૨૪૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ પણ એમાં અભાવ છે. અહા! જે પર્યાય શુદ્ધસ્વરૂપને જાણે છે તે પર્યાયનો પણ જેમાં અભાવ છે એવો એક શુદ્ધજ્ઞાનમય ભગવાન આત્મા છે. સમજાણું કાંઈ...? અહા! જેનાથી ભવનો અંત આવી જાય એ મારગ જુદા છે બાપા! અનંતકાળમાં આ બધાં થોથાં (વ્યવહાર) કરી કરીને મરી ગયો ભગવાન! પણ હું શુદ્ધજ્ઞાનમય આત્મા છું એમ એણે જાણ્યું નહિ!
‘પંચાધ્યાયી’ માં આવે છે કે શાસ્ત્ર વડે જે શ્રદ્ધા કરી છે તે શ્રદ્ધા નહિ, અને જેમાં આત્મા-શુદ્ધજ્ઞાનમય વસ્તુ પ્રાપ્ત ન થાય એ જ્ઞાન નહિ. શું કીધું એ? કે જે જ્ઞાનની પર્યાયમાં આત્મા પ્રાપ્ત થયો નથી તે ભલે અગિયાર અંગનું જ્ઞાન હોય તોપણ તે જ્ઞાન નથી. જેમાં આત્માનું જ્ઞાન-અનુભવ-પ્રતીતિ નથી એ તો માત્ર શબ્દનું જ્ઞાન છે. અહા! અભવ્યને અગિયાર અંગનું જ્ઞાન છે એ શબ્દનું જ્ઞાન છે, કેમકે જેમાં વ્યવહારશ્રુતજ્ઞાનનો પણ અભાવ છે એવા શુદ્ધજ્ઞાનમય ભગવાન આત્માના જ્ઞાનથી તે શૂન્ય છે. માટે ભલે તે અગિયાર અંગ ભણે તોય તે અજ્ઞાની જ છે. અહો! દિગંબર સંતોએ એકલાં અમૃત ઘોળ્યાં છે! શ્વેતાંબરાદિ બીજે કયાંય આવી વાત છે નહિ.
ભગવાન! તું એક વાર સાંભળ તો ખરો. ભાઈ! તું એમ પૂછે છે ને કે એને અગિયાર અંગનું જ્ઞાન હોય છે છતાં એને અજ્ઞાની કેમ કહ્યો?
તો હું કહું છું કે પ્રભુ! ‘હું શુદ્ધજ્ઞાનમય આત્મા છું’ -એવું એને સ્વસ્વરૂપનું જ્ઞાન નથી, સ્વાનુભવ નથી. શાસ્ત્રના જ્ઞાનથી જ્ઞાન છે પણ એ તો બધું પરલક્ષી જ્ઞાન બાપા! બહારથી લાગે કે ઓહોહોહો...! આવું જ્ઞાન! પણ એ બધું અજ્ઞાન છે ભાઈ!
અહા! અગિયાર અંગ ભણવા છતાં અભવ્ય જીવ, જેમાં એકલો શુદ્ધજ્ઞાનમય પ્રભુ આત્મા રહેલો છે એવા મોક્ષને જ શ્રદ્ધતો નથી અને તેથી તે જ્ઞાનને-આત્માને પણ શ્રદ્ધતો નથી. અહા! બહારમાં તે વીતરાગ દેવનો, નિર્ગ્રંથ ગુરુનો અને ભગવાન જિનેશ્વરે કહેલાં શાસ્ત્રોનો અનંતવાર વિનય કરે છે, પણ ભાઈ! એ બધાં પરદ્રવ્યનો વિનય તો રાગ છે. ભગવાન કેવળી એમ કહે છે કે-અમારા વિનયમાં લાભ માની સંતુષ્ટ રહેનારા રાગી જીવ છે અને એને એ વડે કિંચિત્ ધર્મ નહિ થાય. અહા! પોતે અંદર શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન છે એનો આદર-વિનય કર્યા વિના એને ધર્મ કેમ થાય? ભલે અગિયાર અંગ ભણ્યો હોય તોય અનંતકાળમાં એને ધર્મ ન થાય. સમજાણું કાંઈ...?
પ્રશ્નઃ– તો શાસ્ત્રથી આત્મજ્ઞાન થાય છે એમ આવે છે ને?
ઉત્તરઃ– એ તો ભાઈ! નિમિત્તનું જ્ઞાન કરાવનારું નિમિત્તપ્રધાન ઉપચારનું કથન છે. નિશ્ચયથી તો શુદ્ધજ્ઞાનમય સ્વસ્વરૂપના આશ્રયે જ આત્મજ્ઞાન થાય છે. શ્રીમદે કહ્યું છે ને કે-