સમયસાર ગાથા-૨૭૪ ] [ ૨૪૯ સાંભળવાથી તું તને જાણે એવો તું નથી. હવે આવી વાત લોકોને બેસે નહિ એટલે વિરોધ કરે, પણ શું થાય? મારગ તો જેમ છે તેમ જ છે.
કોઈને ન બેસે એટલે ભાઈ! એનો તિરસ્કાર ન કરાય. એ પણ સ્વભાવે તો ભગવાન છે ને? પર્યાયમાં ભૂલ છે એ તો સ્વ-આશ્રયે નીકળી જવા યોગ્ય છે. અંદર સચ્ચિદાનંદસ્વરૂપ પોતે ભગવાન છે તેના ભાન દ્વારા ભૂલ નીકળી જવા યોગ્ય છે.
અહા! બાર અંગરૂપ શ્રુત છે એ ભગવાનની વાણી છે. ઇન્દ્રો, ગણધરો ને મહા મુનિવરો ભગવાનની વાણી બહુ નમ્ર થઈ સાંભળતા હોય છે. અહા! એ વાણીમાં એમ આવ્યું કે-ભગવાન! તું તારા સ્વભાવથી જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા છો; પણ આ અમારી વાણીથી તને જે જ્ઞાન થાય તેનાથી તને તારું (-આત્માનું) જ્ઞાન થાય એવું તારું સ્વરૂપ નથી. અહા! શાસ્ત્રજ્ઞાનના વિકલ્પથી કે નિમિત્તથી ભગવાન આત્મા જણાય એવું એનું સ્વરૂપ જ નથી. તને વ્યવહારનો ને નિમિત્તનો પક્ષ હોય એટલે એમ માને કે વ્યવહાર કરતાં કરતાં (નિશ્ચય) થાય, નિમિત્તથી (કાર્ય) થાય, પણ બાપુ! તારી એ માન્યતા મહા કલંક છે, મહા શલ્ય છે. ભાઈ! જેનો ભગવાને નિષેધ કર્યો છે એ પરાશ્રિત વ્યવહારથી નિશ્ચય થાય એમ તું માને છે તે મહા શલ્ય છે. ભગવાને તો બાપુ! સ્વ-આશ્રિત નિશ્ચય કહ્યો છે. સમજાણું કાંઈ...?
અરે! આવા શુદ્ધ તત્ત્વની વાત લોકોને બિચારાઓને સાંભળવા મળે નહિ અને જિંદગી પૂરી થઈ જાય. અરે! તેઓ કયાં જાય? જેમ વંટોળિયે ચઢેલું તણખલું કયાંય જઈને પડે તેમ મિથ્યાત્વને પડખે ચઢેલો જીવ સંસારમાં રખડતો કયાંય કાગડે-કૂતરે-કંથવે ઇત્યાદિ તિર્યંચાદિમાં ચાલ્યો જાય. ભગવાન! તારે કયાં જવું છે બાપુ? રખડવા જા છ (જાય છે) એને બદલે સ્વરૂપમાં જા ને ભાઈ!
અહા! ભગવાન! તું કોણ છો? અંદર ચિદાનંદઘન ચૈતન્યમૂર્તિ શુદ્ધજ્ઞાનમય ભગવાન છો ને પ્રભુ! આ ભૂલ છે એ તો એક સમયની પર્યાય છે. એક સમયની ભૂલ ને ત્રિકાળી જ્ઞાયકતત્ત્વ બેય છે ને પ્રભુ! એ ભૂલને ગૌણ કર તો અંદર ભૂલ વિનાની ત્રિકાળી એક જ્ઞાયકભાવમય ચીજ છો ને પ્રભુ! ભાઈ! તને જ્ઞાનમાં હું એક જ્ઞાયકભાવમય છું એમ મહિમા આવવો જોઈએ. અહા! જે જ્ઞાનમાં શુદ્ધ સ્વરૂપનો મહિમા ભાસે તે જ્ઞાનને જ ભગવાને જ્ઞાન કહ્યું છે; અને એ જ શાસ્ત્ર-ભણતરનો ગુણ છે પણ એ તો થયો નહિ, તો શાસ્ત્ર ભણવાથી શું સિદ્ધિ છે? લ્યો, આ ‘ગુણ’ નો આ અર્થ. આ તો સમ્યગ્દર્શનની વાત બાપુ! ચારિત્ર એ તો કોઈ અલૌકિક દશા છે ભાઈ! આ બહારનાં વ્રત, તપ એ કાંઈ ચારિત્ર નથી.
જુઓ, ૨૭૨ માં કહ્યું કે સ્વ-આશ્રય તે નિશ્ચય અને પર-આશ્રય તે વ્યવહાર.