અમે પુસ્તક બનાવીએ છીએ. પણ પુસ્તક બનાવવાનો જે વિકલ્પ છે એ તો રાગ છે અને અમે પુસ્તક બનાવી શકીએ છીએ એવો ભાવ એ મિથ્યાત્વભાવ છે. જડને કોણ બનાવે? ‘ક’ એવો એક અક્ષર અનંત પરમાણુઓનો બનેલો છે. આત્મા એને કરી કે લખી શકે એ ત્રણકાળમાં બનતું નથી. અનંત દ્રવ્ય અનંતપણે રહીને-એક એક પરમાણુ અને અન્ય દ્રવ્ય પોતાની અવસ્થાને સ્વકાળે પૃથક્પણે કરે છે. ‘ણમો અરિહંતાણં’ એ તો શબ્દ છે. અંદર નમન કરવાનો જે વિકલ્પ ઉત્પન્ન થાય તે રાગ છે. તે રાગ દ્વારા જ્ઞાનનો અનુભવ એ આત્માનો સ્વાદ નથી.
પરમાત્મ પ્રકાશમાં લીધું છે કે આ જીવ અનંતવાર મહાવિદેહક્ષેત્રમાં જન્મ્યો છે. ત્યાં તીર્થંકરદેવ નિત્ય બિરાજે છે, તીર્થંકરનો વિરહ નથી. તો ત્યાં સમોસરણમાં પણ અનંતવાર ગયો છે. સમ્યગ્જ્ઞાનદીપિકામાં લખ્યું છે કે જીવે પૂર્વે અનંતવાર પ્રત્યક્ષ સમોસરણમાં કેવલી ભગવાનની હીરાના થાળ, મણિરત્નના દીવા અને કલ્પવૃક્ષનાં પુષ્પાદિકથી પૂજા કરી છે તથા દિવ્યધ્વનિ સાંભળી છે. પરમાત્મપ્રકાશમાં પણ ‘ભવે ભવે પૂજિયો’ એવો પાઠ છે. પણ આ તો બધો શુભરાગ છે. એથી ધર્મ માની અનંતકાળથી રખડે છે. જગતને આ બેસવું આકરું છે. પણ ભાઈ! આત્માના ભાન વિના હજારો સ્ત્રીઓ, અને રાજપાટ છોડી નગ્ન દિગંબર સાધુ થયો હોય તોપણ દુઃખી જ છે; પંચમહાવ્રતના પરિણામ એ સુખ નથી, દુઃખ જ છે. સમયસાર નાટકમાં મોક્ષઅધિકારમાં ૪૦ મા છંદમાં ત્યાંસુધી લીધું છે કે ભાવલિંગી મુનિરાજને છઠ્ઠે ગુણસ્થાને જે પંચમહાવ્રતાદિના વિકલ્પ ઉત્પન્ન થાય છે એ ‘જગપંથ’ છે. મિથ્યાદ્રષ્ટિની તો વાત જ શી કરવી? ત્યાં તો ત્યાંસુધી લીધું છે કે સાચા મુનિરાજને પણ જે વારંવાર વિકલ્પ ઉત્પન્ન થાય છે એ અંતર-અનુભવમાં શિથિલતા છે, ઢીલાશ છે. અહીં કહે છે રાગથી ભિન્ન ભગવાન જ્ઞાયકસ્વરૂપ આત્મામાં ઝુકાવ થતાં જે સીધું જ્ઞાન જ્ઞાન દ્વારા અનુભવમાં આવે છે તે આત્માનો સ્વાદ છે, તે જિનશાસન છે, આત્માનુભૂતિ છે.
અહીં આત્માની અનુભૂતિને જ જ્ઞાનની અનુભૂતિ કહી છે. અજ્ઞાનીજન સ્વજ્ઞેયને છોડીને અનંત પરજ્ઞેયોમાં જ અર્થાત્ આત્માના અતીન્દ્રિય જ્ઞાનને છોડીને ઈન્દ્રિયજ્ઞાનમાં જ લુબ્ધ થઈ રહ્યા છે. નિજ ચૈતન્યઘનસ્વરૂપ આત્માનો અનુભવ નથી એવો અજ્ઞાની પરવસ્તુ-પરજ્ઞેયોમાં લુબ્ધ છે. તેની દ્રષ્ટિ અને રુચિ રાગાદિ પર છે. તે ઈન્દ્રિયજ્ઞાનના વિષયોથી અને રાગાદિથી અનેકાકાર થયેલ જ્ઞાનને જ પોતાપણે આસ્વાદે છે; એ મિથ્યાત્વ છે. દેવ-ગુરુ