરમાં વિકલ્પરૂપી કાયાની દ્રષ્ટિનો ત્યાગ કરી ચિદાનંદઘન પ્રભુ આત્મામાં લીન થઈને રહેવું એનું નામ કાયોત્સર્ગ છે. હવે આવા નિશ્ચય કાયોત્સર્ગ વિના એકલા વ્યવહાર કાયોત્સર્ગ અભવ્ય જીવે અનંતવાર કર્યા છે પણ એ બધા સંસાર માટે જ સફળ છે.
પ્રશ્નઃ– પણ આવો કાયોત્સર્ગ કરતાં કરતાં કોઈક દિ’ સાચો થઈ જશે.