સમયસાર ગાથા-૨૭૪ ] [ ૨૪પ
એટલે કે પોતે પોતાનું લક્ષ-આશ્રય કરે તો શાસ્ત્રને નિમિત્ત કહેવાય. વાત તો આમ છે પ્રભુ! આગમથી પોતાનું સ્વરૂપ જાણીને પોતે સ્વરૂપમાં પરિણામ લીન કરે તો આગમથી આત્મજ્ઞાન થયું એમ નિમિત્તની મુખ્યતાથી કહેવાય. સમજાણું કાંઈ...?
આ ‘ભક્તિથી મુક્તિ’ એમ કેટલાક માને છે ને? તેને કહીએ છીએ કે ભાઈ! દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ એ તો રાગ છે, વિકલ્પ છે, પરાશ્રિત ભાવ છે. અહા! સમોસરણમાં જ્યાં ભગવાન સાક્ષાત્ બિરાજમાન હોય ત્યાં જઈને એણે અનંત ભવમાં અનંતવાર ભગવાનની ભક્તિ-પૂજા કરી છે. પણ એનો ભવ કયાં એકેય ઘટયો છે? એ તો બધો પરાશ્રિત વ્યવહાર બાપુ! નિષેધ કરવા લાયક ભાઈ! ભગવાને પર જેનો આશ્રય છે એવા સઘળા વ્યવહારનો નિષેધ કર્યો છે, કેમકે તે બંધનું કારણ છે.
અભવ્યને શાસ્ત્રનું જ્ઞાન (૧૧ અંગનું) છે ને? પણ એ શાસ્ત્રનું જ્ઞાન છે એ તો વિકલ્પ છે. રાજમલજીકૃત સમયસાર કળશટીકા, કળશ ૧૩ માં છેલ્લે કહ્યું છે કે-“કોઈ જાણશે કે દ્વાદશાંગજ્ઞાન કોઈ અપૂર્વ લબ્ધિ છે. તેનું સમાધાન આમ છે કે દ્વાદશાંગજ્ઞાન પણ વિકલ્પ છે. તેમાં પણ એમ કહ્યું છે કે-શુદ્ધાત્માનુભૂતિ મોક્ષમાર્ગ છે.” જોયું? ભગવાનના શાસ્ત્રમાં પણ આ કહ્યું છે કે શુદ્ધ જ્ઞાનમય આત્માને ઉપાદેયપણે અનુભવવાથી ઉત્પન્ન જે શુદ્ધાત્માનુભૂતિ તે મોક્ષમાર્ગ છે, શાસ્ત્રજ્ઞાન નહિ. અભવ્ય જીવ શાસ્ત્રજ્ઞાનના વિકલ્પમાં અટકી રહીને અંદર આનંદઘન પ્રભુ પોતે વિરાજી રહ્યો છે તેનો અનુભવ કરતો નથી અને તેથી શુદ્ધજ્ઞાનમય ભાવ જે મોક્ષ તેનું એને શ્રદ્ધાન થતું નથી.
અહાહા...! ભગવાન આત્મા સદા મોક્ષસ્વરૂપ છે. અબદ્ધ કહો કે મોક્ષસ્વરૂપ કહો- બન્ને એક જ છે. ગાથામાં (ગાથા ૧૪ માં) આવે છે ને કે ‘जो पस्सदि अप्पाणं अबद्धपुंट्ठं’ તેમાં ‘અબદ્ધ’ કહ્યો તે નાસ્તિથી છે અને ‘મોક્ષસ્વરૂપ’ એ અસ્તિ છે. અહાહા...! શુદ્ધ જ્ઞાનમય એવો આત્મા મોક્ષસ્વરૂપ છે. પણ અભવ્ય જીવ ‘આવો આ હું આત્મા’ એમ પોતાને જાણતો-અનુભવતો નથી. તેથી મોક્ષ કે જે એકલો શુદ્ધ જ્ઞાનમય ભાવ છે તેને તે શ્રદ્ધતો નથી અને તેથી જ્ઞાનને એટલે પોતાના આત્માને પણ તે શ્રદ્ધતો નથી. અહા! શાસ્ત્રજ્ઞાનના વિકલ્પમાં રોકાયેલો-ગુંચાયેલો તે ‘હું પોતે જ જ્ઞાનસ્વરૂપી આત્મા છું’ -એમ જાણતો નથી, શ્રદ્ધતો નથી. ભગવાન સર્વજ્ઞે કહેલું આ સત્ય છે ભાઈ! આ કાંઈ પક્ષ નથી; પક્ષનો આમાં નિષેધ છે. સમજાણું કાંઈ...!
હવે કહે છે- ‘અને જ્ઞાનને નહિ શ્રદ્ધતો તે, આચારાંગ આદિ અગિયાર અંગરૂપ શ્રુતને (શાસ્ત્રને) ભણતો હોવા છતાં, શાસ્ત્ર ભણવાનો જે ગુણ તેના અભાવને લીધે જ્ઞાની નથી.’