સમયસાર ગાથા-૨૭૪ ] [ ૨૪૩ હતું તેને યાદ કરીને જાણ્યું તે પરોક્ષ છે. પૂર્વે જાણેલું તે આ જ છે એવો નિર્ણય થયો તે પ્રત્યભિજ્ઞાન પણ પરોક્ષ છે. જ્યાં જ્ઞાન ત્યાં આત્મા ને જ્યાં આત્મા ત્યાં જ્ઞાન; જ્યાં જ્ઞાન નહિ ત્યાં આત્મા નહિ ને જ્યાં આત્મા નહિ ત્યાં જ્ઞાન નહિ-એમ અનુમાન વડે જાણીને જ્ઞાનમાં લીન થાય છે તેથી તેને પરોક્ષ કહે છે. એને પ્રત્યક્ષ કહેવું હોય તો કેમ કહેવું? કે મતિ-શ્રુતજ્ઞાન પ્રત્યક્ષ છે કેમકે સ્વાનુભવકાળે કોઈ પરની અપેક્ષા ત્યાં છે નહિ, પણ મતિ-શ્રુતજ્ઞાન સીધું આત્માને જાણવામાં પ્રવર્તે છે.
પં. શ્રી બનારસીદાસકૃત જિનવાણીની સ્તુતિમાં (શારદાષ્ટકમાં) આવે છે કેઃ-
ત્રિધા સપ્તધા દ્વાદશાંગી બખાની, નમો દેવિ વાગેશ્વરી જૈનવાણી.
અકોપા અમાના અદંભા અલોભા, શ્રુતજ્ઞાનરૂપી મતિજ્ઞાન શોભા;
મહા પાવની ભાવના ભવ્ય માની, નમો દેવી વાગેશ્વરી જૈનવાણી.
લ્યો, વાધ પર સવારી કરે તે વાગેશ્વરી એમ લૌકિકમાં માને છે ને? તે આ વાગેશ્વરી નહિ. આ તો બાપા! વીતરાગ શુદ્ધ ચૈતન્યસ્વરૂપને દેખાડનારી વીતરાગની વાણી-જિનવાણી તે વાગેશ્વરી, આમાં કહ્યું છે ને કે- ‘શ્રુતજ્ઞાનરૂપી મતિજ્ઞાન શોભા;’ એટલે કે મતિજ્ઞાનપૂર્વક શ્રુતજ્ઞાનથી સીધું આત્માને જાણે એમાં જ જ્ઞાનની શોભા છે, અર્થાત્ એ જ સમ્યગ્જ્ઞાન છે.
અહીં કહે છે-અગિયાર અંગનું જ્ઞાન હોવા છતાં અભવ્ય જીવ અજ્ઞાની છે કેમકે એનું જ્ઞાન સ્વરૂપને જાણવા પ્રતિ સીધું કદીય પ્રવર્તતું નથી. સમજાણું કાંઈ...?
‘પ્રથમ તો મોક્ષને જ અભવ્ય જીવ, (પોતે) શુદ્ધ જ્ઞાનમય આત્માના જ્ઞાનથી શૂન્ય હોવાને લીધે, નથી શ્રદ્ધતો. તેથી જ્ઞાનને પણ તે નથી શ્રદ્ધતો.’
જુઓ, અભવ્યનું તો અહીં દ્રષ્ટાંત આપ્યું છે, પણ બીજા (ભવિ) મિથ્યાદ્રષ્ટિઓનું પણ એમ સમજી લેવું. કહે છે-પ્રથમ તો મોક્ષને જ તે નથી શ્રદ્ધતો. અહાહા...! મોક્ષ એટલે શું? કે આત્માની પૂર્ણ શુદ્ધ દશા, પૂરણ વીતરાગવિજ્ઞાનદશાની પ્રાપ્તિ થવી તે મોક્ષ છે. અહા! આત્મા પૂરણ જ્ઞાનાનંદસ્વરૂપ છે. પર્યાયમાં તેની પૂરણ પ્રાપ્તિ થવી અર્થાત્ પૂરણ વીતરાગ કેવળજ્ઞાનદશાની પ્રાપ્તિ થવી તેનું નામ મોક્ષ છે. હવે આવા મોક્ષને જ અભવ્ય જીવ નથી શ્રદ્ધતો કેમકે પોતે પૂરણ શુદ્ધજ્ઞાનમય આત્મા છે એનું એને જ્ઞાન નથી.
અહાહા...! આત્મા ચૈતન્યપ્રકાશનો પુંજ પ્રભુ ત્રિકાળ શુદ્ધ જ્ઞાનાનંદમય વસ્તુ પોતે છે. એમાં દયા, દાન આદિ વ્યવહારના વિકલ્પ તો શું એક સમયની પર્યાયનો