શાસ્ત્ર પરદ્રવ્ય છે. એની શ્રદ્ધાનો વિકલ્પ રાગ છે. એ રાગ મિથ્યાત્વ નથી, પરંતુ એ રાગથી અનેકાકાર-પરજ્ઞેયાકાર થયેલું જે જ્ઞાન તેને પોતાપણે માનવું એ મિથ્યાત્વ છે. રાગ મિથ્યાત્વ નથી પણ એને ધર્મ માનવો એ મિથ્યાત્વ છે. અજ્ઞાની દયા, દાન, વ્રત, ભક્તિ આદિ રાગના જ્ઞાનને જ જ્ઞેયમાત્ર આસ્વાદે છે. જેને જ્ઞેયાકાર જ્ઞાનની દ્રષ્ટિ અને રુચિ છે એને જ્ઞેયોથી ભિન્ન જ્ઞાનમાત્રનો આસ્વાદ હોતો નથી. તેને અંતર્મુખદ્રષ્ટિના અભાવે રાગનો-આકુળતાનો જ સ્વાદ આવે છે.
તથા જેઓ જ્ઞાની છે, જેમને મહાવ્રતાદિના રાગના પરિણામમાં લીનતા અને રુચિ નથી તેઓ જ્ઞેયોથી ભિન્ન એકાકાર જ્ઞાનનો જ આસ્વાદ લે છે. તે નિરાકુળ અતીન્દ્રિય આનંદનો સ્વાદ છે. જ્ઞાની જ્ઞેયોમાં આસક્ત નથી. રાગ કે નિમિત્ત કોઈમાં એકાકાર નથી. સાક્ષાત્ ભગવાન બિરાજમાન હોય તોપણ તેમાં ધર્મીને આસક્તિ કે એકતાબુદ્ધિ નથી. ધર્મીને વ્યવહારરત્નત્રયનો રાગ, મહાવ્રતાદિ પાલનનો રાગ હોય પરંતુ તે એનાથી ભિન્ન નિજ ચૈતન્યસ્વરૂપ જે આત્મા એને જ્ઞેય બનાવીને તે જ્ઞાનમાત્ર એકાકાર જ્ઞાનનો આસ્વાદ કરે છે. એ અનાકુળ આનંદનો સ્વાદ છે, એ ધર્મ છે. જેમ શાકોથી જુદી મીઠાની કણીનો ક્ષારમાત્ર સ્વાદ આવે તેમ જ્ઞાનીને પરજ્ઞેયો અને શુભાશુભભાવથી ભિન્ન એક નિજ જ્ઞાયકમાત્રના જ્ઞાનનો જ્ઞાનમાત્ર સ્વાદ આવે છે. એને નિશ્ચય સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન કહે છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે, માટે જ્ઞાનનો સ્વાદ છે એ આત્માનો જ સ્વાદ છે.
જ્ઞાન છે તે આત્મા છે અને આત્મા છે તે જ્ઞાન છે. આ પ્રમાણે જ્ઞાન તે ગુણ અને આત્મા ગુણી એવા બેની અભેદદ્રષ્ટિમાં આવતું સર્વ પરદ્રવ્યોથી રહિત અબદ્ધસ્પૃષ્ટ, પોતાની પર્યાયોમાં એકરૂપ, નિશ્ચળ અર્થાત્ વૃદ્ધિહાનિથી રહિત, પોતાના ગુણોમાં એકરૂપ અભેદ તથા પરનિમિત્તના લક્ષે ઉત્પન્ન થયેલ પુણ્ય-પાપ, સુખ-દુઃખની કલ્પનાથી રહિત જે નિજ સ્વરૂપ તેનો અનુભવ એ જ્ઞાનનો અનુભવ છે અને એ સમ્યગ્જ્ઞાન છે, જૈનધર્મ છે. જૈનશાસ્ત્રો વાંચે, સાંભળે અને એની ધારણા કરી રાખે એ કાંઈ સમ્યગ્જ્ઞાન નથી. જિનવાણી તો બાજુ પર રહી, અહીં તો જિનવાણી સાંભળતાં જે જ્ઞાન (વિકલ્પ) અંદર થાય છે એ સમ્યગ્જ્ઞાન છે એમ નથી. દ્રવ્યશ્રુતનું જ્ઞાન એ તો વિકલ્પ છે. પરંતુ અંદર ભગવાન ચિદાનંદ રસકંદ છે એને દ્રષ્ટિમાં લઈ એક એનું જ્ઞાનમાત્રનું અનુભવન કરવું એ ભાવશ્રુતજ્ઞાન છે, એ સમ્યગ્જ્ઞાન છે, જૈનશાસન છે. નિજ સ્વરૂપનું અનુભવન તે આત્મજ્ઞાન છે. શુદ્ધજ્ઞાનરૂપ સ્વસંવેદન, જ્ઞાનનું (ત્રિકાળીનું) સ્વસંવેદન અનુભવન એ ભાવશ્રુતજ્ઞાનરૂપ જિનશાસનનું અનુભવન છે. શુદ્ધનયથી આમાં કાંઈ ભેદ નથી. અહીં ત્રણ વાત આવી. એક તો પરદ્રવ્ય અને પર્યાયથી પણ ભિન્ન જે અખંડ એક શુદ્ધ ત્રિકાળી જ્ઞાનસ્વભાવ એનું અનુભવન