સમયસાર ગાથા-૨૭૪ ] [ ૨પ૧ છે, શાસ્ત્ર-ભણતર વડે ભિન્ન વસ્તુભૂત શુદ્ધાત્મજ્ઞાન કરી શકાતું નથી; અર્થાત્ શાસ્ત્રભણતર તેને શુદ્ધાત્મજ્ઞાન કરી શકતું નથી.
ભાઈ! તને તારા પૂરણ સ્વરૂપની મોટપ કેમ બેસતી નથી? તું જાણે કે (શુદ્ધાત્મજ્ઞાન) નિમિત્તથી થાય ને વ્યવહારથી થાય પણ એવું તારું જાણવું ને માનવું મિથ્યા છે. બાપુ! એ તો મહા શલ્ય છે કેમકે નિમિત્ત-પરવસ્તુ ને રાગ તારું કાર્ય કરવામાં પંગુ-પાંગળા અને અંધ-આંધળા છે, અને તું એમનાથી જણાય એવું તારું સ્વરૂપ નથી. અહા ભાઈ! આ વ્રત, તપ, શાસ્ત્ર-ભણતર ઇત્યાદિ સઘળો વ્યવહાર, જડ, આંધળો ને તારું કાર્ય (-આત્મજ્ઞાન) કરવામાં પાંગળો છે, શક્તિહીન છે.
હવે કહે છે- ‘માટે તેને શાસ્ત્ર ભણવાના ગુણનો અભાવ છે; અને તેથી જ્ઞાનશ્રદ્ધાનના અભાવને લીધે તે અજ્ઞાની ઠર્યો-નક્કી થયો.’
અહા! અભવ્ય જીવે અને ભવ્ય જીવે પણ અનંતવાર ૧૧ અંગનું શાસ્ત્રજ્ઞાન કર્યું, પણ અંદર શુદ્ધજ્ઞાનમય પોતાનો ભગવાન જ્ઞાયક છે એનો આશ્રય લીધો નહિ તેથી શાસ્ત્ર ભણવાનો ગુણ-જે શુદ્ધ જ્ઞાનમય આત્માનાં જ્ઞાન-શ્રદ્ધાન-તે થયો નહિ. તેથી તે અજ્ઞાની જ રહ્યો. અહા! શાસ્ત્ર-જ્ઞાન (વિકલ્પ) જે પોતાની ચીજ નથી એનું રટણ કર્યું અને પોતાની ચીજ (-શુદ્ધજ્ઞાનમય આત્મા) ને એણે જાણી નહિ તેથી તે અજ્ઞાની જ ઠર્યો. આવી વાત છે.
‘અભવ્ય જીવ અગિયાર અંગ ભણે તોપણ તેને શુદ્ધ આત્માનું જ્ઞાન-શ્રદ્ધાન થતું નથી; તેથી તેને શાસ્ત્રના ભણતરે ગુણ ન કર્યો; અને તેથી અજ્ઞાની જ છે.’
જુઓ, સમયસાર કળશટીકા, કળશ ૧૩માં કહ્યું છે કે-બાર અંગનું જ્ઞાન કાંઈ અપૂર્વ નથી. જો કે બાર અંગનું જ્ઞાન સમકિતીને જ હોય છે, બીજાને (મિથ્યાદ્રષ્ટિને) નહિ, તોપણ અપૂર્વ નથી એમ કેમ કહ્યું? કેમકે બાર અંગનું જ્ઞાન વજન (-મહત્ત્વ) દેવા જેવું નથી કારણ કે શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે, શાસ્ત્રજ્ઞાન નહિ.
અહા! શાસ્ત્ર ભણવાનો ગુણ તો અંદર ભિન્ન વસ્તુ ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા તેનો અનુભવ કરવો તે છે. પણ અભવ્ય જીવ શુદ્ધ આત્માનુભવ કરતો નથી. તેથી અગિયાર અંગ ભણે તોય તેને શુદ્ધ આત્માનું જ્ઞાન-શ્રદ્ધાન થતું નથી. અહા! એણે પરલક્ષે જાણ્યું છે કે આત્મા આવો અભેદ એક પરમ પવિત્ર શુદ્ધ જ્ઞાનસ્વરૂપ છે, પણ તે અંતર્મુખ થઈને આત્માનુભવ કરતો નથી; તેથી તેને શાસ્ત્ર ભણતરે ગુણ ન કર્યો; અને તેથી તે અજ્ઞાની જ છે.